દુર્યોધનનું એ વચન સાંભળી,શલ્યરાજ ક્રોધથી ધૂંધવાઈ ઉઠ્યો ને પોતાના બંને હાથોને અફાળવા લાગ્યો.તેને કુલ,ઐશ્વર્ય,શાસ્ત્ર તથા બળનું મોટું અભિમાન હતું તેથી ક્રોધથી લાલચોળ થઈને તેણે દુર્યોધનને કહેવા માંડ્યું કે-'ઓ ગાંધારીપુત્ર,જરૂર તું મારા બળ પર શંકા લાવે છે અને તેથી જ તું આ રીતે મારુ અપમાન કરે છે અને બેધડક થઈને 'તમે કર્ણનું સારથિપણું સ્વીકારો'એમ મને કહી રહ્યો છે.તું અમારા બધાથી એ કર્ણને અધિક માને છે ને તેની પ્રશંસા કર્યા કરે છે પણ તને કંઈ ખબર છે કે-અમે તો રાધાના પુત્રને યુદ્ધમાં અમારા સરખો જરાય ગણતા નથી?હે રાજા,મારા ભાગમાં આવેલા તેવા કોઈ મહાન શત્રુને તું દેખાડ,એટલે તેનો રણમાં પરાજય કરીને હું મારા દેશમાં ચાલ્યો જઈશ.આજે હું એકલો જ શત્રુઓ સામે યુદ્ધ કરી તેમને બાળીને ભસ્મ કરી નાખું ત્યારે તું મારા પરાક્રમને જોજે.અમારા સરખા પુરુષ પોતાના હૃદયમાં અભિમાન રાખીને જ કાર્ય કર્યા કરે છે માટે તું મારા પ્રત્યે શંકા ન કર.હું તને ખાસ કહી દઉં છું કે-યુદ્ધમાં તારે મારુ અપમાન કરવું નહિ.
તું મારા વજ્ર સરખા આ બે બાહુઓને જો,મારુ આ અદભૂત ધનુષ્ય ને બાણો જો,મારા ઘોડાઓ ને રથ જો,ને સુવર્ણના પટ્ટાઓથી શોભતી મારી ગદાને જો,હું ધારું તો આ સમગ્ર પૃથ્વીને ફાડી નાખું અને સમગ્ર પર્વતોને પણ ભાંગી તોડી નાખું.હું શત્રુઓનો નિગ્રહ કરવા આવો સમર્થ છું,છતાં તું મને નીચ જાતિના અધિરથપુત્ર કર્ણનું સારથિકર્મ કરવા કેમ યોજે છે?આવા નીચ કર્મમાં મારી યોજના કરવી તે તને યોગ્ય નથી.હું જગતમાં સર્વોત્કૃષ્ટ થઇ કર્ણ જેવા અતિ પાપી,નાલાયક પુરુષનું દાસત્વ કરવા કદી ઉત્સાહ કરું નહિ.વળી,તારા ત્યાં પ્રીતિપૂર્વક આવેલા તથા પોતાની આજ્ઞામાં રહેનારા મારા સરખા અતિ ઉત્તમ પુરુષને એ નીચ પાપી પુરુષની આજ્ઞામાં રહેવા કહે છે તે એક મહાન પાપકૃત્ય છે કારણકે તું એક ઉચ્ચ જાતિના મહાપુરુષને નીચ બનાવવા ધારે છે ને નીચ જાતિના ક્ષુદ્ર પુરુષને ઉચ્ચ બનાવવા ધારે છે,પણ એમ કદી નહિ બને.
