અધ્યાય-૬૪-યુધિષ્ઠિરની શોધ
II संजय उवाच II द्रौणिस्तु रथवंशेन महता परिवारितः I अपतत सहसा राजन यत्र पार्थो व्यवस्थित II १ II
સંજય બોલ્યો-હે રાજન,એ વેળા મોટા રથસૈન્યથી વીંટાઇને દ્રોણપુત્ર અશ્વત્થામાએ અર્જુન સામે એકાએક ધસારો કર્યો.પણ અર્જુને તેને અટકાવ્યો.ક્રોધિત અશ્વત્થામાએ બાણોનો વરસાદ વરસાવી અર્જુન અને શ્રીકૃષ્ણને છાઈ દીધા.અર્જુને દિવ્ય અસ્ત્ર પ્રગટ કયું પણ અશ્વત્થામાએ તેને અટકાવી દીધું.અર્જુન જે જે અસ્ત્રો ફેંકતો હતો તે સર્વનો તે અશ્વત્થામા નાશ કરી નાખતો હતો.અશ્વત્થામાએ સીધી ગતિનાં બાણો મૂકીને સર્વ દિશાઓને ઢાંકી દીધી અને ત્રણ બાણો મારીને વાસુદેવની ભુજાને વીંધી નાખી.ત્યારે ક્રોધિત થયેલા અર્જુને અશ્વત્થામાના ઘોડાઓને મારી નાખ્યા અને રણભૂમિ પર લોહીની નદી વહાવી મૂકી.
આ રીતે જયારે અશ્વત્થામા અને અર્જુનનું સર્વને વ્યાકુળ કરનારું દારુણ યુદ્ધ ચાલતું હતું ત્યારે હાથીઓ,ઘોડાઓ ને યોદ્ધાઓનો મહાસંહાર થવા લાગ્યો હતો.એ યુદ્ધમાં અર્જુને મહાપરાક્રમ કરી નાખ્યું ત્યારે અશ્વત્થામા ફરીથી અર્જુન સામે ચઢી આવ્યો ને અર્જુનને અત્યંત વીંધી નાખ્યો.સામે અર્જુને બાણોનો વરસાદ વરસાવી અશ્વત્થામાને છાઈ દીધો અને વધારામાં તેનું ધનુષ્ય કાપી નાખ્યું.અશ્વત્થામાએ એક પરિઘ (લોહદંડ)ઉઠાવીને અર્જુન સામે ફેંક્યું પણ અર્જુને તેના ટુકડા કરી નાખ્યા.
કોપિત થયેલા અશ્વત્થામાએ ઇંદ્રાસ્ત્ર પ્રગટ કર્યું,કે જેમાંથી છુટેલી બાણજાળથી સર્વ રણપ્રદેશ છવાઈ ગયો.
તે જોઈને અર્જુને મહેન્દ્રાસ્ત્રનું અનુસંધાન કરીને તે ઇંદ્રાસ્ત્રનો નાશ કર્યો ને અશ્વત્થામાના રથની લગભગ સમીપમાં જઈને તેને બાણો વડે ઢાંકી દીધો.ત્યારે સામે અશ્વત્થામાએ શ્રીકૃષ્ણને સો બાણોથી ને અર્જુનને ક્ષુદ્રક જાતિના ત્રણસો બાણોથી પ્રહાર કર્યો.હવે અર્જુને અશ્વત્થામાને સો બાણો મારી સર્વ મર્મસ્થાનોમાં ઘાયલ કર્યો ને તેના સારથિને ઢોળી પાડ્યો.ત્યારે અશ્વત્થામાએ ઘોડાની લગામ હાથમાં લઈને યુદ્ધ કરવાનું ચાલુ રાખ્યું.તે જોઈ અર્જુને ઘોડાની લગામને કાપી નાખી,એટલે તે ઘોડાઓ રણમાંથી નાસવા લાગ્યા,ત્યારે સૈન્યમાં કોલાહલ થઇ રહ્યો.
