Oct 29, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1257

 

અધ્યાય-૪૭-દારુણ યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II तथा व्युढेष्वनीकेषु संसक्तेषु च संजय I संशप्तकान कथं पार्थो गतः कर्णश्च पांडवान II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ રીતે વ્યૂહ રચનામાં ગોઠવાઈ ગયેલા તે બંને સૈન્યો અન્યોન્ય સામે ભેટ્યાં 

ત્યારે અર્જુને સંશપ્તકો સામે કેવો ધસારો કર્યો હતો? ને સામે કર્ણે કેવો ધસારો કર્યો હતો તે કહે'


સંજય બોલ્યો-તે સમયે અર્જુને પણ તમારા પુત્રની દુષ્ટ નીતિને પરિણામે વ્યૂહ રચ્યો.તેના મોખરામાં ધૃષ્ટદ્યુમ્ન ઉભો હતો ને સર્વ દ્રૌપદી પુત્રો દિવ્ય કવચો તથા આયુધો ધારણ કરીને તેનું રક્ષણ કરતા હતા.અને સર્વ અનુચર યોદ્ધાઓ તેની પાછળ જતા હતા.પછી,સર્વ સૈન્યો બરાબર ગોઠવાઈ ગયા,ત્યારે પોતાની સામે યુદ્ધ કરવા તૈયાર થયેલા સંશપ્તક યોદ્ધાઓને જોઈને અર્જુન કોપીને તેમની સામે ધસી ગયો.ત્યાં પાળાઓ,ઘોડા,રથો અને હાથીથી ભરેલું સંશપ્તકોનું સૈન્ય 'મરણ થાય તો પણ યુદ્ધમાંથી પાછા ન હટવું' એવા નિશ્ચય સાથે અર્જુન સામે મારો ચલાવવા માંડ્યું.

અર્જુને તે રણમાં આવેલા હજારો શત્રુઓના મસ્તકો કાપી નાખી મોટો સંહાર સર્જી દીધો.અર્જુનનો રથ તે મોટા સૈન્યરૂપ મોટી ઘુમરીમાં તદ્દન ડૂબી ગયો ત્યારે સંશપ્તક યોદ્ધાઓ હર્ષની ગર્જનાઓ કરવા લાગ્યા.પણ કોપેલા રુદ્રદેવ જેમ પશુઓનો સંહાર કરી નાખે તેમ,અર્જુને પોતાની આગળ,પાછળ ને બંને બાજુ ઉભેલા ઘણા શત્રુઓને રોળી નાખ્યા.તે જ વખતે બીજી તરફ પાંચાલો,ચેદીઓ ને સૃન્જયોનો તમારા પક્ષના મહારથીઓ જોડે દારુણ સંગ્રામ થઇ રહ્યો હતો.


કૃપાચાર્ય,કૃતવર્મા ને શકુનિ પોતાની સેનાઓ લઈને શત્રુસૈન્ય સામે મારો ચલાવી રહ્યા હતા.વળી,તેઓ કૌશલ,કાશ્ય,મત્સ્ય,કારુષ,કેકય ને શૂરસેન યોદ્ધાઓ સામે લડી રહ્યા હતા.તે બધા ક્ષત્રિય,વૈશ્ય તથા શુદ્ર જાતિના વીરપુરુષોનું સંહારકારક મહાયુદ્ધ,સારી,પ્રાણ તથા પાપ નાશ કરનારું થઇ રહ્યું હતું.કુરુ અને મદ્ર દેશના મહારથીઓને રક્ષણ તળે રહેલો દુર્યોધન એ સમયે પાંડવો,પાંચાલો,ચેદીઓ ને સાત્યકિ સામે યુદ્ધ કરતા કર્ણની રક્ષા કરતો હતો ને કર્ણ શત્રુઓની મહાસેનાનો ઘાણ કાઢી રહ્યો હતો.તેણે મોટામોટા રથીઓને રણમાં રોળી નાખ્યા હતા અને યુધિષ્ઠિરને પણ સારી રીતે પીડ્યા હતા.હે રાજન,તે સંગ્રામ પૂર્વે થયેલા દેવાસુરસંગ્રામ સરખો જ થઇ રહ્યો હતો અને તેમાં મનુષ્યો,હાથીઓ અને ઘોડાઓનો ઘાણ વળી ગયો હતો.(23)

અધ્યાય-47-સમાપ્ત