May 24, 2020

ભાગવત રહસ્ય -૨૮૪

કૃષ્ણકથામાં રાજાનો અલૌકિક પ્રેમ જોઈને શુકદેવજી પ્રસન્ન થયા છે.શુકદેવજી કહે છે-કે-કૃષ્ણકથામાં તારો પ્રેમ જોઈ મને બહુ આનંદ થાય છે,રાજા તારે લીધે મને પણ 
કૃષ્ણકથા-ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો.આ કૃષ્ણકથા-ગંગા પ્રગટ થઇ પછી ભાગીરથી ગંગાજીનું મહત્વ ઓછું થયું છે.આ કૃષ્ણકથા-ગંગા અનેકને પાવન કરે છે.
ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો તેનાથી મનનો મેલ ધોવાતો નથી.ખાલી શરીર શુદ્ધ થાય છે,જયારે આ કૃષ્ણકથા મનનો મેલ દૂર કરે છે.મનને શુદ્ધ કરે છે.માટે કૃષ્ણ કથા શ્રેષ્ઠ છે.વળી કૃષ્ણકથા-ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે,ભાગીરથી-ગંગા ને કહો –કે અમારા શહેરમાં પ્રગટ થાઓ-તો તે ત્યાં શું પ્રગટ થશે ?

શુકદેવજીએ રાજાને ધન્યવાદ આપ્યોકે-“રાજા હું તારો ઉપકાર માનુ છું, તારે લીધે મને શ્રીકૃષ્ણસ્મરણ થાય છે.શ્રીકૃષ્ણનાં દર્શન કરવા મળે છે.”પરમાત્મા શ્રીકૃષ્ણમાં તન્મયતા થાય છે-તેથી શુકદેવજી આ કથા કરે છે.
શુકદેવજીએ શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું,પરમાત્માને હૃદય માં સ્થિર કર્યા.વક્તાને જ્યાં સુધી એમ યાદ રહે કે- 
હું પંડિત છું, વિદ્વાન છું, હું કથા કરું છું,ત્યાં સુધી તે કથામાં પરમાત્મા પધારતા નથી.
“હું કથા કરું છું” -એમ જે માને તે વક્તા વક્તા જ નથી.

દશમ સ્કંધની કથામાં “હું વક્તા છું”-તે પણ શુકદેવજી ભૂલ્યા છે.શુકદેવજી ભૂલી ગયા છે-કે-
હું વ્યાસજીનો પુત્ર છું,અને કથા કરું છું, વક્તા શ્રીકૃષ્ણ અને શ્રોતા પણ શ્રીકૃષ્ણ.
શુકદેવજી કહે છે-કે-હું વક્તા નથી પણ હું તો શ્રોતા છું.
મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે-કે-નવમાં સ્કંધ સુધીની કથા શુકદેવજી એ કરી,અને ત્યાર પછી,
દશમ સ્કંધની કથા શ્રીકૃષ્ણ એ સ્વયં (પોતે) કરી છે.

શુકદેવે રાધા કૃષ્ણને પ્રાર્થના કરી કે-આપ હૃદયમાં વિરાજી –તમારી કથા તમે જ કરો.
વક્તા દીન બને,વક્તા પ્રભુપ્રેમમાં તન્મય થાય તો-ભગવાનની કથા ભગવાન પોતે જ કરે છે.
વક્તા “હું કથા કરું છું”-એ ભૂલી જાય છે-ત્યારે ભગવાન વક્તાના મુખથી કથા કરે છે.

ધરતી ઉપર દૈત્યોનો ત્રાસ વધ્યો હતો.કંસ એવો દુષ્ટ હતો કે જે પોતાના બાપને મારતો, અને બાપને કેદ કરી ને જબરજસ્તીથી રાજા થયો હતો.કંસ ના ત્રાસથી લોકો ઘણા દુઃખી થયા હતા.ધરતી ઉપર –બહુ પાપ વધી ગયું હતું.ધરતીથી આ સહન થયું નહિ.ધરતીને મોટા મોટા પર્વતોનું વજન લાગતું નથી,પણ પાપનું વજન તેનાથી સહન થતું નથી.તેથી ધરતી બ્રહ્માજીને શરણે ગઈ.બ્રહ્માજી અને બીજા દેવો બ્રહ્મલોકમાં નારાયણ પાસે ગયા.અને બધા પુરુષસૂક્તથી પ્રાર્થના કરે છે-નાથ હવે કૃપા કરો,અવતાર ધારણ કરો.

સ્તુતિમાં બ્રહ્માજીની તન્મયતા થઇ છે,સમાધિમાં તેમણે આકાશવાણી સાંભળી.
“થોડા સમય પછી હું વાસુદેવ-દેવકીને ત્યાં પ્રગટ થઈશ.”
બ્રહ્માજીએ દેવોને અને ધરતીને આશ્વાસન આપ્યું-“ચિંતા ન કરો ,પ્રભુ પધારવાના છે”

આ બાજુ વાસુદેવ મથુરામાં લગ્ન કરવા આવ્યા છે,વાસુદેવ અને દેવકીનું લગ્ન થયું છે,
દેવકીને વળાવવા જતાં-કંસરાજાએ વિચાર કર્યો-બહેન –બનેવી ને સારું લાગે એટલે હું રથ હાંકીશ.
કંસ સારથી થઇને રથમાં બેઠો છે અને રથ હાંકે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE