અધ્યાય-૫૭-અશ્વત્થામાની પ્રતિજ્ઞા
II संजय उवाच II दुर्योधनस्ततः कर्णमुपेत्य भरतर्षंभ I अब्रविन्मद्रराजं च तथैवान्यांश्च पार्थिवान II १ II
સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,તે પછી દુર્યોધન કર્ણ તથા મદ્રરાજ પાસે આવ્યો અને તેમને તથા બીજા સર્વ રાજાઓને કહેવા લાગ્યો-'ઓ કર્ણ,કોઈ દૈવેચ્છાએ જ આપણી આગળ સ્વર્ગનાં દ્વાર ઉઘડ્યાં છે.ખરેખર,કોઈ સુખીયા ક્ષત્રિયોને જ આવું યુદ્ધ આવી મળે છે.શૂરા ક્ષત્રિયોને પોતાના જોટાના શૂરા ક્ષત્રિયો જોડે જ યુદ્ધ કરવું ઇષ્ટ હોય છે ને એવું જ આ યુદ્ધ ઉપસ્થિત થયુ છે.આ યુદ્ધમાં પાંડવોનો વિનાશ કરીને તમે પૃથ્વીને મેળવશો કે તેમના હાથે મરણ પામીને વીરલોકને પામશો'
દુર્યોધનનાં એ વચન સાંભળીને સર્વ વીર ક્ષત્રિયો હર્ષમાં આવી ગયા ને સિંહનાદો કરવા લાગ્યા.આ રીતે તમારું સૈન્ય હર્ષમાં આવી ગયું ત્યારે અશ્વત્થામા તમારા યોદ્ધાઓને હર્ષ ઉપજાવતા કહેવા લાગ્યો કે-હે રાજાઓ,મારા પિતાએ શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો છતાં સર્વ સૈન્યોના દેખતાં ધૃષ્ટદ્યુમ્ને તેમને મારી નાખ્યા છે.તેનું વેર લેવા માટે અને મારા મિત્ર દુર્યોધનને માટે,તમારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કે-'ધૃષ્ટદ્યુમ્નને માર્યા વિના હું મારુ કવચ ઉતારીશ નહિ અને મારી આ પ્રતિજ્ઞા જો અસત્ય થાય તો મને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય નહિ.અરે,અર્જુન,ભીમ કે બીજો કોઈ યોદ્ધો તેનું રક્ષણ કરશે તો તેને પણ હું મારી નાખીશ'
અશ્વત્થામાએ આ પ્રમાણે કહ્યું એટલે તુરત જ તે સર્વ ભારતીસેના એકસાથે મળીને પાંડવો સામે ધસી ગઈ.તે વેળા,મોટામોટા મહારથીઓનો ધસારો અતિભયંકર સ્વરૂપનો હતો અને તેમાં કૌરવ અને પાંડવ સૈન્યનો પ્રલયકાળના જેવો ઘોર જનસંહાર થઇ રહ્યો હતો.તે વખતે દેવતાઓ,અપ્સરાઓ અને સર્વ ભૂતો ત્યાં નરવીરોને જોવા એકઠાં થયાં હતાં.અપ્સરાઓ વીરકર્મ કરી રહેલા મહાપુરુષોને દિવ્ય માળાઓ,ચંદનો ને દિવ્ય રત્નો વડે વધાવતી હતી.દિવ્ય સુગંધી વાયુ ત્યાં આવીને યોદ્ધાઓનું સેવન કરતો હતો.તે વખતે સર્વ યુદ્ધભૂમિ દિવ્ય માળાઓ આદિથી ને મરણ પામેલા યોદ્ધાઓથી આચ્છાદિત થઇ ગઈ હતી.ને આકાશમાંથી ધન્ય-ધન્ય એવા અવાજો સાંભળતા હતા.(17)
અધ્યાય-57-સમાપ્ત
