Oct 22, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1250

 

વળી,મદ્રદેશના દુરાચારી મનુષ્યો સાથવો તથા માછલાંઓનું ભક્ષણ કરનારા હોય છે,એટલું જ નહિ તેઓ ગાય સુદ્ધાંનું માંસ ખાય છે,ને મદિરાનું પણ કરી મદોન્મત્ત થઈને ઘરમાં ચીસો પાડ્યા કરે છે ને અન્યોન્ય બકવાદો કર્યા કરે છે.તે મનુષ્યો ગર્વિષ્ઠ હોય છે ને તેમનાં અશુભ કર્મો જગતમાં પ્રખ્યાત છે,માટે તેમની સાથે વેર બાંધવું નહિ,મિત્રતા કરવી નહિ કે કોઈ જાતનો સંબંધ રાખવો નહિ.તેમની સંગતિ કરીને મનુષ્ય પતિત થાય છે.વળી,આ લોકમાં જયારે કોઈને વીંછી કરડે છે અને અતિશય વેદના થાય છે ત્યારે વિદ્વાન વૈદ્યો ઝેર ઉતારવા આ પ્રમાણે મંત્ર ભણે છે.

मद्रके संगतं नास्ति हतं वृश्चिक ते विषं I आथर्वणेन मंत्रेण यथा शांतिः कृता मया II 

'હે વીંછી,મદ્રકોની સાથે કરેલો સ્નેહ વૃથા જાય છે.આ વાત જો સત્ય હોય તો તારું ઝેર નાશ પામો.અથર્વવેદના 

મંત્રથી જેમ,તારા ઝેરની શાંતિ કરવામાં આવે છે તેમ,મેં પણ આ વચન પરથી તારા ઝેરની શાંતિ કરી છે'

આ મંત્ર ભણવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે અને ઘણે સ્થળે તેના સત્ય દાખલ જોવામાં આવે છે.


હે શલ્ય,તમારે મદ્રવાસીઓએ તો કંઈ બોલવું જ નહિ,માટે તું મૂંગો બેસી રહે.હજી પણ તે દેશના સંબંધમાં કેટલુંક હું તને કહું છું તે તું સાંભળી લે.તે દેશની સ્ત્રીઓ મદિરાપાન કરીને ગાંડીતૂર બની વસ્ત્રો ફેંકી દઈ નગ્નાવસ્થામાં નાચ્યાં કરે છે.તેઓ ઇચ્છામાં આવે તેની સાથે મૈથુન કરે છે.એવી દુરાચારિણી સ્ત્રીનો પુત્ર ધર્મનું કેવી રીતે વ્યાખ્યાન કરી શકે?વળી,જે દેશની સ્ત્રીઓ ઊંટડીઓ ને ગધેડીઓની જેમ ઉભી ઉભી મૂતરે છે,તે ધર્મભ્રષ્ટ નિર્લ્લજ સ્ત્રીઓનો તું પુત્ર છે છતાં,ધર્મની વાત કરવા કેમ ઈચ્છે છે?મદ્રદેશની સ્ત્રીઓ ગૌરવર્ણની,મોટી હિડિમ્બા જેવી,નિર્લજ્જ,ખાઉધરી અને શૌચાચાર વિનાની હોય છે એમ અમારા સાંભળવામાં આવ્યું છે.અરે,આવા અનેક જાતના દુરાચારો ત્યાં હોય છે એને હું ને બીજા ઘણા પણ કહી શકે છે.


ટૂંકામાં એટલું જ કે-મદ્ર,સિંધુ તથા સૌવીર દેશના મનુષ્યો કેશથી આરંભ છેક નાખ સુધીના ભાગોમાં નિંદાપાત્ર કુકર્મોથી ભરેલા હોય છે તેઓ ધર્મ કેમ સમજી શકે?પાપી દેશમાં જન્મેલા મનુષ્યો મ્લેચ્છ કહેવાય છે તેથી તેઓ ધર્મના વિષયમાં અકુશળ હોય છે.વળી,મારા સાંભળવામાં આવ્યું છે કે-ક્ષત્રિયનો તો મુખ્ય ધર્મ એ જ છે કે-સંગ્રામમાં મરણ પામે.મોટા મોટા સત્પુરુષો તે ક્ષત્રિયની પૂજા કરે છે.માટે મારો તો પ્રથમથી જ સંકલ્પ છે કે-આ મહાન સંગ્રામમાં જ મરણ પામીને હું અંતે સ્વર્ગમાં જઈશ.આવો હું એ દુર્યોધનનો મિત્ર છું અને મારા પ્રાણ ને મારી જે સંપત્તિ છે તે બધું કેવળ તેના માટે જ છે.


હે પાપી દેશમાં જન્મેલા શલ્ય,જરૂર તને પાંડવોએ અંદરખાને ફોડેલો છે,તેથી જ તું કેવળ શત્રુની જેમ જ અમારા તરફ વર્તે છે.તારા જેવા સેંકડો પુરુષો મને આવીને સમજાવે પણ મને સંગ્રામમાંથી વિમુખ કરી શકશે નહિ.યુદ્ધમાં પાછી પાની નહિ કરનારા અને યુદ્ધમાં જ શરીરનો ત્યાગ કરનારા પુરુષસિંહોની જે ગતિ થાય છે તે મને મારા ગુરુ પરશુરામે કહી છે,તેનું મને સ્મરણ થાય છે.હું કૌરવોનું રક્ષણ અને શત્રુઓનો વધ કરવા તૈયાર થયો છું માટે હું મહારાજા પુરુરવાના ઉત્તમ વ્રતનું આચરણ કરનારો છું,એમ તારે જાણી લેવું.હું યુદ્ધથી વિમુખ નહિ થાઉં-એ મારો નિશ્ચય છે,માટે મૂંગો જ બેસી રહે.


હે નીચ મદ્રરાજ,આ સમયે જ હું તને મારી નાખીને,માંસાહારી પ્રાણીઓને તારું બલિદાન આપી નથી દેતો તેમાં ત્રણ કારણો મને નડે છે તે એજ છે કે-મારા મિત્ર દુર્યોધનના કાર્ય તરફનો વિચાર,ધૃતરાષ્ટ્રની નિંદા અને ત્રીજું મારામાં રહેલી ક્ષમા.આ ત્રણ કારણોથી જ તું જીવી રહ્યો છે પણ યાદ રાખજે કે હવે તું ફરીથી આવું વાક્ય બોલીશ તો આ ગદાના પ્રહારથી તારું મસ્તક પાડી દઈશ.આજે આ બધા સૈનિકો નજરે જોશે કે-હું અર્જુનને મારું છું કે તે મને મારે છે.માટે ચાલ રથ ચલાવ.'(56)

અધ્યાય-40-સમાપ્ત