Oct 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1241

 

અધ્યાય-૩૪-ત્રિપુરાખ્યાન (ચાલુ)


 II दुर्योधन उवाच II पित्रुदेवर्षिसंघेभ्योमये दत्ते महात्मना I सत्कृत्य शंकरं पराः ब्रह्मा लोकहितं वचः II १ II

દુર્યોધન બોલ્યો-પિતૃઓ,દેવો અને ઋષિઓના સંઘોને મહાત્મા શંકરે એ પરમાત્માને જ્યારે એમ કહ્યું ત્યારે તેમનું સન્માન કરીને પિતામહ બ્રહ્મા બોલ્યા કે-'હે દેવેશ,આપના અનુગ્રહથી જ મેં આ પ્રજાપતિપદ પ્રાપ્ત કર્યું છે,કે જે પદ પર સ્થિત થઈને મેં દાનવોને વર આપ્યો છે પણ હવે તદ્દન મર્યાદાને ઉલ્લંઘી ગયેલા તે દાનવોનો સંહાર કરવા તમારા સિવાય બીજો કોઈ દેવ સમર્થ નથી.આ સર્વ દેવો તમારે શરણે આવ્યા છે માટે કૃપા કરો અને દાનવોનો નાશ કરો.'

ભગવાન શંકર બોલ્યા-'તમારા સર્વ શત્રુઓનો સંહાર કરી નાખવો એવો મારો નિશ્ચિત વિચાર છે પરંતુ હું એકલો તેમનો નાશ કરવા ઉત્સાહ નહિ કરું કેમ કે અસુરો ઘણા બળવાન છે.માટે તમે બધા મારા અર્ધ તેજથી યુક્ત થઈને યુદ્ધમાં શત્રુઓને જીતો,કારણકે આ જગતમાં અમુક રીતે એકત્ર થયેલા પુરુષો મહાબળવાન થઇ શકે છે'

દેવો બોલ્યા-'યુદ્ધમાં જેટલું અમારું તેજ છે,તેથી બેગણું તેમનું તેજ છે,એમ અમે માનીએ છીએ.પણ,આપના તેજ અને બળના અર્ધ ભાગને ધારણ કરવા તો અમે સમર્થ નથી.માટે આપ જ અમારા બધાના અર્ધ ભાગને લઈને શત્રુઓને મારી નાખો.'


ત્યારે તે દેવોના અનુગ્રહથી ભગવાન શંકર દેવોના અર્ધ તેજને ધારણ કરીને સર્વ દેવો કરતાં અતિશય બળવાન થઇ ગયા અને તે દિવસથી આરંભી તે 'મહાદેવ' એ નામથી જગતમાં પ્રસિદ્ધ થયા.મહાદેવ બોલ્યા-'હે દેવો,ધનુષ્યબાણને ધારણ કરીને,રથમાં બેસીને હું તમારા શત્રુઓને રણમાં રોળી નાખીશ,માટે તમે મારે માટે ધનુષ્ય,બાણ તથા રથની યોજના કરો'


દેવો બોલ્યા-'હે મહેશ્વર,અમે ત્રૈલોક્યમાંના સર્વ દેવોની તેજોમાત્રાઓ એકત્ર કરીને આપણે માટે અતિ તેજસ્વી રથ તૈયાર કરીશું'

દેવોના એ વિચારને અનુસરીને વિશ્વકર્માએ એક સુંદર રથ તૈયાર કર્યો.દેવોએ,વિષ્ણુ,ચંદ્ર તથા અગ્નિની શંકરના બાણ તરીકે એ રથમાં યોજના કરી.અગ્નિને બાણનું કાંડ બનાવ્યો,ચંદ્રને બાણનું ફણુ અને તીક્ષ્ણ અગ્રભાગ વિષ્ણુ થયા.પૃથ્વીને રથ તરીકે બનાવી,નક્ષત્રોને રથની ઇસને સ્થાને રાખ્યા,સત્યયુગને રથની ઝૂંસરી બનાવ્યો,વાસુકિનાગ રથનો ઊંટડો થયો,હિમાલય અને વિંધ્યાચળ પર્વત તે રથના બે પૈડાં થયાં.સર્વલોકનાં અસંખ્ય વિવિધ તેજોને એકત્ર થઈને જયારે રથ બન્યો ત્યારે તે રથને જોઈને દેવો વિસ્મય પામી ગયા,ને તેમણે શ્રીશંકર પાસે તે રથ લાવીને તેમને નિવેદન કર્યું.