અધ્યાય-૫૧-સંકુલ યુદ્ધ
II धृतराष्ट्र उवाच II सुदुष्करमिदं कर्म कृतं भीमेन संजय I येन कर्णो महाबाहु रथोपस्थे निपापित II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ભીમસેને આ અતિ દુષ્કર કર્મ કરી બતાવ્યું છે,તેણે કર્ણને મૂર્છિત કરી રથની બેસણી પર પાડી દીધો હતો.હે સૂત,દુર્યોધન મને નિત્ય કહ્યા કરતો હતો કે-'એકલો કર્ણ જ સૃન્જયો ને પાંડવોને રણમાં મારી નાખશે' પણ તે જ કર્ણને ભીમસેને રણમાં હરાવી દીધો.તો એ જોઈને દુર્યોધને પછી શું કર્યું હતું?
સંજય બોલ્યો-ત્યારે દુર્યોધન પોતાના ભાઈઓને કહેવા લાગ્યો કે-'તમે અહીંથી જાઓ ને કર્ણનું રક્ષણ કરો' તેની આજ્ઞાથી શ્રુતવર્મા,દુર્ધર,ક્રાથ,વિવિત્સુ,વિકટ,સમ,નિશંગી,કવચી,પાશી,નંદ,ઉપનંદ,દુષ્પ્રધર્ષ,સુબાહુ,વાતવેગ,સુવર્ચસ,ધનુરગ્રાહ,દુર્મદ,
જલસંઘ,શાલ અને સહ-આ બધા કૌરવ ભાઈઓ કેટલાક રથી યોદ્ધાઓથી વીંટાઇને ભીમસેન સામે ધસી ગયા ને તેને ચારે બાજુથી ઘેરીને જાતજાતનાં શસ્ત્રોનો વરસાદ વરસાવી ભીમસેનને પીડવા લાગ્યા.ત્યારે સામે કોપેલા ભીમે તેમના પચાસ રથી યોદ્ધાઓ ને પંદર રથોનો નાશ કરીને વિવિત્સુનું મસ્તક ઉડાવી દીધું.
પોતાના ભાઈને મરાયેલો જોઈને બીજા સર્વ ભાઈઓ ભીમની સામે ધસ્યા ત્યારે ભીમે બીજાં બે ભલ્લ બાણોથી વિકટ અને સહ નામના બે પુત્રોના પ્રાણો હરી લીધા.ને ઘણી ઝડપથી ક્રાથને પણ યમલોકમાં મોકલી દીધો.હે રાજન,તમારા ધનુર્ધર પુત્રો એક પછી એક મરવા લાગ્યા ત્યારે સર્વ સૈન્યમાં તીવ્ર હાહાકાર થઈ રહ્યો.વળી,ભીમે તમારા સૈન્ય પર ભયંકર મારો ચલાવીને નંદ અને ઉપનંદને પણ યમલોકમાં વિદાય કરી દીધા.ભીમના ક્રૂર રૂપને જોઈને બાકીના તમારા પુત્રો રણમાંથી નાસી ગયા.તે વખતે ભાનમાં આવેલો કર્ણ મનમાં અત્યંત ખિન્ન થઇ ગયો ને તેણે રથને ફરી ભીમ સામે લેવાની આજ્ઞા કરી.
પછી,કર્ણ અને ભીમ વચ્ચે મહાતુમુલ યુદ્ધ શરુ થયું.તે બંને અન્યોન્યને બાણોથી ઢાંકી દેતા હતા ને અન્યોન્યને અત્યંત ઘાયલ કરીને અન્યોન્યનું ધનુષ્ય કાપી નાખતા હતા.ભીમસેને કાળસરખું એક પરિઘ કર્ણ તરફ ફેંક્યું કે જેના કર્ણે ટુકડેટુકડા કરી નાખ્યા.ભીમે નવું ધનુષ્ય લઈને કર્ણને બાણોથી છાઈ દીધો ત્યારે કર્ણે ત્રણ બાણો વડે તેને વીંધ્યો.એટલે ક્રોધિત ભીમે કર્ણના શરીરને ચીરી નાખે તેવું એક ઘોર બાણ સાંધ્યુ કે જે બાણે કર્ણના શરીરને ને કવચને ચીરી નાખ્યું.ત્યારે કર્ણ વ્યથિત થઈને રથમાં ડગમગી ગયો.પછી તો કર્ણના રોમરોમમાં રોષ તથા અમર્ષ વ્યાપી ગયો ને તેણે,ભીમસેનને પચીસ નારાચ બાણોનો માર મારી,તેના ધ્વજને ઉડાડી,સારથિને મારી નાખી તેના ધનુષ્યને કાપી નાખ્યું.
