અધ્યાય-૫૦-ભીમસેનની ચઢાઈ-તેમાં કર્ણની હાર
II संजय उवाच II तानभिद्रवतो द्रष्ट्वा पांडवांस्तावकं बलम् I दुर्योधनो महाराज वारयामास सर्वशः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,પાંડવ યોદ્ધાઓને તમારા સૈન્ય સામે ચઢી આવતા જોઈને દુર્યોધને સર્વ યોદ્ધાઓને તથા પોતાના સૈન્યને નાસભાગ કરતા અટકાવવા માંડ્યા,છતાં તે સૈન્ય પાછું વળ્યું જ નહિ.તે જોઈને સુબલપુત્ર શકુનિ તથા બીજા કેટલાક કૌરવો શસ્ત્રોથી સજ્જ થઈને ભીમ સામા યુદ્ધ કરવા ધસી ગયા.ત્યારે કર્ણ પણ તે સૈન્યને નાસતું જોઈને શલ્યને,રથને ભીમ સામે હંકારવાનું કહ્યું.કર્ણને પોતાની સામે ધસી આવતો જોઈને ભીમસેને કર્ણનો વિનાશ કરવાનો નિશ્ચય કરીને,સાત્યકિ તથા ધૃષ્ટદ્યુમ્નને કહ્યું કે-'તમે યુધિષ્ઠિરનું રક્ષણ કરજો,તે હમણાં જ મારા દેખતાં મોટા સંશયમાંથી મુક્ત થયા છે.તેમના દુઃખનો આજે હું અંત લાવીશ.આજે હું અતિઘોર સંગ્રામ કરીને કર્ણને મારીશ કે તે મને મારશે.'
આમ કહીને ભીમસેન કર્ણ સામે ચાલ્યો ને મોટો સિંહનાદ કરીને સર્વ દિશાઓને ગજવી મૂકી.તેને આવતો જોઈને શલ્યે કર્ણને કહ્યું કે-'ઓ કર્ણ,આ ક્રોધાયમાન ભીમસેન સામે તું દ્રષ્ટિ કર.અવશ્ય તે ચિરકાળથી એકઠા થયેલા ક્રોધને આજે તારા પર છૂટો કરવા ઈચ્છે છે.આનું આવું સ્વરૂપ મેં ક્યારેય જોયું નથી.અભિમન્યુ ને ઘટોત્કચના વિનાશથી તેને ઘણો જ ક્રોધ વ્યાપી ગયો છે.
ખરેખર,ક્રોધાયમાન ભીમ સમસ્ત ત્રૈલોક્યને એકીવખતે પાછાં હટાવે તેવો છે'
કર્ણ બોલ્યો-'હે શલ્ય,ભીમસેનના સંબંધમાં આજે તેં મને જે વચન કહ્યું એ સત્ય છે,એમાં મને જરાયે સંશય નથી.તે શૂરો ને ક્રોધી સ્વભાવનો છે ને પોતાના શરીરની ને પ્રાણની બિલકુલ દરકાર ન કરે તેવો છે.વિરાટનગરમાં તેણે કીચકને મારી નાખ્યો હતો.તે એટલો બધો સાહસી છે કે-તે મનુષ્ય સાથે તો યુદ્ધ કરે પરંતુ સાક્ષાત કાળની સામે પણ યુદ્ધ કરવા જાય.મેં ઘણા સમયથી એક મનોરથની મનમાં અભિલાષા રાખ્યા કરી છે કે-'રણમાં હું અર્જુનને મારુ કે અર્જુન મને મારે' તે મનોરથ રાખે આજે જ ભીમસેનના સમાગમથી પૂર્ણ થઇ જાય.આજે હું તેને મારીશ કે હું તેને રથ વિનાનો કરી નાખીશ એટલે અર્જુન મારી સામે ચઢી આવશે તો મારો મનોરથ પૂર્ણ થશે.'
સંજય બોલ્યો-હે રાજન,પછી,તે શલ્ય રથને દોડાવીને જ્યાં ભીમ તમારી સેનાને નસાડી રહ્યો હતો ત્યાં લઇ ગયો.ને આમ,કર્ણ અને ભીમસેનની ભેટાભેટી થઇ એટલે ત્યાં જાતજાતનાં વાદિત્રો ને ભેરીઓનો મહાન શબ્દ થઇ રહ્યો.કર્ણે ભીમસેનની છાતીના મધ્યભાગમાં પ્રહાર કરીને તેને બાણોથી ઢાંકી દીધો એટલે સામે ભીમે પણ નવ બાણોથી કર્ણને વીંધી ને તેને પણ અનેક બાણોથી ઢાંકી દીધો.એટલે કર્ણે તુરત જ ભીમના ધનુષ્યને કાપી નાખ્યું ને નારાચ બાણોથી અત્યંત પ્રહાર કર્યો.હવે,ભીમે નવું ધનુષ્ય લઈને તીક્ષ્ણ બાણોના પ્રહારથી કર્ણનાં મર્મસ્થાનોને વીંધી નાખ્યાં,ને મોટા શબ્દથી ગાજવા લાગ્યો.
સામે,કર્ણે પણ પચીસ નારાચ બાણોથી ભીમસેનને માર માર્યો ત્યારે ભીમસેનનું શરીર ઘણું ઘવાઈ ગયું ને તેથી ક્રોધિત થયેલા ભીમે કર્ણનો વધ કરવાની ઈચ્છાથી,એક મહાવેગવાળું બાણ સાંધ્યુ ને તેને કાન સુધી ખેંચીને કર્ણ તરફ ફેંક્યું.આ બાણે કર્ણને ચીરી નાખ્યો અને તે મૂર્છિત અવસ્થામાં રથની બેઠક પર બેસી ગયો.તેને બેભાન થયેલો જોઈને મદ્રરાજ શલ્ય તેને રણમાંથી દૂર લઇ ગયો.આ રીતે કર્ણનો પરાજય થયો હતો.(49)
અધ્યાય-50-સમાપ્ત
