Oct 19, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1247

 

અધ્યાય-૩૮-કર્ણનો ગર્વ 


II संजय उवाच II प्रयाणे च ततः कर्णो हर्षयन वाहिनीं तव I एकैकं समरे द्रष्ट्वा पांडवान पर्यप्रुच्छत II १ II

સંજય બોલ્યો-પાંડવો સામે યુદ્ધ કરવાના પ્રયાણ સમયે કર્ણ તમારી સેનાને હર્ષ ઉપજાવીને રણમાં ઉભેલા પ્રત્યેક યોદ્ધાને અર્જુન વિશેના પ્રશ્ન પૂછવા લાગ્યો-'જે કોઈ યોદ્ધો આજે મને શ્વેત ઘોડાઓવાળા અર્જુનને દેખાડી આપશે તેને તેના મનમાં આવે તેટલું ઇષ્ટ ધન હું આપીશ.જો તે ઓછું લાગે તો,રત્નોથી ભરેલ ગાડું આપીશ,જો તે ઓછું લાગે તો,સો ગાયો આપીશ,જો તે ઓછું લાગે તો,સો ગામો આપીશ,જો તે ઓછું લાગે તો,ઉજ્જવળ રથ આપીશ,જો તે ઓછું લાગે તો,સો શ્યામાઓ (સ્ત્રીઓ)આપીશ.

અર્જુનને દેખાડનારા પુરુષને જો તે નહિ ગમે તો,હું તેને સો હાથીઓ,સો ગામો,સો રથો,દશ હજાર ઘોડાઓ,ચારસો ગાયો ભેટમાં આપીશ.તે પુરુષ કદાચ તે પણ પસંદ નહિ કરે તો,હું તેને બીજો પણ અભીષ્ટ વર આપીશ,તે ઉપરાંત અલંકારોથી આભુષિત પાંચસો સફેદ ઘોડાઓ ને સુવર્ણનો રથ આપીશ.તે પુરુષ કદાચ તે પણ પસંદ નહિ કરે તો,છસો હાથીઓ તેને ભેટ કરીશ.તેને જો તે પણ ઓછું પડે તો,ચૌદ વૈશ્ય ગ્રામો ને તરુણ વયની સો દાસીઓ આપીશ.તે પુરુષ કદાચ તે પણ પસંદ નહિ કરે તો,તેની ઇચ્છામાં આવે તેવા વરો હું તેને આપીશ ને મારી પાસે છે તે બધું દ્રવ્ય અને તેની જે પણ ઈચ્છા હશે તે હું તેને આપીશ.

કૃષ્ણ અને અર્જુનને મારી નાખ્યા પછી તે બંનેની પાસે જેટલું ધન છે તે બધું હું તેને આપીશ'


આમ,હે ધૃતરાષ્ટ્રરાજ,આવા અનેક જાતના બકવાદ કરતો કર્ણ આગળ વધ્યે જતો હતો.પછી તેણે પોતાનો ઉત્તમ શંખ વગાડ્યો.તે સાંભળી દુર્યોધન અતિ ખુશ થઇ ગયો.ત્યાં સર્વ સૈન્યોમાં દુંદુભિ ને મૃદંગો વાગવા લાગ્યાં,તેના નાદ સાથે સિંહનાદો ને હાથીઓના ચિત્કારો સાંભળવા લાગ્યા.ત્યારે ત્યાં હર્ષમાં આવેલા અનેક યોધ્ધાઓના હર્ષનાદો થવા લાગ્યા.તે રાધાપુત્ર,અનેક જાતના બકવાદો કર્યા કરતો હતો ત્યારે શલ્ય મોટું અટ્ટહાસ્ય કરીને તેને કહેવા લાગ્યો (26)

અધ્યાય-38-સમાપ્ત