અંબરીશ શબ્દનો જરા વિચાર કરો-અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર. આકાશ એ શરીરની અંદર પણ છે અને બહાર પણ છે.જેના અંદર બહાર સર્વે ઠેકાણે ઈશ્વર છે-તે અંબરીશ.જેને ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ.
જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયરૂપી દ્વારને બંધ રાખવા પડેછે,
જયારે ભક્તિમાર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાવવી પડે છે.
નૃસિંહ અવતારની કથાએ –ક્રોધનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું,
વામન અવતારની કથાએ –લોભનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું.
હવે રામચંદ્રજીની કથા –કામનો નાશ કેવી રીતે કરવો-તે શીખવશે.
ભાગવતનું ધ્યેય –કૃષ્ણ-લીલા-ચરિત્ર કહેવાનું છે,પણ પહેલા સ્કંધથી કૃષ્ણલીલાનું વર્ણન કર્યું નથી,તેનું કારણ એ છે કે- ક્રોધ,લોભ,કામનો નાશ થાય પછી જ –પરમાત્મા મળે- શ્રીકૃષ્ણ મળે.
સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે અને ચન્દ્રવંશમાં શ્રીકૃષ્ણ.
રામ પહેલાં આવે છે,અને તે પછી શ્રીકૃષ્ણ આવે છે. રામ -ના -આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી.ભાગવતમાં મુખ્ય કથા શ્રીકૃષ્ણની છે.પણ રામને પધરાવ્યા પછી જ શ્રીકૃષ્ણ આવે છે.રામજીની મર્યાદા(વિવેક)ને બતાવવાનો ઉદ્દેશ છે.
આ મર્યાદા (વિવેક)નું પાલન થાય તો જ કૃષ્ણલીલાનું રહસ્ય સમજમાં આવે.
પણ,મનુષ્ય ને થોડી સંપત્તિ,અધિકાર મળે એટલે તે વિવેક ભૂલે છે.