પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે-તેમણે ભગવતસેવામાં અને ભગવત સ્મરણમાં જ આનંદ આવે છે.પુસ્તકો વાંચવાનું કે-ભણવાની ઈચ્છા થતી નથી. પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન થાય એટલે ભણવાનું
નાટક કરે છે.પ્રહલાદે આંખમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે પણ રાજ નીતિનું ચિંતન કરતા નથી.
દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિના બે પુત્રો છે-અહંતા (હું) અને મમતા (મારું)
સર્વ દુઃખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.અભેદભાવ શરીરથી નહિ-પણ બુદ્ધિથી થાય તો –સર્વ- માં -સમબુદ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે-અભેદ છે ત્યાં અભય છે.જ્ઞાની પુરુષો જગતને અભેદ ભાવથી જુએ છે. મારામાં જે ચૈતન્ય છે તે સર્વ માં છે.જયારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે.આ સારું છે-આ ખરાબ છે.—આ યુવાન છે આ વૃદ્ધ છે.-આ સ્ત્રી છે,આ પુરુષ છે.
સમતા ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે-દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે-કે વધુ ખાશે અને પચશે નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે.