હવે પરસ્પર નિશ્ચય કરીને તે ત્રણે પોતાને વિહાર કરવા માટેનાં તેવાં ત્રણ નગરો તૈયાર કરાવવા મહાસુર મયદાનવ પાસે ગયા કે જે અસુરોનો વિશ્વકર્મા હતો.તેણે પોતાના તપ અને બુધ્ધિબળના આશ્રયથી ત્રણ નગરોની રચના કરી દીધી.તેણે એક નગર સુવર્ણનું બનાવી સ્વર્ગમાં સ્થાપ્યું,,બીજું રૂપાનું નગર આકાશમાં સ્થાપ્યું અને અને ત્રીજું લોખંડનું પૃથ્વીમાં સ્થાપ્યું.વધુમાં આ ત્રણેય નગરો સંચાર કરી શકતાં હતાં.તે દરેક નગર સો યોજન લંબાઈ અને પહોળાઈનું હતું.તેમાં ઘણાં ઘરો,મહેલો,કિલ્લાઓ ને રાજમાર્ગોનું બાંધકામ થયું હતું.સુવર્ણના નગરનો રાજા તારકાક્ષ,રૂપાનો રાજા કમલાક્ષ અને લોઢાના નગરનો રાજા વિદ્યુન્માલી હતો.આ ત્રણેય નગરોના રાજા થઈને તે ત્રણેય દૈત્યોએ પોતાના અસ્ત્રોના તેજથી ત્રણેય લોકોને દબાવી દીધા.
તેઓ ઉદ્ધત થઈને કહેવા લાગ્યા હતા કે-'અમે જ સર્વના પ્રજાપતિ છીએ' પછી,એમના નગરમાં જે દૈત્યો પ્રથમ હારી ગયા હતા તે કરોડો ને અબજોની સંખ્યામાં આવીને રહ્યા હતા.તે સર્વ દાનવોને જે સામગ્રીઓ જોઈતી હતી તે સર્વ મયદાનવ પુરી પાડતો હતો.એમ મયદાનવનો આશ્રય લઈને નિર્ભય થઈને તે નગરોમાં રહેતા હતા.જે કોઈ ત્રિપુરવાસી મનમાં જે કોઈ અભિલાષા કરતો તે સર્વ તે મયદાનવ પોતાના માયાબળથી પૂર્ણ કરતો હતો.
આમ,કેટલોએક સમય વીત્યા પછી,તારકાક્ષ દૈત્યનો હરિ નામનો પુત્ર દુષ્કર તપ કરવા લાગ્યો.જે તપથી બ્રહ્મા તેની પર પ્રસન્ન થયા.તેને તેમની પાસેથી વર માગ્યો કે-'અમારા ત્રિપુર નગરમાં એક એવી વાવ થઇ જાઓ કે-શસ્ત્રોના પ્રહારોથી માર્યા ગયેલા જે કોઈ દૈત્યોને તેમાં નાખવામાં આવે તો તેઓ તુરતજ બળવાન થઇ જાય' હરિએ એ વર મેળવી ને ત્રિપુર નગરમાં મરેલાઓને જીવાડનારી વાવ બંધાવી દીધી.અતુલ પ્રભાવવાળી વાવથી દૈત્યોનો યુદ્ધમાં ક્ષય થતો નહોતો અને તેઓ દેવોના ભયમાં વૃદ્ધિ કરનારા થઇ પડ્યા.દિનપ્રતિદિન લોભ અને મોહને વશ થઈને તેઓ સર્વ ભાન ભૂલીને દેવોને જ્યાં ત્યાંથી હાંકી કાઢીને પોતાની ઇચ્છામાં આવે ત્યાં ફરવા લાગ્યા.ને ગર્વિષ્ઠ બની ગયા.
દુષ્ટાચારી દાનવોએ દેવતાઓનાં પ્રિય ઉદ્યાનોનો નાશ કરી નાખ્યો,ઋષિઓના આશ્રમને તોડી નાખ્યા અને સુંદર દેશોનો નાશ કરીને તદ્દન મર્યાદા મૂકી દીધી ત્યારે ઇન્દ્ર તે નગરો સામે યુદ્ધ કરવા તૈયાર થયો.તેણે ચોતરફથી વજ્રોના પ્રહાર કરવા માંડ્યા,પણ તે અભેદ્ય નગરોને તોડી ન શક્યો.એટલે તે સર્વ દેવો સાથે બ્રહ્મદેવ પાસે ગયો.બ્રહ્મદેવે કહ્યું કે-હે દેવો,તમારું જે અહિત કરે છે તે મારો અપરાધ કરે કછે એમ સમજવું.જો કે સર્વ ભૂતો મારી દ્રષ્ટિએ સમાન જ છે,તો પણ જેઓ અધાર્મિક છે અને બીજાઓને પીડે છે તેમને મારી નાખવા એવું મારુ વ્રત છે.પણ વર મુજબ એ ત્રણેય નગરોને માત્ર એક બાણ વડે જ ભેદી શકાય તેમ છે અને માત્ર શંકર સિવાય બીજો કોઈ તે નગરોને ભેદી શકે તેમ નથી.'
પછી,બધા દેવો બ્રહ્મદેવને આગળ કરીને શંકરના શરણે ગયા.ને તેમની ઉત્તમ સ્તુતિ કરવા લાગ્યા.છ પ્રકારના ઐશ્વર્યવાળા ભગવાન શંકર સર્વ સ્થળે નિત્ય એક જ છે છતાં સર્વ દેવતાઓ પોતાના ચિત્તના સંકલ્પ અનુસાર શિવ,વિષ્ણુ,રુદ્ર આદિ અનેક વેશોમાં અથવા અનેક પ્રતિબિંબ સ્વરુપે તેમને જોવા લાગ્યા.તે જોઈને સર્વ વિસ્મય પામ્યા.મહેશ્વરે દેવોને કહ્યું-'હે દેવો,તમે ભલે આવ્યા.તમારી શી કામના છે? તમારો ત્રાસ દૂર થાઓ.હું તમારું શું પ્રિય કરું?' (63)
અધ્યાય-33-સમાપ્ત
