અધ્યાય-૪૧-અભિમાન નહિ કરવા વિષે હંસ અને કાગડાની કથા
II संजय उवाच II मारिपारिधिरथे: श्रुत्वा वचो युद्धाभिनंदन: I शल्योब्रवीत्पुनः कर्ण निर्दर्शनमिदं वचः II १ II
સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,યુદ્ધને અભિનંદન આપનાર કર્ણની એ વાણી સાંભળ્યા પછી રાજા શલ્ય દૃષ્ટાન્તરૂપ વચન બોલ્યો-'હું યજ્ઞયાગ કરનારા ને સંગ્રામમાં કદી પાછા નહિ હઠનારા મૂર્ધાભિષિક્ત રાજાઓના વંશમાં જન્મ્યો છું,તેમ જ હું પોતે પણ ધર્મપરાયણ છું,તું તો મદિરાપાન કરીને મદમત્ત થયેલા મનુષ્યના જેવો મને આજે દેખાય છે.તેથી હું તારો મિત્ર હોવાથી તારી પ્રમાદભરી ગાંડાઈનો યોગ્ય ઉપચાર કરવા આજે ઈચ્છું છું.હું તને એક કાગડાનું દૃષ્ટાંત કહું છું તે સાંભળ ને તે સાંભળ્યા પછી તારી ઇચ્છામાં આવે તેમ કરજે.
હે કર્ણ,મને યાદ નથી કે મેં તારો કદી અપરાધ કર્યો હોય,તો તું નિરપરાધીને કયા કારણથી મારી નાખવા ઈચ્છે છે?હું જો તારું હિત-અહિત જાણતો હોઉં તો મારે તે તને કહેવું જ જોઈએ.તારા સારથિ હોવાને લીધે,રથમાં બેઠેલા યોદ્ધાનું સમ-વિષમપણું,બળ,નિર્બળપણું,રથી તથા ઘોડાઓનો શ્રમ,ખેદ,આયુધનું જ્ઞાન,જયપરાજયસૂચક મૃગ પક્ષી-આદિનો શબ્દ,ભાર-અતિભાર,વાગેલાં બાણો માટે યોગ્ય ઉપચાર,અસ્ત્રોનો યોગ,દિવ્ય-અંતરિક્ષ તથા પૃથ્વી સંબંધી નિમિત્તો,ગ્રહ આદિની અનુકૂળતા-પ્રતિકૂળતા-વગેરે સર્વ કંઈ મારે જાણવું જોઈએ.આ કારણથી હું તને દૃષ્ટાંત કહું છું,સાંભળ.
કોઈ એક સમુદ્રતટે પુષ્કળ સંપત્તિવાળો એક વૈશ્ય,ધર્મિષ્ઠ રાજાના રાજ્યમાં રહેતો હતો.તેના પુત્રો બાળક અને કુમારાવસ્થામાં હતા,તે બાળકોનું ઉચ્છિષ્ઠ અન્નનું ભોજન કરનાર એક કાગડો પણ તેમની પાસે નિત્ય રહેતો હતો.સમય જતા તે કાગડો ખાઈ પીને મહાગર્વિષ્ઠ બની ગયો ને પોતાની સમાનતાવાળાં તથા પોતાનાથી અધિકતાવાળા સર્વ પક્ષીઓનો તિરસ્કાર કરવું લાગ્યો.એક વખતે ત્યાં કેટલાએક માનસરોવરના હંસો ઉડતા ઉડતા ત્યાં આવી પહોંચ્યા.હંસોને ત્યાં આવી ચડેલા જોઈને તે વૈશ્યના કુમારોએ તે કાગડાને 'ઓ પક્ષીરાજ કાગડા,સર્વ પક્ષીઓ કરતાં તું એક સર્વ શ્રેષ્ઠ છે' એમ કહીને તેને ઠગ્યો હતો.ને કાગડો તેમના વચનને સત્ય જ માની બેઠો ને 'આ સર્વ હંસો મારા કરતાં શ્રેષ્ઠ છે કે નહિ?' એમ જાણવાની ઈચ્છાથી તેમની પાસે ગયો,ને તેમની મધ્યમાં રહેલા એક હંસને પોતાની દુષ્ટ બુદ્ધિને આધારે કહેવા લાગ્યો કે-
'ચાલ આપણે આકાશમાં ઉડીએ અને જોઈએ કે આપણા બંનેમાં કોણ અધિક બળવાન છે?' તે સાંભળી તે હંસો કાગડાને કહેવા લાગ્યા કે-'અલ્યા,અમે માનસરોવરમાં રહેનારા હંસો છીએ,આખી પૃથ્વીમાં અમે ફરી શકીએ છીએ અને અતિશય દૂર સુધી ગતિ કરનારા છીએ.માટે જ અમે સર્વ પક્ષીઓમાં નિત્ય પૂજાઈએ છીએ' તે સાંભળી કાગડો બોલ્યો-'હું એક્સોએક વિવિધ ગતિઓમાં તમારી સાથે ઉડી શકીશ એમાં જરાયે સંશય નથી.પ્રત્યેક ગતિમાં સો સો યોજન ઉડી શકાય છે અને પ્રત્યેક ગતિ અનેક જાતની થઇ શકે છે.એ સો ગતિઓને હું તમારી સમક્ષ કરી દેખાડીશ એ વેળા તમે મારા બળને જો જો.'