પોતે રથ વિનાનો થઇ ગયો હતો છતાં,ભીમસેન ખડખડાટ હસી,હાથમાં ગદા લઈને રથમાંથી ઉતરી તમારા સૈન્ય પર કૂદી પડ્યો ને ગદા વડે સાતસો હાથીઓને મારી નાખ્યા.વળી,શકુનિના બાવન હાથીઓને પણ મારી નાખ્યા.તે ઉપરાંત તેણે ઉત્તમ સો રથીઓનો ને બીજા સેંકડો પાળાઓનો સંહાર કરી નાખ્યો.ત્યારે તેના ત્રાસથી તમારા યોદ્ધાઓ દશેય દિશાઓમાં પલાયન કરી ગયા.પરંતુ ગર્જનાઓ કરી રહેલા બીજા પાંચસો રથીઓ ભીમસેન સામે ધસી આવીને બાણોનો ઢગ છોડીને ચારે તરફથી મારો ચલાવવા લાગ્યા.ત્યારે જેમ,વિષ્ણુ અસુરોનો નાશ કરે તેમ ત્વરિત વેગથી ગદા વીંઝીને તે પાંચસો વીરોને આયુધો સહીત ફૂટી નાખ્યા.એટલે શકુનિએ ત્રણ હજાર શૂરા ઘોડેસ્વારોને યુદ્ધ માટે આજ્ઞા કરી.
તેની આજ્ઞાથી તે ઘોડેસ્વારો શક્તિ,બેધારી તલવારો ને ભાલાઓ હાથમાં લઈને ભીમ સામે હલ્લો લઇ ગયા.ભીમે ત્વરિત અતિ ગતિથી યુદ્ધમાર્ગોમાં ઘુમીને વેગપૂર્વક ધસારો કરીને તે બધા ઘોડેસ્વારોને ગદા વડે છૂંદી નાખવા માંડ્યો,તે વખતે જાણે,પર્વતો પર પથ્થરોની વૃષ્ટિ થતી હોય તેવો મહાન શબ્દ ત્યાં થઇ રહ્યો.ને એ રીતે શકુનિના તે ઘોડેસ્વારોન ઠાર કરી નાખીને ભીમસેન બીજા રથમાં બેસીને ક્રોધપૂર્વક કર્ણ સામે ચાલ્યો.તે વેળા કર્ણ યુધિષ્ઠિરને બાણો વડે છાઈ દેવા લાગ્યો હતો.યુધિષ્ઠિર સામે દોડી જતા કર્ણને જોઈને ભીમે કોપીને બાણો વડે આકાશ ને પૃથ્વીને ઢાંકી દીધાં.
ત્યારે કર્ણ તુરત જ ભીમ સામે આવી ગયો,ને બાણો વડે ભીમને ઢાંકવા માંડ્યો.તે જોઈને સાત્યકિએ ત્યાં આવીને કર્ણ સામે પ્રહાર કરવા માંડ્યો કારણકે તે ભીમનો પૃષ્ઠરક્ષક થઈને તેની પાછળ જતો હતો.સાત્યકિએ કર્ણને પીડવા મંડ્યો હતો છતાં ભીમ,કર્ણ સામે ધસ્યો ને અન્યોન્યને બાણો વડે ઢાંકી દેવા લાગ્યા.તે વખતે આકાશમાં તે બાણોથી સૂર્યની મહાતેજસ્વી પ્રભા અદશ્ય થઇ ગઈ હતી.તેથી દિશાઓ,વિદિશાઓં કશું પણ ત્યાં જાણવામાં આવતું નહોતું.
એ જ અરસામાં,બીજી તરફ શકુનિ,કૃતવર્મા,અશ્વત્થામા,કૃપાચાર્ય ને પાંડવો સામે યુદ્ધ કરવા જોડાયેલા જોઈને સર્વ કૌરવો પુનઃ ત્યાં પાછા ફર્યા હતા.ને તે બંને સેના અન્યોન્ય સામસામે ભેટી ત્યારે તેમના ધસારાનો તીવ્ર શબ્દ સંભળાતો હતો.સૂર્ય મધ્યાહ્ને ચડ્યો હતો ત્યારે તે સ્થળે પૂર્વે કદી ન જોયેલું અને કદી ન સાંભળેલું એવું યુદ્ધ ચાલુ થયું હતું.પરસ્પર ફેંકાતા અસંખ્ય બાણોનો અતિમહાન સનસણાટ થવા લાગ્યો અને તે જાણે ગર્જના કરતા મહાસાગરનો મોટો ગર્જારવ હોય તેમ સંભળાવા લાગ્યો.જેમ,બે નદીઓ એકીભાવને પામે છે તેમ,તે બંને સેનાઓ એકીભાવને પામી ગઈ ને માંહેમાંહે સેળભેળ થઇ ગઈ.હે રાજન,પરસ્પર ગર્જનાઓ કરતા તે શૂરા યોદ્ધાઓને જોઈને મને નિશ્ચય થઇ ગયો કે-આ વીર પુરુષોની જિંદગી હવે બચવાની નથી.ઘોર સ્વરૂપના તે મહાયુદ્ધમાં બંને સેનાના યોદ્ધાઓ પરસ્પરનો અતિ ઘોર સંહાર કરી રહ્યા હતા (81)
અધ્યાય-51-સમાપ્ત
