અધ્યાય-૩૩-ત્રિપુરાખ્યાન
II दुर्योधन उवाच II भूय एव तु मद्रेश यत्ते वक्ष्यामि तच्छ्रुणु I यथा पुरावृतमिदं युद्धे देवासुरे विभो II १ II
દુર્યોધન બોલ્યો-હે સમર્થ મદ્રરાજ,પૂર્વે દેવાસુર યુદ્ધ પ્રસંગે જે ઐતિહાસિક બનાવ બન્યો હતો તે હું તમને કહી સંભળાવું છું.મારા પિતાની સમક્ષ મને આ ઐતિહાસિક કથા માર્કંડેય મહર્ષિએ કહી હતી.તે તમે સાંભળો તે પછી મનમાં વિચાર કરો,તેમાં કોઈ પણ જાતની શંકા કરશો નહિ.હે રાજન,પૂર્વે દેવો અને અસુરો વચ્ચે પરસ્પરને જીતવાની ઈચ્છાથી તારકાસુરરૂપ રોગનો નાશ કરવાના કારણે મહાન સંગ્રામ થયો હતો તેમાં દેવોએ દૈત્યોનો પરાજય કર્યો હતો.એમ સાંભળવામાં આવ્યું છે.
જયારે દૈત્યોનો પરાજય થયો ત્યારે તારકાક્ષ,કમલાક્ષ અને વિદ્યુન્માલી નામના તારકાસુરના ત્રણ પુત્રો ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા.કેટલોએક સમય વીત્યા પછી વર આપનારા પિતામહ બ્રહ્મા તેમના પર પર પ્રસન્ન થયા ને તેમને વર માગવા માટે કહ્યું.ત્યારે ત્રણે જણા એકીસાથે 'સર્વ ભૂતોથી અમારો વધ ન થઇ શકે' એવું વરદાન માગવા લાગ્યા.તે સાંભળી સર્વલોકના પ્રભુ અને ઈશ્વર બ્રહ્મદેવ બોલ્યા કે-'હે અસુરો,આ જગતમાં સર્વ કોઈ અમર છે જ નહિ.માટે તમે તેવું અમર અજરપણું ન માગો પણ તે સિવાય બીજું કોઈ વરદાન માગો' ત્યારે તે ત્રણે ભાઈઓ એકત્ર થઈને વિચાર કરવા લાગ્યા.
અને બરાબર નિશ્ચય કરીને કહેવા લાગ્યા કે-'હે પિતામહ,તમે અમને એવો વર આપો કે-તેથી અમે ત્રણેય જણા જુદાંજુદાં નગરનો આશ્રય કરીને આ સમગ્ર પૃથ્વીમાં તથા સમગ્ર લોકમાં ફરી શકીએ.વળી અમે આપની કૃપાથી સર્વ સ્થળે પુજાઈએ અને એક હજાર વર્ષ પછી અમે પરસ્પર મળીએ ત્યારે અમારાં એ ત્રણે નગર પણ એક સાથે એકત્ર થઇ જાય.તે સમયે સાથે એકત્ર થયેલાં નગરોને જે કોઈ ઉત્તમ દેવ માત્ર એક જ બાણથી નષ્ટ કરી નાખે તે દેવ અમારા મૃત્યુરૂપ થાઓ'ત્યારે 'તથાસ્તુ' એમ કહીને વરદાન આપીને બ્રહ્મદેવ સ્વર્ગ તરફ ચાલ્યા ગયા.