હંસ બોલ્યો-'તું તો સો ગતિઓથી ઉડી શકીશ,પણ હું તો એક જ ગતિનો આશ્રય કરીને ઉડીશ કેમ કે હું બીજી કોઈ ગતિને જાણતો નથી' ત્યારે તે બંને અન્યોન્યની સ્પર્ધા કરતાં ઉડ્યા.કાગડાની વિવિધ ગતિઓ જોઈને નીચે બેઠેલા બીજા કાગડાઓ એકદમ હર્ષમાં આવી 'કા કા' કરવા લાગ્યા.થોડીક વારે હંસ એકદમ પશ્ચિમ દેશમાં વાળીને મહાસાગરની ઉપર વેગથી ઉડવા લાગ્યો,એટલે કાગડો પણ તેની પાછળ ઉડવા લાગ્યો.થોડાક સમયમાં જ કાગડાને મનમાં અતિશય ભય પેસી ગયો,અતિશય થાકને લીધે તેને ભાન રહ્યું નહિ અને વિશ્રાંતિ લેવા માટે આસપાસ દ્રષ્ટિ કરતાં તેને કોઈ બેટ કે ઝાડ જોવામાં આવ્યું નહિ.
હંસ ઘણો આગળ નીકળી ગયો હતો પણ દયાને લીધે તેણે પાછા વળીને જોયું.તો કાગડો પાણીમાં પાંખો ફફડાવતો ને થાકને લીધે લથડિયાં ખાતો જોવામાં આવ્યો.તેને પાણીનો કોઈ પાર દેખાતો નહોતો.તેથી થાકેલો તે કાગડો હંસને કહેવા લાગ્યો કે-'હે હંસ અમે તો સાધારણ સ્થળે જ ફરી શકીએ.હું થાકી ગયો છું,મારા પર કૃપા કર અને મને સમુદ્રના કાંઠા પર લઇ જા.હું વૈશ્ય પુત્રોના ઉચ્છિષ્ઠ ખાઈને છકી ગયો હતો ને મારી જાતને ગરુડ જ સમજતો હતો.મારા અભિમાનનું ફળ મને મળી ગયું છે.હું તારી શરણે આવ્યો છું મને કોઈ બેટમાં પહોંચાડી દે.હું હવેથી કોઈ પક્ષીનું અપમાન કરીશ નહિ'
ત્યારે તેના પર દયા લાવીને તે હંસે કાગડાને પોતાની પીઠ પર બેસાડીને પાછો બેટ પર લાવ્યો.આમ તે ગર્વિષ્ઠ કાગડાનો હંસે પરાજય કર્યો હતો.તે પછી,કાગડાએ પોતાનું અભિમાન છોડીને શાંત થઇ ગયો હતો.હે કર્ણ,તે વૈશ્યોના પુત્રોએ ઉચ્છિષ્ઠ ખવડાવીને તે કાગડાને જેમ પોષ્યો હતો તેમ,ધૃતરાષ્ટ્રના પુત્રોએ તને ઉચ્છિષ્ઠ ખવડાવીને પોષ્યો છે અને તેથી જ તું એટલો બધો છકી ગયો છે એમાં જરાયે સંશય નથી.ને તે કારણથી જ તું તારા સમોવડીયા અને નાનામોટા સર્વ કોઈ મહાપુરુષોનું અપમાન કરી રહ્યો છે.હું તને પૂછું છું કે-'વિરાટનગરમાં સર્વ કૌરવોના રક્ષણ તળે તેં અર્જુનને કેમ માર્યો ન હતો?આ યુદ્ધમાં અર્જુને તારા ભાઈને મારી નાખ્યો ત્યારે સર્વના કરતાં તું જ પ્રથમ પોબારા કેમ કરી ગયો હતો? દ્વૈતવનમાં સર્વ ગંધર્વો તારી સામે ચડી આવ્યા ત્યારે સર્વ કૌરવોને ત્યાં પડતા મૂકીને તું જ પ્રથમ પલાયન કરી ગયો હતો.
પરશુરામે પોતે કૌરવોની સભામાં અર્જુન અને શ્રીકૃષ્ણનો પુરાણોક્ત પ્રભાવ કહી સંભળાવ્યો હતો.વળી,ભીષ્મ અને દ્રોણાચાર્યે પણ સર્વ રાજાઓની સમક્ષ કહ્યું હતું કે અર્જુન અને શ્રીકૃષ્ણ સદા અવધ્ય છે અને તે બધું તેં સાંભળ્યું છે.ઉભો રહે,જરા ધીરજ ધરી જા,હમણાં જ તું અર્જુન અને શ્રીકૃષ્ણને જોઇશ.જો તું મારા કહેવા પ્રમાણે કરતો હોય તો,જેમ,તે કાગડાએ હંસનું શરણું લીધું હતું તેમ,તું અર્જુન અને શ્રીકૃષ્ણનું શરણ લે.એ તો નક્કી જ છે કે-યુદ્ધમાં તે બંનેનું પરાક્રમ જોઈને તું આવું કદી નહિ બોલે.અર્જુન સેંકડો બાણો મારીને તારા ગર્વનો નાશ કરશે ત્યારે જ તને તેનામાં અને તારામાં કેટલું અંતર છે તે તારા જોવામાં આવશે.શ્રીકૃષ્ણનને અર્જુન પોતાની તેજસ્વીતાથી પૃથ્વી પર પ્રસિદ્ધ છે બાકી તું તો મનુષ્યોમાં એક પતંગિયા સરખો જ છે.
હે કર્ણ,આમ સમજીને તું શ્રીકૃષ્ણ અને અર્જુનનો અવગણના ન કર.ને ખોટી બડાઈ ન કરતાં છાનોમાનો બેસી રહે (87)
અધ્યાય-41-સમાપ્ત