મૂળ ચારેય વર્ણોનું રક્ષણ કરવું,પ્રજા પાસેથી કર લેવો અને દાન કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે ને બાકી ત્રણે વર્ણોની સેવા કરવી એ શુદ્રોનો ધર્મ છે.એ તું જાણે જ છે.આમ,શુદ્ર જાતિના કર્ણ જેવા સૂતો,બ્રાહ્મણ,ક્ષત્રિય ને વૈશ્ય જાતિના સેવક તરીકે જ ઉત્પન્ન થયા છે,પરંતુ ક્ષત્રિય જાતિનો પુરુષ શુદ્રજાતિનો દાસ થાય તેવું કોઈ પણ શ્રુતિવચન તરીકે સાંભળે નહિ કે ધર્મ તરીકે માને નહિ.તેમાં પણ હું કંઈ સામાન્ય ક્ષત્રિય નથી પણ રાજર્ષિઓના કુળમાં જન્મેલો એક મૂર્ધાભિષિક્ત રાજા છું.હું જગતમાં મહારથી તરીકે પ્રસિદ્ધ થયો છું અને કર્ણ જેવા સૂતોને સેવા કરવા,સ્તુતિ કરવા યોગ્ય છું.હું આવો ઉચ્ચ ક્ષત્રિય રાજા છું અને શત્રુઓના બળનો નાશ કરી શકું તેવો મહાસમર્થ છું.આવો હું આ સંગ્રામમાં એક સૂતજાતિના પુત્રનું સારથિપણું સ્વીકારવા ઉત્સાહ ધરાવું તે કદી નહિ બને.આવું અપમાન પામીને હું કદી યુદ્ધ કરીશ નહિ.હે ગાંધારીપુત્ર,હું આજેજ તારી રજા લઉં છું અને મારા ઘર તરફ જવા ધારું છું'
સંજય બોલ્યો-'હે મહારાજ,આમ કહીને તે શલ્ય રાજાઓની મધ્યમાંથી ઉઠીને ચાલવા મંડ્યો ત્યારે દુર્યોધને તેનો હાથ પકડી મનથી મધુર વાક્ય કહેવા લાગ્યો-'હે શલ્યરાજ,તમે જે કહો છો તેમ જ છે તેમાં સંશય નથી.પરંતુ મારો શો અભિપ્રાય છે તે તમે જાણો.હે રાજા,કર્ણ તમારાથી કોઈ વાતે અધિક નથી,તેમ,તમારા સામર્થ્ય વિષે મને શંકા પણ નથી.મને ખબર છે કે આપ અસત્ય વર્તન કરો જ નહિ.સત્ય જ જેઓનો પરમ આશ્રય છે તેવા મહાપુરુષોના વંશમાં તમે જન્મ્યા છો માટે જ તમે 'આર્તાયાનિ'એવા નામથી જગમાં પ્રસિદ્ધ થયા છો.હે રાજા,યુદ્ધમાં તમે શત્રુઓને શલ્ય સમાન દુઃખજનક થઇ પાડો છો માટે જ તમારું 'શલ્ય' એવું નામ વિખ્યાત થયું છે.કર્ણ તમારાથી અધિક નથી જ તેમ હું પણ તમારા કરતાં અધિક નથી.કર્ણને હું અર્જુન કરતાં અધિક અને તમને હું વાસુદેવ કરતાં પણ અધિક માનું છું અને લોક પણ તેમ જ માને છે.કર્ણ માત્ર અસ્ત્રવિધામાં જ અર્જુનથી ચઢિયાતો છે પણ તમે અશ્વજ્ઞાન અને બળ એ બંનેમાં શ્રીકૃષ્ણથી પણ અધિક છો.શ્રીકૃષ્ણ જે અશ્વવિદ્યા જાણે છે તેના કરતાં બમણી અશ્વવિદ્યા તમે જાણો છો આ કારણથી જ હું તમારી સારથિ તરીકે માગણી કરું છું'
શલ્ય બોલ્યો-હે ગાંધારીપુત્ર,આ સર્વની વચ્ચે તમે મને શ્રીકૃષ્ણ કરતાં પણ ઘણો ઉત્તમ કહો છો તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું.તમે જયારે એમ જ માનો છો તો હું કર્ણના સારથિપણાનો સ્વીકાર કરવા તૈયાર છું પણ પહેલાં મારે કર્ણ સાથે એક શરત કરવી પડશે અને તે એ જ છે કે-હું તેને જે વચનો કહું તેમાં તેણે બરાબર શ્રદ્ધા રાખવી અને માન્ય રાખવાં '
મદ્રરાજ શલ્યની એ શરતને તમારા પુત્રે અને કર્ણે -બંનેએ 'બહુ સારું,અમે તેમ જ કરીશું' કહીને કબુલ કરી લીધી (66)
અધ્યાય-32-સમાપ્ત
