અધ્યાય-૪૮-સંકુલ યુદ્ધ
II धृतराष्ट्र उवाच II यत्तत्प्रविश्य पार्थानां सैन्यं कुर्वन् जनक्षयम I कर्णो राजानमभ्येत तन्ममाचक्ष्व संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-હે સંજય કર્ણ પાંડવોના સૈન્યમાં દાખલ થઈને જે રીતે મનુષ્યોનો સંહાર કરતો હતો તથા છેક યુધિષ્ઠિર પાસે જઈ પહોંચ્યો હતો અને તેણે જે કોઈ પરાક્રમ કર્યું હોય તે મને કહે.તે વખતે પાંડવોમાંના કયા વીર પુરુષોએ તેને આગળ વધતો અટકાવ્યો હતો?અને કોને મારી નાખીને કર્ણે યુધિષ્ઠિરને ગભરાવ્યો હતો?
સંજય બોલ્યો-ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંડવ યોદ્ધાઓને રણમાં ગોઠવાઈ ગયેલા જોઈને કર્ણ ઉતાવળો પાંચાલો સામે ધસ્યો.ત્યારે પાંચાલોના સિંહનાદોથી આકાશ ગાજી ઉઠ્યું હતું.પણ,ઇન્દ્ર જેમ આસુરી સેનાનો નાશ કરે તેમ,કર્ણ સત્વરે અસ્ત્રો પ્રગટ કરીને પાંડવ સૈન્યનો નાશ કરવા લાગ્યો.તેણે પ્રભદ્રકોના સિત્તોતેર સારા સારા યોદ્ધાઓને મારી નાખ્યા ને સારા પચીસ પાંચાલ યોદ્ધાઓને ને હજારો ચેદિ યોદ્ધાઓને સંહારી નાખ્યા.આવું મનુષ્યોથી ન બની શકે તેવું દૈવી કર્મ કરી રહેલા તે કર્ણની આસપાસ પાંચાલોના અનેક રથી યોદ્ધાઓ ઘેરાઈ વળ્યા.તે જોઈને દુઃસહ એવાં પાંચ બાણો ધનુષ્યમાં સાંધ્યા ને તે બાણો વડે તેણે ભાનુદેવ,ચિત્રસેન,સેનાબિંદુ,તપન અને શૂરસેન એ પાંચ પાંચાલ મહારથીઓને રોળી નાખ્યા.ત્યારે પાંચાલ સૈન્યમાં હાહાકાર મચી ગયો અને બીજા દશ પાંચાલ યોદ્ધાઓએ આવીને કર્ણને પુનઃ ઘેરી લીધો.એ સમયે કર્ણના સુષેણ અને સત્યસેન નામના બે પુત્રો તેના ચક્રરક્ષક તરીકે રહીને કર્ણની રક્ષા કરતા હતા.
પછી,ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ,દ્રૌપદીપુત્રો,ભીમસેન,જન્મેજય,નકુલ,સહદેવ એ સર્વ કર્ણને મારી નાખવાની ઈચ્છાથી સામેથી દોડી આવ્યા ને કર્ણની સામે બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.કર્ણના બધા પુત્રો અને કૌરવ યોદ્ધાઓ પાંડવ સૈન્યને અટકાવવા લાગ્યા હતા.કર્ણના પુત્ર સુષેણે ભીમસેનનું ધનુષ્ય કાપી નાખ્યું ને સાત નારાચ બાણોથી ભીમને છાતીમાં વીંધ્યો.ત્યારે ક્રોધિત ભીમસેને તરત જ બીજું ધનુષ્ય હાથમાં લઈને સુષેણ અને કર્ણને પણ વીંધી નાખ્યા,ને કર્ણના ભાનુસેન નામના પુત્રને રણભૂમિ પર ઢોળી પાડ્યો.એમ કર્ણના પુત્રને મારીને ભીમસેને તમારા યોદ્ધાઓને દુઃખ દેવા માંડ્યું ને કૃપાચાર્ય અને કૃતવર્માના ધનુષ્યો કાપી નાખીને તેમને અત્યંત પીડ્યા.વળી,દુઃશાસનને ને શકુનિને છ લોખંડી બાણો મારીને,ઉલુક તથા પત્રતિ-એ બંનેને રથ વિનાના કરી નાખ્યા.
