May 22, 2020

ભાગવત રહસ્ય -૨૮૨

સમાધિમાં બેઠા પહેલાં યોગીઓને મન અને સર્વ ઇન્દ્રિયો સાથે ઝગડો કરવો પડે છે.ઈન્દ્રિયોને કાબુમાં રાખી તેના બધા દરવાજા બંધ કરવા પડે છે.આંખ બંધ કરવી પડે છે,નાક બંધ કરવું પડે છે.તેમ છતાં વાસના રૂપી ધૂળ ક્યારે ઘુસી જાય છે તે ખબર પડતી નથી.તેથી જ્ઞાનમાર્ગને કઠણ માન્યો છે,જ્ઞાનમાર્ગમાં પતનનો ભય હોય છે.જયારે-ભક્તિમાર્ગમાં ઇન્દ્રિયો જોડે ઝગડો નથી,ભક્તિમાર્ગમાં આંખ અને સર્વ ઇન્દ્રિયો શ્રીકૃષ્ણને આપવાની હોય છે.

કૃષ્ણકથામાં ઉઘાડી આંખે અનાયાસે સમાધિ લાગે છે.આંખ બંધ થયા પછી મન શાંત રહે તેનું જ્ઞાન કાચું,ઉઘાડી આંખે મન શાંત રહે તે જ્ઞાન સાચું.ઉઘાડી આંખે જગત ના દેખાય અને પરમાત્મા દેખાય,એ જ જ્ઞાન સાચું છે.જ્ઞાનની છેલ્લી કક્ષાએ પહોંચી ગયા પછી જગત રહેતું નથી,એકલા પરમાત્મા જ રહે છે.
જયારે અહીં તો ઉઘાડી આંખે સમાધિ છે,એકલા પરમાત્મા શ્રીકૃષ્ણના દર્શન માં-કથામાં તન્મયતા થાય છે.
અને જગત બ્રહ્મરૂપ લાગે છે, કહે છે-કે- “સાધો ‘સહજ’ સમાધિ ભલી”

સમાધિના બે પ્રકાર બતાવ્યા છે.એક જડ અને બીજી ચેતન.
જડ સમાધિમાં યોગીઓ મન પર બળત્કાર કરે છે.તેને પકડી ને જબરદસ્તીથી વશ કરે છે.
પણ તે એટલું ઉત્તમ નથી,તેથી કોઈ કોઈ ઠેકાણે હઠયોગની નિંદા કરી છે.
હઠયોગી કદીક રોગી પણ બને છે.હઠયોગીને ભક્તિનો સાથ ના હોય તો તે નકામું છે.
જે જબરદસ્તીથી મનને પકડે છે-તેને કોઈ વખત મન ખાડામાં નાખે છે.

મન ઉપર બળાત્કાર કરવા કરતાં તેને પ્રેમથી સમજાવીને વશ કરવું એ વધુ સારું છે.
તેથી મહાત્માઓ મનને પ્રેમથી વશ કરી તેને પ્રભુના માર્ગમાં વાળી,સમાધિ જેવો આનંદ મેળવે છે.
મનની પાસે કોઈ સત્તા નથી,તે આત્માની સત્તાથી કામ કરે છે.આત્મા તેને હુકમ ના કરે ત્યાં સુધી તે કામ કરી શકતું નથી.મનને શાસ્ત્ર માં નપુંસક કહ્યું છે.યોગીઓ બળથી મનને પકડી અને તેને બ્રહ્મરંધ્રમાં સ્થાપે છે.યોગીઓ સમાધિમાં બેસે ત્યારે તેમનું શરીર જડ બની જાય છે.જડ સમાધિમાં શરીરનું ભાન રહેતું નથી,
તેને આંગળી ઘોંચો તો પણ અસર થશે નહિ.

જડ સમાધિ કરતાં ચેતન સમાધિ શ્રેષ્ઠ છે.ગોપીઓની ચેતન સમાધિ છે.ગોપી આંખ,નાક બંધ કરીને બેસતી નથી,પણ ઉઘાડા આંખ,કાન રાખી કૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે.
ગોપીઓ સર્વ ઇન્દ્રિયોમાં શ્રીકૃષ્ણને રાખે છે. આ જોઈ ઉદ્ધવજી જેવા જ્ઞાનીને આશ્ચર્ય થયું છે.
ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રેમ જોઈ ઉદ્ધવજીનું જ્ઞાનનું અભિમાન ઉતરી ગયું હતું.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE