ભગવાનને ભુખ લાગે ? આના પર મહાત્માઓએ ચર્ચા કરી છે.ઉપનિષદનો સિદ્ધાંત છે-કે-ઈશ્વરને ભુખ લાગતી નથી. કહે છે-સંસાર વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે. જીવ અને શિવ .
જીવ રૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે.તેથી તે દુઃખી છે. પરમાત્મા તેને સાક્ષીરૂપે નિહાળે છે. ભગવાન ખાતા નથી.ઉપનિષદ નો આ સિદ્ધાંત પણ ખોટો નથી ,અને ભાગવતનો સિદ્ધાંત પણ ખોટો નથી.
શ્રીકૃષ્ણ ધ્રુતરાષ્ટ અને દૂર્યોધનને ખુબ સમજાવે છે. કહે છે કે-આજે દ્વારકાના રાજા તરીકે નહિ પણ પાંડવોના દૂત તરીકે આવ્યો છું.પણ દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે.કહે છે-ભીખ માગવાથી રાજ્ય મળતું નથી.
ભગવાન સમજી ગયા-આ મૂર્ખો છે-તેને માર પડ્યા વગર અક્કલ આવશે નહિ.
ધ્રુતરાષ્ટ્ર કહે છે-બે ભાઈના ઝગડામાં તમે વચ્ચે ના પડો.આરામથી ભોજન કરો.છપ્પન ભોગ તૈયાર છે.
વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે-આજે કેમ આટલા બધા આનંદ માં છો ? વિદુરજી કહે છે-સત્સંગમાં બધી કથા કહીશ.પતિ-પત્નીનો નિયમ હતો-કે- આખો દિવસ મૌન રાખે છે. માત્ર સત્સંગ કરવાં બેસે ત્યારે જ બોલે છે.સત્સંગ શરુ થયો.ત્યારે વિદુરજી કહે છે-કે-બાર વર્ષ તેં તપશ્ચર્યા કરી તેનું ફળ આવતી કાલે તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ,હસ્તિનાપુરમાં પધારે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, પરમાત્માની સેવા,સ્મરણ ધ્યાન કરે છે, તેના પર ભગવાનને દયા આવે છે.એવું કથામાં આવે છે. મને લાગે છે કે-દ્વારકાનાથ ,દૂર્યોધન માટે નહિ-પણ દયા કરી-આપણા માટે આવે છે.મારા માટે આવે છે.