Nov 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1266

 

અધ્યાય-૫૬-મહારથીઓની ઘૂમાઘૂમ 

II संजय उवाच II भीमसेनं च पांचाल्यं चेदिकेकयसंवृतं I वैकर्तनः स्वयं रुद्ध्वा वारयामास सायकैः II १ II

 સંજય બોલ્યો-ચેદી અને કેકયયોદ્ધાઓથી વીંટાયેલા ભીમસેન  તથા ધૃષ્ટદ્યુમ્ન સામે કર્ણે પોતે ઘેરો ઘાલ્યો અને બાણો વડે તેમને અટકાવ્યા હતા.સુતપુત્રે હજારો પાંચાલો,કેકયો તથા સૃન્જયોને રણમાં રોળી નાખ્યા.અર્જુને સંશપ્તકોનો ને ભીમસેને કૌરવોનો મોટો સંહાર કરી નાખ્યો હતો.પછી,કોપાયમાન થયેલા દુર્યોધને નકુલને નવ બાણો વડે વીંધીને તેના ઘોડા પર પ્રહાર કર્યો ને તેના ધ્વજને કાપી નાખ્યો.સામે નકુલ અને સહદેવે તેની સામે પ્રહાર કરીને તેને વીંધ્યો.હવે દુર્યોધને તે બંનેનાં ધનુષ્યો કાપીને તેમને બાણોથી છાઇ દીધા.ત્યારે બંને ભાઈઓએ નવાં ધનુષ્ય લઈને દુર્યોધન સામે ઘોર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.

માદ્રીપુત્રોને દુર્યોધન સામે સપડાયેલા જોઈને તેમની મદદે ધૃષ્ટદ્યુમ્ન આવી પહોંચ્યો ને દુર્યોધનને અટકાવવા લાગ્યો.ધૃષ્ટદ્યુમ્નને ત્યાં આવેલો જોઈને દુર્યોધન ખડખડાટ હસ્યો ને તેને પચીસ બાણોથી વીંધી નાખ્યો ને તેના ધનુષ્યનાં ટુકડા કરી નાખ્યા.ત્યારે ધૃષ્ટદ્યુમ્ને તરત જ નવું ધનુષ્ય હાથમાં લઈને સર્પોના જેવાં પંદર નારાચ બાણોથી દુર્યોધનના કવચને ફાડી નાખ્યું.તે બાણોથી દુર્યોધન લોહીલુહાણ થયો.કોપિત થયેલા દુર્યોધને,ધૃષ્ટદ્યુમ્નનાં ધનુષ્યને ફરીથી કાપી નાખ્યું ને બીજાં દશ બાણોથી તેના લલાટમાં પ્રહાર કર્યો.ઘવાયેલા ધૃષ્ટદ્યુમ્ને તરત જ બીજું ધનુષ્ય લઈને દુર્યોધનના ઘોડાઓને મારી નાખ્યા ને સારથિને ગબડાવી પાડ્યો.વળી,તેના ધનુષ્યને,રથને,છત્રને,ગદાને,શક્તિને,તલવારને અને ધ્વજને પણ કાપી નાખ્યાં.આ રીતે દુર્યોધન રથરહિત થયો,ત્યારે તેના ભાઈઓ ત્યાં આવી તેનું રક્ષણ કરવા લાગ્યા અને રાજા દંડધારે તેને પોતાના રથમાં લઈને તેને દૂર લઇ ગયો.


બીજી તરફ,કર્ણે સાત્યકિને પરાજય આપ્યા પછી,તે ધૃષ્ટદ્યુમ્ન સામે ધસી આવ્યો.ને તેમની વચ્ચે મહાન યુદ્ધ ચાલ્યું હતું.તે સમયે બંને પક્ષમાં હાથી,ઘોડા ને મનુષ્યોનો મહાન સંહાર થઇ રહ્યો હતો.બરાબર મધ્યાહ્નન સમયે સર્વ પાંચાલ યોદ્ધાઓ કર્ણ સામે દોડી ગયા હતા.પણ કર્ણ તે સર્વને બાણોથી વીંધવા લાગ્યો હતો ને સંહારતો હતો.તે પછી,વ્યાઘ્રકેતુ,સુશર્મા,ચિત્ર,ઉગ્રાયુધ,

