અધ્યાય-૩૬-કર્ણની અર્જુન સામે તૈયારી
II दुर्योधन उवाच II अयं ते कर्ण सारथ्यं मद्रराजः करिष्यति I कृष्णादभ्यधिको यंता देवेशस्येव मातलिः II १ II
દુર્યોધન બોલ્યો-'હે કર્ણ,સારથિપણામાં જે કૃષ્ણના કરતાં પણ અધિક છે તે આ મદ્રરાજ,ઇન્દ્રના માતલિ નામના સારથિના જેમ તારું સારથિપણું કરશે,ને તારા ઘોડાઓને નિયમમાં રાખશે.ત્યારે તારા જેવો યોદ્ધો પાંડવોનો જરૂર પરાજય કરશે'
પછી,કર્ણે પોતાના સારથિને રથ તૈયાર કરવાનું કહ્યું એટલે તેણે તરત જ જયશીલ મહારથને તૈયાર કર્યો.કે જે રથનું કર્ણે વિધિપૂર્વક પૂજન કરીને તેની પ્રદિક્ષણા કરી.ને ત્યાં આવી પહોંચેલ મદ્રરાજને તેણે કહ્યું કે-'હે મદ્રરાજ શલ્ય,આપ આ રથ પર આરૂઢ થાઓ' એટલે શલ્યરાજ,કર્ણના તે દુરાધર્ષ રથ પર આરૂઢ થયો,ને કર્ણ પણ રથ પર ચઢી ગયો.
શલ્યરાજે ઘોડાઓની લગામ પકડી,ત્યારે રથમાં બેઠેલા કર્ણે ધનુષ્યનો ટંકાર કર્યો.તેને જોઈને દુર્યોધન બોલ્યો કે-'હે કર્ણ,ભીષ્મ ને દ્રોણાચાર્યે જે દુષ્કર કર્મ રણમાં કરી દેખાડ્યું નથી તે કર્મને તું આજે સર્વ ધનુર્ધરોના દેખતાં કરી દેખાડજે.મારા મનમાં પ્રથમ એવો નિશ્ચય હતો એ ભીષ્મ ને દ્રોણાચાર્ય અર્જુન અને ભીમસેનનો વધ કરશે.પણ તેમણે તે કર્મ કર્યું નથી.માટે તું યુધિષ્ઠિરને કેદ પકડજે અથવા અર્જુન,ભીમ,નકુલ ને સહદેવને મારી નાખજે.જ,યુદ્ધ માટે પ્રયાણ કર,તારું કલ્યાણ થાઓ ને યુદ્ધમાં તારો વિજય થાઓ.યુધિષ્ઠિરનાં સર્વ સૈન્યોને તું ભસ્મસાત કરી નાખ'
તે વખતે તુરત હજારો વાદિંત્રો ને ભેરીઓ વાગવા લાગ્યાં ને તેનો નાદ આકાશમાં પ્રસરી રહ્યો.કર્ણે શલ્યને કહ્યું કે-'હે મહાબાહો,હવે રથને આગળ ચલાવો કે જેથી હું પાંડવોનો વધ કરી શકું.આજે તેઓ મારા બાહુબળને જોશે.
આજે હું પાંડવોના વિનાશ અને દુર્યોધનના વિજય માટે અત્યંત તીખાં બાણ ચલાવીશ'
શલ્ય બોલ્યો-'હે સૂતપુત્ર,તું પાંડવોની અવહેલના કરે છે,યુદ્ધમાં તું જયારે ગાંડીવનો ગંભીર ધોષ સાંભળીશ ત્યારે આવી વાત કહીશ નહિ.જયારે ભીમસેન હાથીઓની સેનાનો સંહાર કરતાં ને યુધિષ્ઠિર,નકુલ અને સહદેવને નિરંતર બાણોનો વરસાદ કરતા જોઇશ ત્યારે તારા મુખેથી આવી વાત નહિ કહીશ.'ત્યારે મદ્રરાજની આવી વાતની ઉપેક્ષા કરતાં કર્ણે તેને કહ્યું-'હવે ચાલો'(36)
અધ્યાય-36-સમાપ્ત
