અધ્યાય-૩૭-કૌરવ સેનામાં અપશુકન-કર્ણની આત્મપ્રશંસા
II संजय उवाच II द्रष्ट्वा कर्ण महेष्वासं युयुत्सुं समवस्थितं I चुक्रुशुः कुरवः सर्वे हृष्टरूपाः समंततः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,જયારે મહાધનુર્ધર કર્ણ,યુદ્ધની ઈચ્છાથી રણમાં આવી ઉભો ત્યારે સમસ્ત કૌરવ,હર્ષમાં આવીને કોલાહલ કરવા કરવા લાગ્યા.દુંદુભિ અને ભેરીઓના અવાજ,અને યોધ્ધાઓની વિવિધ ગર્જનાઓ સાથે સર્વ સૈન્યે યુદ્ધમાં પ્રસ્થાન કર્યું.તેમના મનમાં આજે નિશ્ચય હતો કે-'આજે મોત જ યુદ્ધમાંથી આપણને નિવૃત્ત કરશે' કર્ણ અને યોધ્ધાઓના આ પ્રસ્થાન સમયે ધરતી ડોલવા લાગી,સૂર્યમંડળમાં સાત મોટામોટા ગ્રહ નીકળી પડ્યા,ઉલ્કાપાત થવા ગયો,દિશાઓમાં આગ દેખાવા લાગી,વર્ષા વગર વીજળીઓ પડવા લાગી ને ભયાનક આંધી આવી.
મૃગ અને પક્ષીઓ.મહાન ભયની સૂચના આપતા,અનેક વાર સેનાને જમણી બાજુ રાખી ચાલ્યા ગયા.આકાશમાંથી હાડકાઓની વર્ષા થવા લાગી,કૌરવોના શસ્ત્રો બળવા લાગ્યા,તેમના ધ્વજ ડોલવા લાગ્યા.ત્યાં આવા અનેક ઉત્પાતો થવા લાગ્યા કે જે કૌરવોના વિનાશની સૂચના આપતા હતા.પરંતુ દૈવથી મોહિત થઈને તે સર્વેએ આ ઉત્પાતોને મહત્વ આપ્યું નહિ.કર્ણના પ્રસ્થાન પર સર્વ રાજાઓ તેની જયજયકાર કરવા લાગ્યા.તેમને વિશ્વાસ થયો હતો કે હવે પાંડવો હારશે.
રથ પર બેઠેલો કર્ણ પોતાને મળેલા આજના સેનાપતિપદના સન્માનથી,અભિમાનથી ભરાઈને શલ્યને કહેવા લાગ્યો કે-'હે રાજન,આજે હું હાથમાં આયુધ લઈને બેઠો છું ત્યારે ઇન્દ્ર પણ આવે તો તેનાથી મને ભય નથી.'ભીષ્મ,આદિ મહારથીઓ આ રણમાં માર્યા ગયા છે તો મારી તો શી ગણત્રી ?' એ વાત વિચારીને પણ મને કોઈ ભય કે ગભરાટ થતો નથી.આજે મારા સિવાય બીજો કોઈ આ રણભૂમિમાં અર્જુનનો વેગ સહન કરી શકવાનો નથી.જો કે આ પાંડવો સામે આવેલા મૃત્યુ સમાન જ છે.
'શિક્ષા,સાવધાની,બળ,ધૈર્ય,મહાન અસ્ત્ર ને વિનય' એ સર્વ સદગુણો જે દ્રોણાચાર્યમાં હતા તે આજે મૃત્યુ પામ્યા છે તો બીજા સર્વ લોકોને હું મરણ પામેલા જ સમજુ છું.બહુ વિચાર કર્યા પછી,કર્મ સંબંધની અનિત્યતાના કારણે આ લોકમાં કોઈ વસ્તુ નિત્ય નથી.જો દ્રોણ માર્યા ગયા તો આવતીકાલનો સૂર્યોદય જોવા કોણ જીવિત રહેશે?
અસ્ત્ર,બળ,પરાક્રમ,ક્રિયા,સારી નીતિ ને ઉત્તમ આયુધ કોઈ મનુષ્યને સુખ આપવા પર્યાપ્ત નથી એ નિશ્ચિત છે કેમ કે આ સર્વ સાધન હોવા છતાં આચાર્યને શત્રુઓએ યુદ્ધમાં મારી નાખ્યા છે.હે શલ્ય,દ્રોણાચાર્યના મૃત્યુથી જયારે સર્વ ત્રાહિ ત્રાહિ થયા છે,સ્ત્રીઓ ને બાળકો રડી રહ્યા છે ને દુર્યોધનનો પુરુષાર્થ પણ દબાઈ ગયો છે એવા સમયમાં દુર્યોધનને મારી સહાયતાની વિશેષ આવશ્યકતા છે.હું મારા કર્તવ્યને બરોબર સમજુ છું.માટે તમે શત્રુઓની સેનાએ સામે રથ ચલાવો,કે જ્યાં પાંડવો,
શ્રીકૃષ્ણ,સાત્યકિ-આદિ ઉભા છે ત્યાં મારા સિવાય બીજો કોણ તેમનો વેગ સહન કરી શકવાનો છે?તેમના સામે ભીડીને આજે હું તેમને મારી નાખીશ કે હું સ્વયં દ્રોણાચાર્યના માર્ગે યમલોક ચાલ્યો જઈશ.