જય,શુક્લ,રોચમાન,સિંહસેન,તથા દુર્જય-આદિ બાણો ફેંકી રહેલા કર્ણના રથમાર્ગમાં હલ્લો લઇ ગયા.સામે એવેલા તે સર્વને પણ કર્ણ વીંધવા લાગ્યો હતો.ને ક્રોધમાં આવીને જિષ્ણુ,દેવાપિ,ભદ્ર,દંડ,ચિત્ર,ચિત્રાયુધ,હરિ,સિંહકેતુ,રોચમાન તથા મહારથી શલભ વગેરે અનેક ચેદી મહારથીઓનો મારી નાખ્યા.ત્યાં કર્ણના રથમાર્ગમાં ચારે બાજુ મરેલા હાથી,ઘોડા,મનુષ્યો અને તૂટેલા રથોથી રણભૂમિ છવાઈ ગઈ હતી.તે યુદ્ધમાં કરીને જેવું મહાન પરાક્રમ કર્યું હતું તેવું ભીષ્મ,દ્રોણ કે બીજા કોઈ યોદ્ધાઓએ કર્યું નહોતું.હે રાજન,તે વખતે કર્ણનું પરાક્રમ જોઈને મને થઇ ગયું હતું કે આજે એક પણ પાંચાલ યોદ્ધો જીવતો છૂટશે નહિ.

એમ કર્ણને પાંચાલોનો સંહાર કરતા જોઈને યુધિષ્ઠિર,દ્રૌપદીના પુત્રો,ધૃષ્ટદ્યુમ્ન અને બીજા સેંકડો યોદ્ધાઓ તેની સામે દોડ્યા ને તેની આસપાસ ઘેરો નાખ્યો.ત્યાં શિખંડી,સહદેવ,નકુલ,નકુળનો પુત્ર,જન્મેજય,સાત્યકિ,પ્રભદ્રકો-આદિ પણ બાણો ફેંકતા કર્ણ સામે પ્રહાર કરવા લાગ્યા.છતાં,ગરુડ જેમ,સર્પો સામે ધસી જાય તેમ,માત્ર એકલો કર્ણ જ તેમની સામે નિર્ભય થઈને યુદ્ધ કરી રહ્યો હતો.ને અસંખ્ય બાણો છોડીને તેમને વેરી નાખતો હતો.


બીજી તરફ ભીમસેન કાળદંડ સરખાં બાણો મૂકીને વાહીક,કેકય,વાસાત્ય,મદ્ર તથા સિંધુદેશીય યોદ્ધાઓનો ઘાણ વળી રહ્યો હતો.ત્યારે રણભૂમિ,ભીમસેનનાં બાણોથી કપાઈ ગયેલા રથીઓ,ઘોડેસ્વારો,સારથિઓ,પાયદળો,ઘોડાઓ તથા હાથીઓથી છવાઈ ગઈ હતી.હે રાજન,ભીમસેનના ભયથી તમારું સૈન્ય ઘાયલ થઈને નિરુત્સાહ થઇ જઈને થંભી ગયું હતું.તે સમયે,સૈન્યના મધ્યભાગમાં અનેક સંશપ્તક યોદ્ધાઓનો સંહાર કરીને અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-'હે જનાર્દન,આપણી સામેના સૈન્યમાં લગભગ ભંગાણ પડી ગયું છે ને સંશપ્તક યોદ્ધાઓ પોતાની ટુકડીઓ લઈને રણમાંથી ભાગી જાય છે.જુઓ,આપણા સૈન્યના સૃન્જય યોદ્ધાઓના મહાન સૈન્યમાં પણ નાસભાગ થઇ રહી છે.હાથીની સાંકળવાળી કર્ણની ધજા સૈન્યના મધ્યમાં ફરકતી દેખાય છે.ખરેખર તેને જીતવા ત્યાં કોઈ સમર્થ નથી.કર્ણ આપણા સૈન્યને નસાડી રહ્યો છે તો આપણે આ સંશપ્તકોને પડતા મૂકીને ત્યાં જઈએ.આ સમયે કર્ણ સામે જ યુદ્ધ કરવાનું મને રુચે છે,છતાં,તમે જે કહો તે મને માન્ય છે'


એ વચન સાંભળીને શ્રીકૃષ્ણે મુખ મલકાવ્યું અને બોલ્યા-'હે અર્જુન,તું કૌરવોનો જ સત્વર વિનાશ કરી નાખ' ને એમ કહીને તેમણે રથને તમારા મહાસૈન્ય તરફ હાંકયો.તે રથ જેવો સૈન્યમાં દાખલ થયો કે તમારું સૈન્ય ત્યાંથી ચારે દિશામાં પલાયન થવા લાગ્યું.અર્જુનને આવતો જોઈને દુર્યોધને ફરી પણ સંશપ્તક યોદ્ધાઓને આજ્ઞા કરી તેથી એક હજાર રથીઓ,ત્રણસો હાથી,ચૌદ હજાર ઘોડેસ્વારો ને બે લાખ શૂરા યોદ્ધાઓ અર્જુન સામે ધસી આવ્યા અને ચારે બાજુથી બાણવૃષ્ટિ કરીને અર્જુનને છાઈ દેવા લાગ્યા ને તેને પીડવા લાગ્યા.ત્યારે અર્જુને પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવવા માંડ્યું અને તે સંશપ્તકોનો સંહાર કરવા માંડ્યો.


