કર્ણ બોલ્યો-'હે રાજન,આજના રણમાં હું પાંડુના યશસ્વી પુત્ર અર્જુન સામે યુદ્ધ કરવા ભેટીશ અને તેમાં હું તેને મારી નાખીશ કે તે મને મારી નાખશે.આજ દિવસ સુધી અમારે બંનેએ ઘણાં કાર્યો કરવાનાં હતા,તેથી અમારો સમાગમ થયો નહોતો પણ આજે જરૂર થશે.મારી બુદ્ધિ પ્રમાણે હું આજે તમને કહું છું કે-આજે હું રણમાં અર્જુનને માર્યા વિના કદી પાછો ફરીશ નહિ.હું બરાબર સજ્જ થઈને ઉભો છું તેથી ચિંતા કરશો નહિ.હું ઇન્દ્રની આપેલી શક્તિથી રહિત થયો છું એટલે અર્જુન જરૂર મારી પર ચઢી આવશે.પણ તમે જાણી લો કે-પોતાનું રક્ષણ કરવામાં અમારા બંનેનું વીર્ય સમાન જ છે.
વળી,દિવ્ય આયુધોના સંબંધમાં પણ અમારી સમાનતા જ છે.પણ અસ્ત્રો ફેંકવાની ઝડપમાં,દૂર રહેલા લક્ષ્યને પાડી નાખવાની કુશળતામાં અને વિવિધ જાતનાં અસ્ત્રો ફેંકવામાં અર્જુન મારા સમાન નથી.હે ભારત,શારીરિક ને માનસિક બળમાં,
અસ્ત્રશિક્ષામાં,અસ્ત્રોને સફળ કરવામાં તથા લક્ષ્યના સંબંધનો નિશ્ચય કરવામાં અર્જુન મારા સમાન નથી.મારુ વિજય નામનું ધનુષ્ય સર્વ આયુધોમાં શ્રેષ્ઠ છે,સાક્ષાત વિશ્વકર્માએ પોતે જ,ઈન્દ્રનું પ્રિય કરવાની ઈચ્છાથી ઇન્દ્ર માટે જ બનાવ્યું છે.એ ધનુષ્યથી ઇન્દ્રે અનેક દૈત્યોનો પરાજય કર્યો છે.એ ધનુષ્ય ઇન્દ્રે પરશુરામને આપ્યું હતું અને પરશુરામે તે મને આપ્યું છે.એ ધનુષ્ય લઈને હું અર્જુન સામે લડીશ.આ ધનુષ્ય ગાંડીવ કરતાં પણ ચડિયાતું છે કેમ કે તે ધનુષ્યનાં પ્રભાવથી પરશુરામે એકવીશ વાર પૃથ્વીને જીતી હતી ને બીજાં ઘણાં કર્મો આ ધનુષ્ય કરી શકે તેમ છે.એ ધનુષ્યથી હું આજે અર્જુન સામે યુદ્ધ કરીશ.
હે દુર્યોધનરાજા,આજના યુદ્ધમાં હું એ અર્જુનને મારીને તમને ને તમારા ભાઈઓને ખુશખુશાલ કરી દઈશ.આજે જ સર્વ પૃથ્વી તમારા તાબાની થશે.આજે હું જે ન કરી શકું તેવું કંઈ છે જ નહિ.તમારું પ્રિય કરવા હું સર્વ કંઈ કરી શકીશ,આજે તમને પાંડવ વધરૂપ સિદ્ધિ જરૂર મળશે.જેમ,વૃક્ષ અગ્નિને સહન કરી શકતું નથી,તેમ,અર્જુન મને રણમાં સહન કરી શકશે નહિ,પરંતુ જે વિષયમાં અર્જુન કરતાં હું હીન છું તે પણ મારે તમને અવશ્ય કહી દેવું જોઈએ.
અર્જુનના ધનુષ્યની પ્રત્યંચા દિવ્ય છે ને તેની પાસે બે દિવ્ય ભાથાં છે કે જે કદી ખાલી થતાં નથી.ને તેના સારથી શ્રીકૃષ્ણ છે.સર્વલોક વંદિત,દશાર્ણકુલનંદન શ્રીકૃષ્ણ તેના ઘોડાઓની રાશ સંભાળે છે.તેની પાસે અગ્નિએ આપેલો દિવ્ય રથ છે,કે જેને કોઈ પણ રીતે નષ્ટ કરી શકતો નથી.તે રથના ઘોડા પણ મનના સમાન વેગશાળી છે.તેનો ધ્વજ દિવ્ય છે કે જેના પર બધાને આશ્ચર્યમાં નાખવાવાળો વાનર બેઠો રહે છે.શ્રીકૃષ્ણ જગતના સ્ત્રષ્ટા છે ને અર્જુનના રથની રક્ષા કરે છે.
આ યુદ્ધમાં રાજા શલ્ય શ્રીકૃષ્ણ સમાન સારથિ છે તે જો મારા સારથિનું કાર્ય કરી શકે તો તમારો વિજય નિશ્ચિત છે.શલ્ય જો સારથિ બને અને મને જો નારાચ બાણો સતત પહોંચાડવામાં આવે,ઉત્તમ ઘોડાઓ જોડેલા સારા રથ મારી પાછળ તૈયાર રાખવામાં આવે તો આવી વ્યવસ્થાથી હું અર્જુન કરતાં પણ ચડી જઈશ.કેમ કે શલ્ય શ્રીકૃષ્ણ સમાન છે અને હું અર્જુનથી શ્રેષ્ઠ છું.દશાર્હ વંશી શ્રીકૃષ્ણ,અશ્વવિદ્યાના રહસ્યને જે પ્રમાણે જાણે છે તે જ પ્રમાણે મહારથી શલ્ય પણ અશ્વવિદ્યાના વિશેષજ્ઞ છે.અશ્વવિજ્ઞાનમાં શલ્ય સમાન બીજો કોઈ નથી.તે શલ્ય જો મારા સારથી બને તો મારો રથ અર્જુનના રથથી પણ વિશેષ થઇ જશે.પછી હું અર્જુનને અવશ્ય જીતી લઈશ.ઇન્દ્ર સહિત સર્વ દેવતા પણ મારો સામનો નહિ કરી શકે તમ છે.હે મહારાજ,તમારા દ્વારા જો આ વ્યવસ્થા થઇ જાય,તો મારો મનોરથ પૂર્ણ થઇ જાય.તો પછી,આ સંગ્રામમાં હું જે કરીશ તે તમે જોજો.યુદ્ધમાં આવેલા સમસ્ત પાંડવોને હું નિશ્ચયથી જીતી લઈશ.'
સંજય બોલ્યો-હે રાજન,કર્ણના વચનોથી દુર્યોધનનું મન પ્રસન્ન થઇ ગયું ને તે કર્ણને કહેવા લાગ્યો કે-'હે કર્ણ,તું જે ઠીક સમજે છે તે પ્રમાણે સર્વ હું કરીશ.યુદ્ધ સ્થળમાં બાણોથી ભરેલા,અનેક ઉત્તમ અશ્વોથી યુક્ત રથો તારી પાછળ ચાલશે.વળી,નારાચ બાણોથી ભરેલા અનેક છકડાઓ (ગાડાંઓ)તને તે બાણો પહોંચાડ્યા કરશે.અને અમે સર્વ રાજાઓ પણ તારી પાછળ ચાલીશું.'
આમ કહીને દુર્યોધન મદ્રરાજ શલ્ય પાસે ગયો (73)
અધ્યાય-31-સમાપ્ત