પછી,કર્ણના પુત્ર સુષેણની સામે તેણે તીક્ષ્ણ બાણો ફેંક્યા પણ કર્ણે તેના ટુકડા કરી નાખ્યા.હવે કર્ણે પુત્રનું રક્ષણ કરવા ભીમસેનને તોંતેર બાણોથી વીંધી નાખ્યો.સુષેણે નકુલ સામે બાણો ફેંકી તેની છાતી પર પ્રહાર કર્યો ત્યારે સામે નકુલે પણ વીસ બાણોથી સુષેણને વીંધીને એટલી મોટી ગર્જના કરી મૂકી કે કર્ણ પણ જરા હબકી ગયો.તે બંને વચ્ચે પરસ્પર ભયંકર યુદ્ધ થવા માંડ્યું કે જેમાં તેઓ પરસ્પર એક બીજાના ધનુષ્યોને કાપી નાખતા હતા.તેવામાં સાત્યકિએ આવીને વૃષસેનના સારથિને મારીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.તેના ઘોડાઓને પણ મારી નાખીને તેને પોતાને પણ હૃદયમાં સખ્ત માર માર્યો,કે જેથી તે ઘડીભર તો બેભાન સ્થિતિમાં આવી પડ્યો.પણ તુરત જ ભાનમાં આવીને તે હાથમાં તલવાર લઈને સાત્યકિ સામે દોડ્યો.
વૃષસેનને સામે ધસી આવતો જોઈને સાત્યકિએ તેની ઢાલ-તલવારના ટુકડા કરી નાખ્યા,એ સમયે દુઃશાસને આવીને તેને પોતાના રથમાં બેસાડીને દૂર કર્યો.પછી,તે કર્ણનો પુત્ર વૃષસેન બીજા એક રથમાં બેસીને યુદ્ધ કરવા ચઢી આવ્યો.ને તેને અસંખ્ય બાણો મારીને દ્રૌપદીપુત્રોને,સાત્યકિને,ભીમસેનને,સહદેવને,નકુલને,શતાનીકને,શિખંડીને ને યુધિષ્ઠિરને વીંધવા લાગ્યો.ને કર્ણના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરવા લાગ્યો.તેવામાં સાત્યકિએ દુઃશાસનને સારથિ,ઘોડા ને રથ વિનાનો કરી નાખ્યો ને તેના લલાટમાં સખત પ્રહાર કર્યો.એટલે તે દુઃશાસન તરત જ બીજા રથમાં બેસીને કર્ણની પાસે આવી ગયો ને લડવા લાગ્યો.
તે પછી,ધૃષ્ટદ્યુમ્ને દશ બાણોથી,દ્રૌપદીપુત્રોએ તોંતેર બાણોથી,સાત્યકિએ સાત બાણોથી,ભીમસેને ચોસઠ બાણોથી,સહદેવે સાત બાણોથી,નકુલે ત્રીસ બાણોથી,શતાનીકે સાત બાણોથી,શિખંડીએ દશ બાણોથી અને યુધિષ્ઠિરે સો બાણોથી કર્ણને વીંધી નાખ્યો.તે ઉપરાંત બીજા સર્વ યોદ્ધાઓ પણ કર્ણ સામે જ બાણોનો મારો ચલાવી રહ્યા હતા,પરંતુ તે કર્ણ દરેકની સામે તેમના બાણો કાપીને સામો તેમને વીંધવા લાગ્યો હતો.હે રાજન,તે વખતે કર્ણના અસ્ત્રવીર્ય તથા તેના હાથની ચાલાકી અમને આશ્ચર્યજનક દેખાતી હતી.તે અત્યંત ત્વરાથી સર્વની સામે બાણોની વર્ષા કરી રહ્યો હતો.દિશાઓ ને આકાશ તેના બાણોથી ભરાઈ ગયું હોય તેમ જણાતું હતું.તેણે સર્વ શત્રુઓને તેમના ઘોડા,સારથિ ને રથો સહિત ઢાંકી દીધા હતા.
પછી,તે કર્ણ તે બધા મહાધનુર્ધરોને હંફાવી દઈને ખીચોખીચ ભરેલા હસ્તીસૈન્યમાં દાખલ થયો અને એ સૈન્યના મોખરામાં ઉભા રહેલા ત્રણસો ચેદિ યોદ્ધાઓને મારીને તે યુધિષ્ઠિર સામે ધસ્યો.કર્ણને આવતો જોઈને સર્વ પાંડવો,શિખંડી ને સાત્યકિ યુધિષ્ઠિરની આસપાસ વીંટાઈ વળ્યા ને તેમનું રક્ષણ કરવા લાગ્યા.તે વેળા અન્યોન્ય સામે ગર્જનાઓ કરતા શૂરાઓના સિંહનાદો થવા લાગ્યા ને ત્યાં તુરત જ કર્ણ આદિ કૌરવો સામે યુધિષ્ઠિર આદિ પાંડવો પુનઃ સામસામા આવી ગયા.(67)
અધ્યાય-48-સમાપ્ત
