Oct 31, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1259

 

અધ્યાય-૪૯-કર્ણ અને યુધિષ્ઠિરનું યુદ્ધ 


II संजय उवाच II विदार्य कर्णस्तां सेनां युधिष्ठिरमथाद्रवत I रथहस्त्यश्वपत्तीनां सह्सत्रै: परिवारितः II १ II

સંજય બોલ્યો-હે રાજન,હજારો રથ,હાથી,ઘોડા અને પાળાઓથી ઘેરાયલા કર્ણે,પોતાની સામે આવતા અનેક બાણોને કાપી નાખીને યુધિષ્ઠિર સામે ધસારો કર્યો હતો.તે વખતે હજારો યોદ્ધાઓ અન્યોન્ય યુદ્ધ કરતા તે રણમાં ખપી ગયા હતા.યમરાજ સમાન કર્ણને સામો આવતો જોઈને પાંડવો ને પાંચાલો તેને અટકાવી રહ્યા હતા.ત્યારે કર્ણ આગળ વધી શક્યો નહિ.તે સમયે યુધિષ્ઠિરે ક્રોધિત થઈને કર્ણને કહ્યું કે-'હે સૂતપુત્ર,તું અર્જુનનો દ્વેષ કરીને અને દુર્યોધનના મતમાં રહીને સર્વદા અમને સતાવવા વચ્ચે આવે છે પણ આજે તારામાં જેટલું બળ હોય તે મને બતાવ.આજે તારો યુદ્ધ કરવાનો ઉત્સાહ હું મીટાવી દઈશ'એમ કહીને યુધિષ્ઠિરે લોઢાનાં તીક્ષ્ણ બાણોથી કર્ણને વીંધી નાખ્યો.

ત્યારે સામે કર્ણે પણ વત્સદંત નામનાં દશ બાણોથી યુધિષ્ઠિરને વીંધ્યા.ક્રોધિત થયેલા યુધિષ્ઠિરે કર્ણને મારી નાખવાની ઈચ્છાથી યમદંડ સમાન બાણ તેના પર છોડ્યું કે કર્ણના ડાબા પાંસળામાં ઘુસી ગયું.તે પ્રહારથી કર્ણ મૂર્છિત થયો ને શલ્યના સામે જ અચેત થઈને રથમાં પડી ગયો.ત્યારે યુધિષ્ઠિરે અર્જુનના હિતની ઈચ્છાથી તેના પર ફરી પ્રહાર કર્યો નહિ.કર્ણને એવી દશામાં જોઈને દુર્યોધનની વિશાળ સેનામાં હાહાકાર મચી ગયો.વિષાદથી સૈનિકોનો રંગ ફીકો પડી ગયો.યુધિષ્ઠિરના પરાક્રમથી પાંડવ સૈન્યમાં સિંહનાદો,આનંદના શબ્દો થવા લાગ્યા.


પણ ત્યારે તે કર્ણ થોડી વારમાં જ હોશમાં આવી ગયો અને તેને બાણોથી યુધિષ્ઠિરને છાઈ દીધા ને તેમના બે પાંચાલ ચક્રરક્ષકો ચંદ્રદેવ અને દંડધારને મારી નાખ્યા.ત્યારે સામે યુધિષ્ઠિર ફરીથી ત્રીસ બાણોથી કર્ણને વીંધ્યો ને સુષેણ તથા સત્યસેનને પણ ઘાયલ કરી નાખ્યા.હવે કર્ણે યુધિષ્ઠિરના બાણને કાપીને અસંખ્ય બાણોથી તેમને ઘાયલ કરીને સિંહ સમાન ગર્જના કરી.ત્યારે ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંડવોના સર્વ પ્રમુખ યોદ્ધાઓ ત્યાં યુધિષ્ઠિરની રક્ષા માટે આવી પહોંચ્યા ને બાણોની વર્ષા કરીને કર્ણને ઘાયલ કરવા લાગ્યા.ચારે બાજુ પાંડવોના યોદ્ધાઓને જોઈને કર્ણે બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું અને સર્વ દિશાઓને બાણોથી આચ્છાદિત કરી દીધી.ને પોતાના આત્મબળથી સંપન્ન એવા કરીને ચેદીદેશના દશ પ્રધાન વીરોને મારી નાખ્યાને બીજા સેંકડો સૃન્જય યોદ્ધાઓનો પણ તેણે સંહાર કરી નાખ્યો.કર્ણના બાણોથી ત્યાં મહાન અંધકાર છવાયો હતો ને શત્રુપક્ષની કે પોતાની કોઈ વસ્તુ ઓળખાય તેવી રહી નહોતી.એ અંધકારમાં કર્ણ અનેક રાજપૂતોનો સંહાર કરતો રણમાં ઘૂમી રહ્યો હતો.


પછી,તે કર્ણે મોટાં મોટાં અસ્ત્રોનું સંધાન કરીને યુધિષ્ઠિરના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા ને નેવું તીક્ષ્ણ બાણોથી તેમના કવચને તોડી પાડ્યું.લોહીલુહાણ થયેલા યુધિષ્ઠિરે તદ્દન લોખંડની બનાવેલી એક શક્તિ કર્ણ સામે ફેંકી પણ તે શક્તિને કર્ણે આકાશમાં જ તોડી પાડી.હવે યુધિષ્ઠિરે,કર્ણને બે બાહુઓમાં,લલાટમાં ને હૃદયમાં-ચાર તોમરોનો પ્રહાર કરીને હર્ષપૂર્વક ગર્જના કરી.તોમરના પ્રહારથી લોહીલુહાણ થયેલા ક્રોધિત કર્ણે બાણોથી યુધિષ્ઠિરના બંને ભાથાઓના,ને રથના ટુકડા કરી નાખ્યા ને ત્રણ બાણોથી યુધિષ્ઠિરને પણ વીંધી નાખ્યા.


આ દશામાં યુધિષ્ઠિર બીજા રથમાં બેસી રણમાંથી વિમુખ થયા.પોતાના પૃષ્ઠરક્ષકો ને સારથિ માર્યા ગયા હતા તેથી મનમાં દુઃખી થયેલા યુધિષ્ઠિર કર્ણ સામે યુદ્ધ કરવા અસમર્થ થયા હતા.યુદ્ધમાંથી તેમને નાસી જતા જોઈને કર્ણે પોતાના હાથથી તેમના ખભાનો સ્પર્શ કરીને તેમને પકડી લેવાની ઈચ્છા કરી,પણ કુંતીને આપેલાં વચનોનું સ્મરણ કરીને તેમને મારી નાખવાનો વિચાર કર્યો નહિ.ત્યારે શલ્ય કર્ણને કહેવા લાગ્યો કે-'ઓ કર્ણ,યુધિષ્ઠિરને તું પકડીશ નહિ,યાદ રાખજે પકડતાં વેંત જ તે તને બાળીને ભસ્મ કરી નાખશે' ત્યારે કર્ણ યુધિષ્ઠિરનો સ્પર્શ કર્યા વિના દૂર ઉભો રહીને તેમની નિંદા કરતો હોય તેમ કહેવા લાગ્યો કે-


