Nov 3, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1262

 

અધ્યાય-૫૨-યુદ્ધનું ભયંકર સ્વરૂપ 


II संजय उवाच II क्षत्रियास्ते महाराज परस्परवधैषिण:I अन्योन्यं समरे जघ्नुः कृतवैराः परस्परम् II १ II

સંજય બોલ્યો-આમ,હે મહારાજ,પરસ્પર વૈર કરી બેઠેલા તે ક્ષત્રિયો અન્યોન્યનો વધ કરવાની ઇચ્છા કરી રણમાં એકમેકને મારી નાખતા હતા.ત્યાં ચારે બાજુ,સંખ્યાબંધ રથો,ઘોડેસ્વારો,હાથીસવારો ને પાળાઓ સામસામા આવી ગયા હતા.સર્વ સ્થળે,ગદાઓ,પરિઘો,કણપો,ભાલાઓ,ભિંદિપાલો તથા ભુશુંડીઓ સામસામે ફેંકાતાં હતાં.એ અતિ દારુણ સંગ્રામમાં,તીડોની જેમ ચોતરફથી પડતી બાણવૃષ્ટિ અમે એકીટશે જોઈ રહ્યા હતા.ત્યાં અન્યોન્યને મારીને ઘોર સંહાર થઇ રહ્યો હતો.યુદ્ધમાં ઝડપથી દોડતા હાથીઓ,પાળા,ઘોડાઓ ને રથીઓને છૂંદી નાખતા હતા.શૂરાઓ સામસામે મોટા બરાડા પડતા હતા ને આખું રણક્ષેત્ર પશુઓના કતલખાના સરખું ઘોર થઇ રહ્યું હતું.

ત્યારે હે ભારત,આખી રણભૂમિ લોહીથી લાલચોળ બની ગઈ હતી.ત્યાં અનેક છિન્નભિન્ન થયેલાં મસ્તકો,બાહુઓ,ઉરૂઓ,

કુંડળો,આભૂષણો,ઢાલો ને અન્ય આયુધોનો ઢગ ચારે તરફ જોવામાં આવતો હતો.સેળભેળ થઇ ગયેલું સૈન્ય એકબીજાને ઓળખ્યા વિના જ યુદ્ધ કરી રહ્યા હતા કેમ કે તે સર્વ સ્થળે પૃથ્વીની રજ એટલી બધી ઉડી રહી હતી કે કોણ પોતાનો ને કોણ પારકો એ કશું જણાતું નહોતું.તે યુદ્ધ ભયાનક ને ઘોર સ્વરૂપવાળું થઇ ગયું હતું.મનુષ્યો ને પ્રાણીઓના લોહીની નદીઓ વહી રહી હતી.જે બીકણોને ત્રાસ ઉપજાવનારી હતી.


ત્યાં માંસાહારી ભૂતગણો ગર્જનાઓ કરી રહ્યા હતા ને તે રણક્ષેત્ર સાક્ષાત પ્રેતરાજના નગર સરખું ઘોર દેખાતું હતું.જેમાં અસંખ્ય મસ્તક વિનાનાં ધડો ચોબાજુ ઊભાં થઇ જતાં હતાં.વળી,હે રાજન,તે રણમાં માંસ અને રુધિરપાન કરીને તૃપ્ત થઇ ગયેલાં ભૂતગણો નૃત્ય કરી રહ્યાં હતાં ને કાગડાઓ,ગીધો આદિ મદોન્મત્ત થઈને આમતેમ દોડાદોડ કરતા હતા.છતાં પણ અનેક યોદ્ધાઓ સહેજે તજી ન શકાય એવા ભયનો ત્યાગ કરીને નિર્ભયની જેમ પરાક્રમો કરતા હતા ને અન્યોન્યને મરણ શરણ કરતા હતા.આમ,તે અતિદારુણ યુદ્ધ ચાલી રહ્યું હતું,ત્યારે કૌરવોની સેના અત્યંત પીડાતી હતી.(42)

અધ્યાય-52-સમાપ્ત