અધ્યાય-૩૫-સારથિપણું સ્વીકારવા શલ્યનો નિશ્ચય
II दुर्योधन उवाच II एवं स भगवान देवः सर्वलोकपितामहः I सारथ्यमकरोतत्र ब्रह्मा रुद्रोभवद्रथी II १ II
દુર્યોધન બોલ્યો-'એ પ્રમાણે સર્વલોકના પિતામહ ભગવાન બ્રહ્મદેવે તે વેળા સારથિકર્મ કર્યું હતું અને રુદ્રદેવ રથી થયા હતા.હે વીર શલ્યરાજ,રથમાં બેસીને યુદ્ધ કરનારા રથીયોદ્ધા કરતાં રથનો સારથિ હંમેશાં અધિક હોવો જોઈએ.જેમ તે ત્રિપુરવધને પ્રસંગે દેવગણોએ પિતામહ બ્રહ્માને યત્નપૂર્વક સારથિ થવા વીનવ્યા હતા,તેમ,અમે કર્ણથી અધિક એવા તમને યત્નપૂર્વક સારથી થવા વીનવીએ છીએ.માટે તમે રાધાપુત્ર કર્ણના ઘોડાઓને આ યુદ્ધમાં નિયમમાં રાખો એવી અમારી પ્રાર્થના છે'
શલ્ય બોલ્યો-'હે દુર્યોધનરાજ,મેં પણ આ દિવ્ય આખ્યાન કથાઓમાં ઘણી વાર સાંભળ્યું જ છે.અને શ્રીકૃષ્ણ પણ એ જાણે જ છે,વળી,શ્રીકૃષ્ણ તો ભૂત ભવિષ્ય સર્વ વૃતાંતો જાણે છે અને તે બ્રહ્મદેવના સારથિપણાને જાણીને જ તેમણે અર્જુનનું સારથિકર્મ કર્યું છે.પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે જો કદાચ સૂતપુત્ર,એ અર્જુનને મારી નાખે તો તેને મરણ પામેલો જોઈને તે યુદ્ધ કરવા શંખ,ચક્ર તથા ગદા લઈને ઉતરી પડશે ને તમારી સેનાને બાળી નાખશે.ક્રોધાયમાન થયેલા તે શ્રીકૃષ્ણની સામે આપણાં સૈન્યોમાંનો કોઈ યોદ્ધો તેની સામે ઉભો રહી શકશે નહિ'
દુર્યોધન બોલ્યો-'હે શલ્યરાજ,સૂર્યપુત્ર કર્ણનું તમે આમ રણમાં અપમાન ન કરો,કારણકે તે શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ છે.જયારે ઘટોત્કચ સેંકડો માયાઓ રચી રહ્યો હતો ત્યારે કર્ણે જ તેને મારી નાખ્યો હતો.અરે,અર્જુન પણ હજી ભયથી વ્યાપ્ત થઈને તેની સામે યુદ્ધ કરવા ઉભો રહ્યો નથી.ભીમ,સહદેવ અને નકુલનો તેણે આ રણમાં પરાજય કર્યો છે અને કોઈ કારણ મનમાં લાવીને જ તેમને મારી નાખ્યા નથી.વળી,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન ને બીજા સૃન્જયોને પણ તેને વારંવાર રણમાં જીતી લીધા છે એવા કર્ણને પાંડવો રણમાં કેમ જીતી શકશે?વળી,તમે પણ સર્વ અસ્ત્રોને જાણનારા વીર છો.બાહુવીર્યમાં તમારી તુલના કરી શકે તેવો કોઈ પુરુષ આ પૃથ્વીમાં નથી.તમારા કરતાં શું શ્રીકૃષ્ણને અધિક બળવાન છે-એમ કહી શકાય તેમ છે?
વળી,અર્જુનનું મરણ થતાં જો શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા તૈયાર થાય અને પાંડવ સૈન્યને ધારી રાખે તો તમારે પણ કર્ણનો નાશ થતા યુદ્ધ કરવા તૈયાર થઈને આપણા સૈન્યને ધારી રાખવું.શ્રીકૃષ્ણે હાથમાં શસ્ત્ર નહિ લેવાની પ્રતિજ્ઞા કરી છે છતાં જો તે પ્રતિજ્ઞા ભંગ કરીને કૌરવોના સૈન્યને અટકાવી રાખે તો તમે પણ પાંડવોના સૈન્યનો કેમ નાશ ન કરો?હે રાજા,તમારા પર આધાર રાખીને જ હું મારા વીર ભાઈઓ અને સર્વ રાજાઓના ઋણમાંથી મુક્ત થવા ઈચ્છું છું.'