'મહાન ક્ષત્રિયકુળમાં જન્મીને ક્ષાત્રધર્મમાં રહેનારો એક ઉત્તમ ક્ષત્રિય પોતાના પ્રાણોનું રક્ષણ કરવા ભયભીત થઈને યુદ્ધનો ત્યાગ કેમ કરે?મારા માનવ પ્રમાણે તું ક્ષાત્રધર્મમાં કુશળ નથી,યજ્ઞકર્મો કરવામાં જ કુશળ છે.માટે હે કુંતાપુત્ર,મારા જેવા વીર પુરુષો સામે તું યુદ્ધ ન કર.કોઈ અપ્રિય વચન કહીશ નહિ ને યુદ્ધમાં ફરી આવીશ નહિ.તારે જો અપ્રિય વચન કહેવાં હોય તો બીજાઓને કહેજે મને નહિ,કારણકે યુદ્ધમાં અપ્રિય કહેવાથી તને આવું કે આનાથી ઉતરતું ફળ જરૂર મળશે.તું ઘેર ચાલ્યો જ કે જ્યાં અર્જુન ને કૃષ્ણ છે ત્યાં ચાલ્યો જા.કર્ણ તને કોઈ રીતે પણ આ રણમાં મારશે નહિ'


આમ કહી કર્ણે યુધિષ્ઠિર પાછળ જવું પડતું મૂક્યું અને પાંડવોની સેનાનો નાશ કરવા મંડી પડ્યો.જાણે શરમાતા હોય તેમ યુધિષ્ઠિર પણ એકદમ ત્યાંથી દૂર ચાલ્યા ગયા ત્યારે પાંડવોના પ્રમુખ યોદ્ધાઓ પણ તેમની પાછળ જવા લાગ્યા.યુધિષ્ઠિરનું સૈન્ય આમ પાછું હટવા લાગ્યું તે જોઈ કર્ણ હર્ષમાં આવી ગયો અને તે બધાની પાછળ પડ્યો.ત્યારે તરત જ કૌરવ સૈન્યમાંથી હર્ષનાદો થવા લાગ્યા.ત્યારે યુધિષ્ઠિર શ્રુતકીર્તિનાં રથમાં ચડીને ક્રોધ કરીને પોતાના યોદ્ધાઓને કહેવા લાગ્યા કે 'મારો,મારો આપણા શત્રુઓને મારો,શું જોઈ રહયા છો?' તેમની આજ્ઞા થવાથી ભીમસેન આદિ યોદ્ધાઓ તમારા પુત્રો સામે ધસ્યા.


પછી,તે વખતે ફરીથી ઘોર યુદ્ધની શરૂઆત થઇ ગઈ.બાણોથી આકાશ છવાઈ ગયું.અન્યોન્યથી ઘેરાયેલા રાજાઓ એકમેકનો સંહાર કરવા મંડી પડ્યા.ઘોડા,રથો,સારથિઓ,યોદ્ધાઓ,હાથીઓનો ભયંકર સંહાર થયો.પૃથ્વી તેમના અવયવોથી છવાઈ ગઈ.સૈન્યોએ ઉરાડેલી ધૂળથી સર્વ પ્રદેશ ઢંકાઈ ગયો હતો,ત્યારે અણજાણે પોતાના પક્ષના યોદ્ધાઓ પોતાના પક્ષના યોદ્ધાઓનો સંહાર કરી નાખતા હતા.યુદ્ધ અતિ દારુણ સ્વરૂપમાં આવી ગયું હતું.મનુષ્યો,ઘોડાઓ અને હાથીઓના શરીરોમાંથી લોહીની નદીઓ વહેવા લાગી હતી.સર્વ સ્થળે પ્રસરી રહેલા લોહીની ગંધ,સ્પર્શ,રસ,રૂપ તથા શબ્દથી સૈન્યોમાં અતિ મહાન ખેદ થતો હતો.આ રીતે સૈન્યમાં ઘણે ભાગે સંહાર વળી ગયો હતો.તેવામાં ભીમસેન અને સાત્યકિ-આદિ પુનઃ યુદ્ધ કરવા સામે ચઢી આવ્યા.ધસી આવતા તે યોધ્ધાઓના વેગને સહન કરવો અશક્ય હોઈને તમારા પુત્રનું સૈન્ય રણમાંથી વિમુખ થયું.અને રણભૂમિમાં નાસભાગ કરવા લાગ્યું (92)

અધ્યાય-49-સમાપ્ત