અધ્યાય-૩૨-કર્ણના સારથિ થવા માટે શલ્યને પ્રાર્થના
II संजय उवाच II पुत्रस्तव महाराज मद्रराजमहारथम् I विनयेनोपसंगम्य प्रणयाद वाक्यमब्रवीत II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,પછી તમારો પુત્ર દુર્યોધન મહારથી મદ્રરાજ શલ્ય પાસે વિનયથી જઈને પ્રેમપૂર્વક કહેવા લાગ્યો કે-'હે સત્યવ્રતવાળા મદ્રરાજ,તમે શત્રુઓના તાપમાં વૃદ્ધિ કરનારા છો,શૂરવીર છો ને શત્રુઓના સૈન્યને માટે ભયંકર છો.કર્ણે જે કહ્યું તે તમે સાંભળ્યું ને?આ રાજાઓની વચ્ચે હું જાતે તમારી પાસેથી એક વરદાન માગું છું.મારુ મસ્તક નમાવીને હું વિનયપૂર્વક યાચના કરું છું.અર્જુનનો વિનાશ કરવા માટે તથા મારુ હિત કરવા તમે પ્રેમપૂર્વક કર્ણનું સારથિપણું સ્વીકારવા કૃપા કરો.તમે જયારે કર્ણના સારથિ થશો તો કર્ણ મારા શત્રુઓને જીતી શકશે.
હે મહાભાગ,તમે યુદ્ધમાં વાસુદેવ સમાન છો અને કર્ણના ઘોડાઓની લગામ ધારણ કરી શકે તેવો તમારા સિવાય બીજો કોઈ પુરુષ નથી.પૂર્વે ત્રિપુરવિજય સમયે સારથિપણું કરીને બ્રહ્મદેવે જેમ,શંકરનું રક્ષણ કર્યું હતું,ને આ સમયે શ્રીકૃષ્ણ જેમ,અર્જુનના સારથિ થઈને તેનું રક્ષણ કરે છે તેમ તમે પણ કર્ણનું સારથિપણું સ્વીકારીને સર્વથા તેનું રક્ષણ કરો.હે રાજા,તમને યાદ હશે જ કે,ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,તમે,કૃતવર્મા,શકુની,અશ્વત્થામા ને હું-એ નવના રક્ષણ તળે રહેવા સૈન્યના નવ વિભાગ કરવામાં આવ્યા હતા.તેમાંથી ભીષ્મ અને દ્રોણના સૈન્યનો વિભાગ તો હાલમાં રહ્યો નથી.તે બંનેને કપટ કરીને આ યુદ્ધમાં મારી નાખવામાં આવ્યા છે.એ બંને સિવાય ઘણા મહારથીઓને આપણા શત્રુઓએ મારી નાખ્યા છે.
હે રાજા,પાંડવો પ્રથમથી જ અલ્પ સંખ્યામાં હતા,છતાં તેમણે મારા પુષ્કળ સૈન્યને લગભગ મારી નાખ્યું છે હવે મારુ સૈન્ય અલ્પ સંખ્યામાં રહ્યું છે તેથી તેઓ સંહાર કરે તેમાં શું આશ્ચર્ય?પરંતુ તે પાંડવો મારા આ બાકી રહેલા સૈન્યનો કોઈ ઉપાયે નાશ ન કરે તેમ તમે કરો.આપણા સૈન્યમાં એકલો કર્ણ,આપણું પ્રિય અને હિત કરવામાં આસક્ત રહેનારો બાકી રહ્યો છે.ને સર્વ લોકમાં મહારથી તરીકે પ્રસિદ્ધ થયેલા બીજા એક તમે અમારું હિત કરવામાં આસક્ત રહેનારા છો.આજના યુદ્ધમાં કર્ણ અર્જુન સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે,પરંતુ આખી પૃથ્વીમાં શ્રીકૃષ્ણ સમાન,તમારા સિવાય બીજો કોઈ પુરુષ નથી કે જે કર્ણના ઘોડાઓની લગામ,શ્રીકૃષ્ણની સમાન સંભાળી શકે.
અર્જુન,શ્રીકૃષ્ણના રક્ષણ તળે રહીને જે જે કર્મો કરી રહ્યો છે તે તમને પ્રત્યક્ષ જોવામાં આવે જ છે.આગળના યુદ્ધમાં અર્જુન આ પ્રમાણે શત્રુઓનો નાશ કરી શકતો નહોતો,પણ અત્યારે જે તેનું પરાક્રમ દેખાય છે તેનું મુખ્ય કારણ શ્રીકૃષ્ણનો જ પ્રતાપ છે.હે શલ્યરાજ,આ યુદ્ધમાં તમારો ને કર્ણનો જ ભાગ હવે બાકી રહ્યો છે,માટે તે ભાગને સ્વીકારી,તમે કર્ણની સાથે રહીને એકીસાથે શત્રુઓનો નાશ કરી નાખો.બે ઉગતા સૂર્ય જેવા તમને બંનેને જોઈને શત્રુઓ ભલે નાસી જાય.કર્ણ સર્વ રથીઓમાં શ્રેષ્ઠ છે તો તમે સર્વ સારથિઓમાં શ્રેષ્ઠ છો.તમારા બંનેનો સમાગમ આ લોકમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવો અપૂર્વ થઇ પડશે.તમારા સારથિ થવાથી કર્ણ આ યુદ્ધમાં અજિત થઇ પડશે એ હું સત્ય કહું છું,મારા વચન પર શંકા કરશો નહિ'