હે શલ્યરાજ,તમારે નિશ્ચય એ જાણી લેવું કે-ભીષ્મ-આદિ શૂરાઓથી હું જરાય ઉતરતો નથી.સંગ્રામમાંથી હું પલાયન થાઉં તો મેં મારા મિત્ર દુર્યોધનનો દ્રોહ કર્યો ગણાય ને તે મારાથી અસહ્ય છે,માટે મારા પ્રાણોનો ત્યાગ કરીને હું દ્રોણાચાર્યની પાછળ જરૂર જઈશ.વળી,એ તો નક્કી જ છે કે જિંદગી પુરી થતાં,કાળના પંજામાં સપડાયેલો કોઈ મનુષ્ય છૂટી શકતો નથી.તેથી હું પાંડવો સામે અવશ્ય યુદ્ધ કરવા જઈશ.ભાવિભાવનું ઉલ્લંઘન કરવા જગતમાં કોઈ પ્રાણીની શક્તિ નથી.દુર્યોધન નિરંતર મારાં ઘણાંઘણાં કલ્યાણ કરતો રહ્યો છે,માટે તેનું કાર્ય સિદ્ધ કરવા માટે હું મારા પ્રિય ભોગોનો તથા ત્યજવાને અશક્ય એવા પ્રાણોનો પણ ત્યાગ કરીશ.
હે રાજન,મારા આ રથને જો.તેની આસપાસ વ્યાઘ્રામ્બર વીંટ્યું છે,તેની ધરીનો જરા પણ ખડખડાટ થતો નથી,તેનું આસન સુવર્ણનું છે.આવો મહાન રથ મને પરશુરામે આપ્યો છે અને તેમાં ઘોડાઓ પણ ઊંચી જાતના જોડવામાં આવ્યા છે.આ રથમાં તરેહતરેહનાં ધનુષ્યો,ધજાઓ,ગદાઓ,બાણો,તલવાર ને શંખ પણ ગોઠવ્યો છે.આ રથમાં બેસીને હું અર્જુનને બલાત્કારે રણમાં રોળી નાખીશ.સર્વનું હરણ કરનારો કાળ પોતે જો આજે યુદ્ધમાં અર્જુનનું રક્ષણ કરશે તો કાળ સામે યુદ્ધ કરીને પણ હું અર્જુનનો વધ કરીશ કે હું પોતે ભીષ્મ સન્મુખ યમરાજ પાસે વિદાય થઈશ.વધુ શું કહું?યમ,વરુણ,કુબેર,ઇન્દ્ર આદિ લોકપાલો આવીને પણ કદાચ અર્જુનની રક્ષા કરવા ધારશે તો તેમની સામે લડીશ અને અર્જુનને જીતીશ'
કર્ણ જયારે આમ કહી રહ્યો હતો ત્યારે શલ્ય તેનું અપમાન કરીને ખડખડાટ હસી પડ્યો અને તેને કહેવા લાગ્યો કે-'હે કર્ણ,બહુ થયું,હવે બોલતો બંધ થા.તેં તારા સામર્થ્ય કરતાં અધિક અતિશયોક્તિ ભરલો ઘણો બકવાદ કરી નાખ્યો.અરે,લગાર વિચાર કર.પુરૂષોમાં શ્રેષ્ઠ ગણાયેલો અર્જુન ક્યાં ને પુરુષોમાં અધમ ગણાયેલો તું ક્યાં? શ્રીકૃષ્ણના રક્ષણ તળે રહેલી યાદવોની રાજધાની દ્વારકાને ખળભળાવી દઈને અર્જુન વિના બીજો કયો પુરુષ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનું અપહરણ કરી શકે તેમ છે?દેવોના દેવ મહાદેવને અર્જુન સિવાય બીજો કયો પુરુષ યુદ્ધ માટે આહવાન કરી શકે તેમ છે?મોટા અસુરો,સર્પો,
યક્ષો-આદિનો પરાજય કરીને તેણે અગ્નિનું માન જાળવ્યું છે.દુર્યોધનને જયારે ગંધર્વો હરી ગયા ત્યારે તેને તેણે જ છોડાવ્યો હતો,એ વેળા તો તું તો સર્વની પહેલાં જ પોબારા ગણી ગયો હતો-તે તને યાદ છે? વિરાટનગરમાં ગાયોના હરણ વખતે તે અર્જુન એકલાએ જ દ્રોણ,ભીષ્મ,અશ્વત્થામા અને મોટા સૈન્યનો પરાજય કર્યો હતો,તે વખતે તેં ક્યાં અર્જુનને જીત્યો નહતો?ઠીક છે હજુ સમય ક્યાં વહી ગયો છે? આજે યુદ્ધ ઉપસ્થિત થયું છે તે તારા નાશ માટે જ છે.માટે આજે તું જો રણમાંથી નાસી નહિ છૂટે તો રણમાં તારું મરણ નિશ્ચિત છે.'
સંજય બોલ્યો-મદ્રરાજ શલ્ય જયારે એ પ્રમાણે શત્રુઓની સ્તુતિ ભરેલું અતિ કઠોર વાક્ય કહી રહ્યો હતો ત્યારે કર્ણ તેની પ્રત્યે બોલ્યો કે-'ઠીક ઠીક.પણ તું આટલો બકવાદ શા માટે કરે છે?આજે યુદ્ધ તદ્દન પાસે જ આવી લાગ્યું છે તો તેમાં અર્જુન મને જીતશે તો જ તારો આ બકવાદ બરોબર ગણાશે,પણ અત્યારે તેની શી ભાંજગડ કરે છે? હવે આગળ ચાલો'
શલ્યે હવે રથને આગળ વધાર્યો ત્યારે કર્ણ પાંડવોની સેના સામે જોઈને અર્જુન વિષે પૂછવા લાગ્યો.(45)
અધ્યાય-37-સમાપ્ત
