May 23, 2020

ભાગવત રહસ્ય -૨૮૩

ઉઘાડી આંખે જગત “ના” દેખાય –પણ પરમાત્મા શ્રીકૃષ્ણ દેખાય એ જ સમાધિ છે.
સાચા જ્ઞાનીને ઉઘાડી આંખે આખું જગત બ્રહ્મમય દેખાય છે.ગોપીઓની ‘સહજ’ સમાધિ છે,તેમની નજર જ્યાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
દેહાભિમાન નો નાશ થતાં વેંત જ જીવ પરમાત્મા ને તત્વ થી જાણી લે છે.એટલે કે સર્વવ્યાપક પરમાત્માની સાથે પોતે અભિન્ન છે (જુદો નથી) તેવો અનુભવ થઇ જાય છે.
પછી જ્યાં જ્યાં તેનું મન જ્યાં જાય, ત્યાં ત્યાં તેને સમાધિ લાગે છે,બધું વાસુદેવમય છે,એવું જણાય છે.સમાધિ આવી ‘સહજ’ જોઈએ. ગોપીઓની સમાધિ આવી ‘સહજ’ –હતી.

તેથી જયારે ઉદ્ધવજીએ ગોપીઓને કહ્યું કે-તમે નિર્ગુણ,નિરાકાર બ્રહ્મનું આરાધન કરો,
ત્યારે ગોપીઓએ કહ્યું-કે-અમને તો ઉઘાડી આંખે સર્વત્ર સાકાર બ્રહ્મ શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે,તો આ સાકાર બ્રહ્મને છોડીને તારા નિરાકાર ઈશ્વરનું કોણ ચિંતન કરે ? ઉદ્ધવ,જેને ઉઘાડી આંખે બ્રહ્મ ના દેખાય,
તે આંખ બંધ કરીને લલાટમાં બ્રહ્મના દર્શન કરવાનો પ્રયત્ન કરે છે.હું તો કૃષ્ણનાં દર્શન કરું છું,તેનું ચિંતન કરું છું,તેનું ધ્યાન કરું છું.

ઉદ્ધવને તો માત્ર મથુરામાં જ શ્રીકૃષ્ણના દર્શન થાય છે,પણ ગોપીઓને તો નજર જ્યાં જ્યાં જાય છે-ત્યાં તેને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન થાય પછી તેને યોગ-સમાધિની જરૂર રહેતી નથી.
આ ગોપીઓને અનાયાસે સમાધિ લાગે છે. ગોપીઓ ઉઘાડી આંખે લાલાની વાતો કરી,તેનામાં તન્મય થાય છે. તેથી ગંગાકિનારે શુકદેવજી ગોપીઓના પ્રેમની કથા કરે છે.ગોપીઓના ભારે વખાણ કર્યા છે.

ભક્તિસૂત્રમાં નારદજી એ પણ કહ્યું છે-ભક્તિ કેવી કરવી ? તો કહે –ગોપીઓ જેવી.(યથા વ્રજગોપિકા નામ)
ગોપીઓ પ્રેમની મૂર્તિ છે. ગોપીઓ ગૃહસ્થાશ્રમી છે,તેમ છતાં શુકદેવજી જેવા મહાત્મા તેમની કથા કરે છે.
તેથી માનવું પડે છે કે-ગોપીઓ મહા-પરમહંસ છે.કે જેઓ સર્વથી અલિપ્ત થઇ અને કૃષ્ણ પ્રેમમાં તન્મય છે.
શ્રીકૃષ્ણ પણ મહાન ગૃહસ્થ છે અને મહાન સન્યાસી પણ છે.
આવો ગૃહસ્થ અને આવો સન્યાસી કદી થયો નથી અને થવાનો નથી.
શુકદેવજી મહાયોગી છે,મહાન જ્ઞાની છે,મહાન વૈરાગી છે-પણ તેમણે કૃષ્ણ કથા છોડી નથી.
કથા મનુષ્યનો થાક ઉતારે છે,કથા સાંભળતાં ભગવાનને મળવાની આતુરતા વધે છે,
કૃષ્ણ-કથા સાંભળતાં તૃપ્તિ થતી નથી.

સંસારના વિષયો ભોગવવામાં –જેવું કે- સારું જમવામાં તૃપ્તિ થાય છે. પછી સૂગ આવે છે.
પણ તે સૂગ કાયમ માટે ટકતી નથી,સૂગ કાયમ માટે ટકે તો બેડો પાર છે.
લાડુ માં ઝેર છે –એમ ખબર પડે તો તે લાડુમાંથી મન હટી જાય છે-તેને ખાવાનું મન થતું નથી.આવી જ રીતે જો સંસારના વિષયોમાં ઝેર છે-તેની ખાતરી થાય તો –મન કાયમ ના માટે સંસારમાંથી હટી જાય છે.

પરીક્ષિત રાજા શુકદેવજીને કહે છે-કે-મહારાજ,આ કૃષ્ણ કથા સાંભળવાની મારી ઈચ્છા છે-તો વિસ્તારપૂર્વક તે મને સંભળાવો.ભગવાનની બાળલીલાઓ તેમજ બીજી પણ જે લીલાઓ કરી હોય તે આપ સંભળાવો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE