Oct 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1249

 

અધ્યાય-૪૦-શલ્ય પ્રત્યે કર્ણનાં દુષ્ટ વચનો 


II संजय उवाच II अधिक्षिप्तस्तु राधेयः शल्येनामिततेजसा I शल्यमाह सुसंकृद्वो वाक् शल्यमवधारयन II १ II

સંજય બોલ્યો-અમાપ તેજવાળા શલ્યરાજે જયારે કર્ણનું અપમાન કર્યું ત્યારે તેને અત્યંત ક્રોધ ચઢી ગયો.'વાણીરૂપ 

શલ્યથી આ વીંધનારો છે માટે જ આનું નામ શલ્ય છે' એવો મનમાં નિશ્ચય કરીંને કર્ણ શલ્યને કહેવા લાગ્યો કે-

'હે શલ્ય,ગુણવાન પુરુષ જ ગુણવાનોના ગુણો જાણે છે.તું તો ગુણોથી હીન છે તેથી ગુણ-અવગુણ ને શી રીતે જાણે?અર્જુનનાં અસ્ત્રો,ક્રોધ,વીર્ય,ધનુષ્ય,બાણો ને તેના પરાક્રમને હું બરોબર જાણું છું.ને શ્રીકૃષ્ણના માહાત્મ્યને જેટલું હું જાણું છું તેટલું તું જાણતો નથી.મારા ને અર્જુનના વીર્યને જાણીને જ હું તે અર્જુનને યુદ્ધમાં બોલાવી રહ્યો છું.

વળી,મારી પાસે ઉગ્ર ઝેરવાળું એક સર્પમય બાણ છે,કે જેને મેં ઘણાં વર્ષો સુધી પૂજીને ચંદનના ચૂર્ણમાં જ રાખેલું છે.તે સંખ્યાબંધ મનુષ્યો,ઘોડાઓ,હાથીઓનો સંહાર કરનારું છે,ઘોર સ્વરૂપનું છે,મહારૌદ્ર છે અને કવચ તથા હાડકાંઓને ફાડી નાખનારું છે.હું ધારું તો તે બાણ વડે મહાપર્વત મેરુને પણ ભેદી શકું છું.હું તને સત્ય કહું છું.તે બાણને હું અર્જુન અને કૃષ્ણ સિવાય બીજા કોઈના પર કદી ફેંકીશ નહિ.હું આજે તે બાણ વડે જ કૃષ્ણ અને અર્જુન સામે યુદ્ધ કરીશ.


કૃષ્ણના આધાર પર સર્વ યાદવોની લક્ષ્મીનો મુખ્ય આધાર રહ્યો છે અને સર્વ પાંડવોના વિજયનો આધાર અર્જુન પર રહેલો છે,ને તે એક જ રથમાં બેઠેલા તે બંનેને ભેટીને કયો જીવતો પુરુષ પાછો ફરી શકે તેમ છે? આવા બે અપરાજિત તે બંને મામા ફોઈના ભાઈઓ મારા એકલાની સામે આજે યુદ્ધ કરવા ચઢી આવશે,માટે જો,હું કેવા ઉચ્ચ કુળમાં જન્મ્યો છું !મને ખાતરી છે કે એક દોરામાં પરોવેલા બે મણિઓની જેમ પરસ્પર પ્રેમસંબંધવાળા તે બંનેને મારે હાથે મરણ પામેલા તું જોઇશ.


હે શલ્ય,અર્જુન પાસે ગાંડીવ અને શ્રીકૃષ્ણ પાસે સુદર્શનચક્ર છે.કૃષ્ણની ધજામાં ગરુડ ને અર્જુનની ધજામાં હનુમાન છે.તે સર્વ ભીરુઓને ત્રાસ ઉપજાવે તેવા છે પણ મને તો તે હર્ષજનક છે.બાકી,તું તો દુષ્ટ પ્રકૃતિવાળો છે,મૂર્ખ છે,મહાયુદ્ધમાં અકુશળ છે અને આ સમયે ભયભીત થઇ ગયો છે તેથી ત્રાસને લીધે સંબંધ વિનાનો બકવાશ કરી રહ્યો છે પણ મને તેની શી હાનિ છે?હે નીચ દેશમાં જન્મેલા શલ્ય,તું કૃષ્ણ અને અર્જુનની આટલી બધી સ્તુતિ કરે છે તેમાં કોઈ આંતરિક કારણ અવશ્ય હોવું જોઈએ.મિત્રના વેશમાં તું મને તે બંનેથી ડરાવવા ઈચ્છે છે પણ હું તેમ ડરી જઈશ નહિ.આ રણમાં તે બંનેને મારી નાખ્યા પછી હું તને પણ તારા બાંધવો સાથે મારી નાખીશ,કારણકે તારી બુદ્ધિ દુષ્ટ છે અને તારો જન્મ પાપી દેશમાં થયો છે.


મને મારા બળની સંપૂર્ણ ખબર છે.આજે તે બંને મને મારશે કે હું તેમને મારીશ.હું તેમનાથી ડરતો નથી.અરે,ભલેને એવા હજારો કૃષ્ણો ને અર્જુનો મારી સામે આવી જાય,હું એકલો જ તેમનો સંહાર કરી નાખીશ.તું છાનોમાનો બેસી રહે.હે શલ્ય,મદ્રદેશના દુષ્ટાત્મા મનુષ્યોના સંબંધમાં બીજા ઘણા મનુષ્યો જે ગાથાઓ ગાયા કરે છે તેમાંથી કેટલીક હું તને કહું છું તે તું સાંભળ.એ ગાથાઓને પૂર્વે બ્રાહ્મણોએ રાજાઓની પાસે કરી હતી.તેને સાંભળ્યા આછી તું મને ક્ષમા આપજે કે ઉત્તર આપજે.


અમારા સાંભળવામાં આવ્યું છે કે-'મદ્રદેશના મનુષ્યો મિત્રોનો દ્રોહ કરનારા ને દ્વેષ કરનારા હોય છે.ક્ષુદ્ર વાક્યો બોલનારા અને પુરુષાધમ એવા મદ્રવાસી મનુષ્યની સંગતિ કદી કરવી નહિ.તે મનુષ્યો નિત્ય અસત્ય વ્યવહાર કરનારા ને કુટિલ હોય છે અને મરણપર્યંત તેમની અંદર દુરાત્મભાવ કાયમ રહે છે.ત્યાં પિતા,પુત્ર,માતા,સાસુ,સસરો,મામો,જમાઈ,દીકરી,ભાઈ,પૌત્ર,

મિત્રો,અતિથિઓ,દાસીઓ ને દાસો-આદિ સર્વ મંડળ એક જ ઠેકાણે વિષયભોગ માટે આવી મળે છે.તે દેશની સ્ત્રીઓ ગમે તે પુરુષો સાથે ઇચ્છામાં આવે તેમ મૈથુન કરે છે,પછી ભલે તે પેલા પુરુષોની જાણીતી હોય કે અજાણીતી હોય.