ત્રીજા સ્કંધના પ્રકરણોના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા.
પૂર્વમીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી. ઉત્તરમીમાંસામાં કપિલ નારાયણ ના ચરિત્રનું વર્ણન છે.વરાહ એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે.
જે યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.વાદળાં જેમ સૂર્યને ઢાંકે છે,તેમ અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન દેખાય છે.
ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.આમ ખરેખર બને તો વિચાર કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.પણ ભાગવતની આ સમાધિ ભાષા છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે.
અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.
સનતકુમારો(સનકાદિ) ઋષિઓએ જય-વિજયને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામમાં આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠમાં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી સનકાદિને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.