Nov 14, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1273

 

અધ્યાય-૬૩-યુધિષ્ઠિરનું પલાયન થવું 


II संजय उवाच II कर्णोपि शरजालेन केकयानां महारथान I व्यधमत् परमेष्वासानग्रतः पर्यवस्थितान् II १ II

સંજય બોલ્યો-ત્યારે કર્ણ પણ મોખરામાં આવી ઉભેલા કેકયોના મહાધનુર્ધરોનો નાશ કરવા લાગ્યો ને પાંચસો મહારથીઓને યમલોકમાં મોકલી દીધા.કર્ણનાં બાણોથી પીડાયેલા તે યોદ્ધાઓ 'યુદ્ધમાં આ કર્ણને સહન કરવો અશક્ય છે' એમ માનીને ભીમસેન પાસે દોડી ગયા.આ રીતે રથસૈન્યમાં ભંગાણ પાડીને કર્ણ એકલો જ યુધિષ્ઠિર સામે ધસી ગયો.તે સમયે યુધિષ્ઠિર ઘાયલ થઈને લગભગ બેભાન જેવા થઇ ગયા હતા તેથી નકુલ અને સહદેવ સાથે પોતાની છાવણી તરફ જતા હતા.

તે વખતે કર્ણે યુધિષ્ઠિર અને નકુલ સહદેવ પર પ્રહારો કર્યા.

સામે યુધિષ્ઠિર,નકુલ અને સહદેવે કર્ણ પર બાણોનો પ્રહાર કરીને તેને પીડવા માંડ્યો.ત્યારે ક્રોધિત થયેલા કર્ણે યુધિષ્ઠિરના ઘોડાઓને મારી નાખી તેમના શિરસ્ત્રાણ (ટોપ)ને પાડી દીધો.વળી,તેણે નકુલના ઘોડાઓને પણ મારી નાખ્યા ને તેના ધનુષ્યને કાપી નાખ્યું.રથ વગરના તે યુધિષ્ઠિર અને નકુલ,સહદેવના રથ પર ચડી ગયા.ત્યારે મામો શલ્યરાજ,પોતાના ભાણેજોને ભયજનક સ્થિતિમાં આવેલા જોઈને તેમના પરની દયાને લીધે,કર્ણને કહેવા લાગ્યો કે-'ઓ કર્ણ તારે તો આજે અર્જુન સાથે યુદ્ધ કરવાનું છે તો આ ધર્મરાજની સામે કેમ યુદ્ધ કરે છે?આમ તો તારાં અસ્ત્રો ખૂટી જશે અને ઘોડાઓ પણ થાકી જશે.બધી રીતે નબળો પડીને તું અર્જુન સામે યુદ્ધ કરવા જઈશ તો તારો માત્ર ઉપહાસ જ થશે'


શલ્યરાજના આમ કહેવા છતાં,કર્ણ યુધિષ્ઠિર,નકુલ અને સહદેવ પર બાણોનો મારો કરવા લાગ્યો એટલે 

શલ્યે તેને કહ્યું કે-'હે રાધાપુત્ર,જેને માટે દુર્યોધને તને આજ સુધી નિરંતર માન આપ્યું છે તે અર્જુનને જ તું મારી નાખ,

યુધિષ્ઠિરને મારવાથી તને શો લાભ છે?જો સાંભળ,શ્રીકૃષ્ણ અને અર્જુનના શંખોનો ને ગાંડીવનો નાદ.

પેલો અર્જુન આપણા પક્ષના ઉત્તમોત્તમ રથીઓનો સંહાર કરી નાખે છે ને આપણી સેનાનો મહાવિનાશ કરી રહ્યો છે.

વળી,પેલી તરફ ભીમસેન દુર્યોધન સામે યુદ્ધ કરી રહ્યો છે.એ ભીમસેનના સપાટામાં દુર્યોધન સપડાયો છે તો તું 

ત્યાં પહોંચી તેનું જ રક્ષણ કર,યુધિષ્ઠિર,સહદેવ નકુલને મારીને તને શો લાભ છે?'


દુર્યોધનને સપડાયેલો સાંભળીને,દુર્યોધન પરની મમતાને લીધે કર્ણે ત્યારે યુધિષ્ઠિરને ત્યાં પડતા મૂક્યા ને દુર્યોધનનું રક્ષણ કરવા માટે જવાનું શલ્યને કહ્યું ત્યારે શલ્યે પણ તરત જ ત્યાંથી ઘોડાઓને પવનવેગે દોડાવી મુક્યા.યુધિષ્ઠિર કર્ણને હાથે પરાજય પામી ઘણા શરમાયા હતા ને ઘણા ઘાયલ પણ થયા હતા,તેથી નકુલ અને સહદેવ તેમને છાવણીમાં લઇ ગયા.છાવણીમાં વૈદ્યોએ તેમના શરીરમાંથી શલ્યો ખેંચીને તેમની સારવાર શરુ કરી.એમ છતાં માનસિક પીડાથી તેમને અત્યંત દુઃખ થવા લાગ્યું.તેમણે નકુલ અને સહદેવને કહ્યું કે-'તમે બંને જણા ભીમસેનના તરફ જાઓ.તે એકલો જ યુદ્ધ કરે છે' તેમના કહેવાથી તે બંને ભાઈઓ રથમાં બેસી અને કેટલીએક ટુકડી લઈને ભીમસેન પાસે ગયા (37)

અધ્યાય-63-સમાપ્ત