મહારથી અર્જુને એક જ સપાટે સંશપ્તકોના દશ હજાર રાજાઓનો ઘાણ કાઢી નાખ્યો અને પોતે શત્રુઓના ઘેરામાંથી મુક્ત થઈને કાંમ્બોજ રાજાના રક્ષણ તળે રહેલા સૈન્ય સામે હલ્લો કરીને તે સૈન્યનો નાશ કરવા લાગ્યો.સંખ્યાબંધ હાથી,ઘોડા,રથ તથા પાળાઓનો આમ અર્જુન ઘાણ વળી રહ્યો હતો ત્યારે સુદક્ષિણનો નાનો ભાઈ ત્યાં આવી અર્જુન પર હલ્લો કર્યો.એટલે અર્જુને એક ક્ષુર જાતિનું બાણ મારીને તેનું મસ્તક ઉડાડી દીધું.કાંબજોએ તે કાંમ્બોજકુમારને મરણ પામેલો જેવો જોયો કે ત્યાં તરત જ અતિઘોર ને અદભુત પુનઃ યુદ્ધ ચાલુ થયું.


ત્યાં અશ્વત્થામાએ આવીને બાણોનો પ્રચંડ વરસાદ વર્ષાવી અર્જુન અને શ્રીકૃષ્ણને ઢાંકી દીધા.ને તેમને તદ્દન નિશ્ચેટ કરી દીધા,ત્યારે સર્વ સૈન્યમાં હાહાકાર મચી ગયો.હે રાજન અશ્વત્થામાનું આવું પરાક્રમ પૂર્વે કદી જોવામાં આવ્યું નહોતું.દ્રોણપુત્ર જયારે અર્જુનથી આમ વધી જવા લાગ્યો ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા-'હે અર્જુન,આજના રણસંગ્રામમાં અશ્વત્થામા આજે તારા કરતાં અતિશય વધતો જાય છે તે કેવું આશ્ચર્ય છે?તું કુશળ તો છે ને?આ ગુરૂપુત્ર છે તેથી તેનું માન જાળવી તું તેની ઉપેક્ષા ન કર.કારણકે ઉપેક્ષા કરવાનો આ સમય નથી.'


શ્રીકૃષ્ણે જયારે એમ કહ્યું ત્યારે તરત જ અર્જુને ચૌદ ભલ્લ બાણો મૂકીને,તેના ધનુષ્યને,રથને,શક્તિ-ગદા આદિ હથિયારોનો નાશ કરી નાખ્યો ને બીજા વત્સદંત નામનાં બાણો મૂકીને તેની હાંસડીમાં સખત પ્રહાર કર્યો.એ બાણપ્રહારથી અશ્વત્થામાને મૂર્છા આવી ગઈ અને તે ધજાનો દાંડો પકડીને બેસી ગયો.તેને અતિશય પીડાયેલો ને ભેભાન જોઈને તેનો સારથિ તેને તરત જ રણમાંથી દૂર લઇ ગયો.ને પછી અર્જુન સેંકડો ને હજારોની સંખ્યામાં તમારી સેનાનો નાશ કરવા લાગ્યો.એ રણમાં અર્જુને સંશપ્તકોનો,ભીમે કુરુઓનો અને કર્ણે પાંચાલોનો ઘોર વિનાશ કરી નાખ્યો હતો.વીર પુરુષોની ત્યાં કતલ ચાલી રહી હતી ત્યારે અસંખ્ય મસ્તક વિનાનાં ધડો આમતેમ ચોબાજુ ઉઠી ઊભાં થઈ જતાં હતાં.ત્યારે બાણોના પ્રહારથી ગાઢ વેદના પામેલા યુધિષ્ઠિર રણસંગ્રામમાંથી એક કોશ જેટલા દૂર જઈને ઉભા હતા (147)

અધ્યાય-56-સમાપ્ત