શલ્ય બોલ્યો-'હે માન આપનારા દુર્યોધનરાજ,આ સર્વ સૈન્યના સમક્ષ તમે મને શ્રીકૃષ્ણના કરતાં અધિક કહો છો તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું.તમે જે પ્રમાણે માનો છો તે પ્રમાણે હું અર્જુન સામે કર્ણનું સારથિપણું કરવા માટે તૈયાર છું પણ કર્ણની સાથે મારે એક શરત કરવાની છે કે-હું તેની પાસે જે વાત કહું તેને તેણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારવી'
ત્યારે દુર્યોધન અને કર્ણ સર્વ ક્ષત્રિયોની સમક્ષ બોલી ઉઠયા કે-'બહુ સારું અમે તેમ જ કરીશું'
શલ્યરાજે આમ સારથિકર્મ કરવાનો સ્વીકાર કર્યો ત્યારે દુર્યોધન હર્ષમાં આવી જઈને કર્ણને ભેટી પડ્યો અને તેને કહેવા લાગ્યો કે-'હવે જેમ મહેન્દ્રે દાનવોને મારી નાખ્યા હતા તેમ,તું પાંડવોને યુદ્ધમાં મારી નાખ' કર્ણ પણ ખુશ થયો છતાં,તેણે દુર્યોધનને કહ્યું કે-'આ મદ્રરાજ,મનમાં બરાબર રાજી થઈને કહેતો નથી માટે તમે ફરીથી મીઠીમીઠી વાણીથી ફરીથી પણ તેને કહો.'
ત્યારે દુર્યોધને ફરીથી મીઠી વાણી કહીને શલ્યને 'તે શ્રીકૃષ્ણથી પણ અધિક છે' એમ કહ્યું.
શલ્ય બોલ્યો-હે ગાંધારીપુત્ર,તમે જો આમ માનો છો તો હું તમારું જે કંઈ પ્રિય હશે તે સર્વ કરવા તૈયાર છું.મારી યોગ્યતાવાળા જે કોઈ કાર્યમાં તમે મને યોજશો તે સર્વ કર્મ હું સર્વ પ્રકારે કરીશ.પણ કેવળ હિત ઇચ્છીને જ હું કર્ણને જે કંઈ પ્રિય-અપ્રિય વચન કહું તે સર્વને કર્ણે સહન કરવાં'
કર્ણ બોલ્યો-'હે મદ્રરાજ,બ્રહ્મદેવ,જેમ શંકરના હિતમાં યુક્ત થયા હતા ને
જેમ શ્રીકૃષ્ણ અર્જુનના હિતમાં યુક્ત છે તેમ તમે પણ આમારું હિત કરવા સદા યુક્ત થાઓ'
શલ્ય બોલ્યો-'પોતાની નિંદા,પોતાની પ્રશંસા,પારકી નિંદા ને પારકી પ્રશંસા-આ ચાર વર્તનનું આર્ય પુરુષો કદી આચરણ કરતા નથી,છતાં તારી ખાતરી થવા માટે હું મારી સ્તુતિયુક્ત સત્યવચન કહું છું તે સાંભળ.હું માતલિ(ઇન્દ્રના સારથિ)ની જેમ ઈન્દ્રનું સારથિકર્મ કરવામાં પણ યોગ્ય છું,કારણકે હું યુદ્ધમાં બરાબર સાવધ રહેનારો છું,ઘોડાઓને બરાબર હાંકી જાણું છું,આગામી દોષોને જોઈ શકું છું ને તે દોષોને દૂર પણ કરી જાણું છું.આ સંગ્રામમાં તું જયારે અર્જુન સામે યુદ્ધ કરવા તૈયાર થઈશ ત્યારે તારા ઘોડાઓને હું જ હાંકીશ,માટે તું નિશ્ચિન્ત થા' (48)
અધ્યાય-35-સમાપ્ત
