Jun 7, 2020

ભાગવત રહસ્ય -૨૯૮

શ્રાવણ વદ-૯ –જન્માષ્ટમીના દિવસે નંદમહોત્સવ થયો.નંદ મહોત્સવ માં શિવજી મહારાજ આવ્યા નહિ,તે સમાધિમાં છે,તેથી કૃષ્ણ-જન્મની ખબર પડી નહિ.
સમાધિમાંથી જાગ્યા પછી ખબર પડી કે –પરમાત્માનો અવતાર થયો છે.શિવજીને થયું કે-હું ગોકુલમાં દર્શન કરવા જઈશ.એટલે શ્રાવણ વદ-૧૨ ના દિવસે,જોગીલીલા થઇ છે,
શ્રીકૃષ્ણના દર્શન કરવા –શિવજી ગોકુલમાં પધાર્યા છે.ભાગવતમાં આ લીલાનું વર્ણન નથી,પણ અન્ય ગ્રંથોમાં આ લીલાનો વિસ્તાર કર્યો છે.સુરદાસજીએ પણ તેનું વર્ણન કર્યું છે.યોગીશ્વર શિવજી –યોગેશ્વર શ્રીકૃષ્ણના દર્શન કરવા આવ્યા છે.

Jun 6, 2020

ભાગવત રહસ્ય -૨૯૭

નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ.મનથી ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું. ભાવનાથી નંદ-મહોત્સવ કરવાનો.સંતો રોજ સવારે નંદ-મહોત્સવ કરે છે,તેથી તેમના મન પર દુઃખ-સુખની અસર થતી નથી.દવાથી જેમ અંગ બહેરું થાય છે-તેમ ભક્તિરસ થી મન બહેરું થાય છે.શરીર ગમે ત્યાં હોય-પણ ભાવના કરવાની કે-“હું નંદબાબાના મહેલમાં છું,યશોદાજીની ગોદમાં લાલો બેઠો છે,મરક મરક સ્મિત કરે છે.ગાયો કુદાકુદ કરે છે,ને ગોપીઓ આનંદમાં નાચે છે.ને હું સેવા કરું છું.” આવા સ્મરણથી આખો દિવસ આનંદમાં જશે અને દિવસ સુખમય થશે.

Jun 5, 2020

ભાગવત રહસ્ય -૨૯૬

સનાતન ધર્મ માં “દેવો” અનેક છે,પરંતુ ઈશ્વર (પરમાત્મા) “એક” જ છે.
પરમાત્માના જે પણ “દેવ” સ્વ-રૂપમાં પ્રેમ હોય તેનું “ધ્યાન” કરવાનું કહેલું છે.
ભાગવતમાં ભક્તિ માટે આગ્રહ છે-પણ દુરાગ્રહ નથી.ભક્તિમાં દુરાગ્રહ આવે તો ભક્તિ છિન્ન-ભિન્ન થાય છે.પરમાત્માના કોઈ પણ “એક” સ્વરૂપનું મન જયારે -વારંવાર ચિંતન કરે એટલે મન ત્યાં ચોંટી જાય છે.અને તેથી મનની શક્તિ વધે છે.