તે સમયે પાંડવ સૈન્યે ચારે બાજુ તીક્ષ્ણ બાણો છોડીને કૌરવ સૈન્યને એવું ગભરાવી મૂક્યું હતું કે તમારા પુત્રોના ઘણા અટકાવવા છતાં તે સંગ્રામમાં ઉભી જ ન રહી.એ પ્રમાણે યોદ્ધાઓ પલાયન થવા લાગ્યા ત્યારે દુર્યોધન કર્ણને કહેવા લાગ્યો કે-'ઓ કર્ણ,આપણી સેનાને પાંડવસૈન્યે અત્યંત ગભરાવી મૂકી છે ને તે પલાયન થાય છે,ત્યારે તું યોગ્ય વિચાર કરી તને ઠીક લાગે તેમ કર.પાંડવોના હજારો યોદ્ધાઓ બૂમો પાડીને તને જ બોલાવી રહ્યા છે' દુર્યોધનનું તે વચન સાંભળી કર્ણે શલ્યને કહ્યું કે-'હવે આજે તું મારા બળને અને પરાક્રમને જો.તે સર્વ સૈન્યને હું નિઃસંશય રણમાં રોળી નાખીશ.તું રથને આગળ ચલાવ'
આમ કહીને તે કર્ણે અતિ પુરાણકાળનું વિજય નામનું ધનુષ્ય હાથમાં લીધું ને તેણે ભાર્ગવાસ્ત્રનો પ્રયોગ કર્યો.તુરત જ તે ધનુષ્યમાંથી લાખો ને કરોડો તીક્ષ્ણ બાણો છૂટવા લાગ્યાં.જોતજોતામાં તો પાંડવોની સેના ઢંકાઈ ગઈ ને સ્થળે બાણો સિવાય કશું દેખાતું નહોતું.બળવાન ભાર્ગવાસ્ત્રના પ્રયોગથી સર્વ પાંચાલ યોદ્ધાઓમાં હાહાકાર મચી ગયો.ત્યાં હજારો હાથીઓ અને ઘોડાઓ ટપોટપ રણમાં પડવા લાગ્યા તેમ જ સંખ્યાબંધ યોદ્ધાઓ ને રથો ચારે બાજુ પછડાઈ પડવા લાગ્યા.આખી રણભૂમિ કંપી ઉઠી અને પાંડવોનું સૈન્ય આકુળવ્યાકુળ થઇ ગયું.કર્ણના હાથનો માર ખાતા સૃન્જય યોદ્ધાઓ વારંવાર મોટો પોકાર કરીને અર્જુન અને શ્રીકૃષ્ણને બોલાવી રહ્યા હતા.
તેમની એ બૂમો સાંભળીને અર્જુને કહ્યું-'હે વાસુદેવ,જુઓ,આ કરીને ભાર્ગવાસ્ત્રનો પ્રયોગ કરી મોટું પરાક્રમ કર્યું છે.એ ભાર્ગવાસ્ત્રનો રણમાં કોઈ રીતે નાશ કરી શકાતો નથી.વળી,તે કર્ણ,પોતાના સારથિને વારંવાર ઘોડાઓ હંકારવાનું કહીને મારી સામે જોયા કરે છે માટે હવે કર્ણની સામેથી પલાયન કરી જવું મને યોગ્ય દેખાતું નથી.કારણકે,જીવતો મનુષ્ય જ યુદ્ધમાં જય-પરાજયને પામી શકે છે મૂએલાને તો નિત્યને માટે પરાજય જ છે,તેને વિજયની આશા ક્યાંથી હોઈ શકે?'
ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા-'હે પાર્થ,કર્ણે યુધિષ્ઠિરને અત્યંત ઘાયલ કર્યા છે માટે તેમને આશ્વાસન આપીને તું કર્ણને મારજે'
હે રાજન,શ્રીકૃષ્ણની આંતરિક ઈચ્છા કર્ણને યુદ્ધમાં ખુબ થકવી નાખવાની હતી.અને માટે જ તેમણે એમ કહીને રથને યુધિષ્ઠિર તરફ લીધો હતો.અશ્વત્થામાનો પરાજય કરીને તે અર્જુને યુધિષ્ઠિરને જોવા માટે સર્વ તરફ રણમાં દ્રષ્ટિ કરી પણ તે સ્થળે તેમાં તેને કોઈ સ્થળે યુધિષ્ઠિર દેખાયા નહિ.(70)
અધ્યાય-64-સમાપ્ત
