Aug 23, 2020

ભાગવત રહસ્ય -૩૬૯

બ્રહ્માજી વિચારે છે-કે આ બધું છે શું ? મારા જ ઘરમાં મને નકલી બ્રહ્મા કહીને મારા જ નોકરો મને મારે છે !!! મારા ઘરમાં છે કોણ ? બ્રહ્માજીએ આંખ બંધ કરીને (ધ્યાનમાં) જોયું તો-ગાદી પર શ્રીકૃષ્ણ લાલજી આરામથી વિરાજ્યા છે.આજુ બાજુ સર્વ ગોપબાળકો અને વાછડાં છે.બ્રહ્માજી ને પોતાની ભૂલ સમજાઈ.બ્રહ્માજીને ખાત્રી થઇ કે- શ્રીકૃષ્ણ સાધારણ દેવ નથી પણ સર્વ દેવોના પણ દેવ છે.બ્રહ્માજી વિચારે છે કે-
“મારા નારાયણ જ શ્રીકૃષ્ણ બન્યા છે. તેમની પરીક્ષા લેવા જતાં મારી જ પરીક્ષા થઇ ગઈ. મેં પ્રભુનો અપરાધ કર્યો છે,તેમના ભોજનમાં ભંગ કર્યો છે.એટલે હું હવે તેમની ક્ષમા માંગીશ”

Aug 22, 2020

ભાગવત રહસ્ય -૩૬૮

ભક્તો “અવિકૃત બ્રહ્મપરિણામ-વાદ” માં માને છે.સોનામાંથી સોનાના દાગીના બનાવો –એ અવિકૃત પરિણામ-વાદ છે.વેદાંતીઓ “વિકૃત બ્રહ્મપરિણામ-વાદ” માં માને છે.
દૂધનું દહીં થાય –એ વિકૃત બ્રહ્મપરિણામ-વાદ છે.વેદાંતમાં એક બ્રહ્મની સત્તા માની છે. માયા (અવિદ્યા)ને લીધે વૈવિધ્ય(અનેક) ભાસે છે.પણ અનેકમાં એક-જ બ્રહ્મ-તત્વ વિલસે છે.ભાગવતમાં આ બંને (ભક્તિ અને જ્ઞાન) નો સમન્વય કર્યો છે. શ્રીમહાપ્રભુજી કહે છે કે-બ્રહ્મ નિર્વિકાર છે,તેમ છતાં બ્રહ્મનું પરિણામ થાય છે.આ જે આંખને દેખાય છે તે બ્રહ્મનું પરિણામ છે.બ્રહ્મ જ અનેક રૂપે પરિણમે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે.

Aug 21, 2020

ભાગવત રહસ્ય -૩૬૭

બ્રહ્માજીએ વિચાર્યું કે-શ્રીકૃષ્ણ ઈશ્વર છે કે સાધારણ દેવ છે, તેની આજે પરીક્ષા કરું.
મારા જેવી સૃષ્ટિ બનાવતાં જો તેમને આવડે તો હું માનીશ કે –શ્રીકૃષ્ણ ઈશ્વર છે.
બાળકોનું ભોજન ચાલતું હતું તે વખતે બ્રહ્માજીએ બધાં વાછડાંઓને માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ ગયા છે.ગોપ બાળકોને ભોજન વખતે વાછડાં યાદ આવ્યાં,અને જુએ તો વાછડાં ના મળે.બાળકો કનૈયાને કહે છે કે –કનૈયા આપણાં વાછડાં દેખાતાં નથી.
એટલે શ્રીકૃષ્ણે કહ્યું કે તમે ભોજન કરો,હું વાછડાંને લઇ આવીશ.શ્રીકૃષ્ણ વાછડાંને શોધવા જાય છે.તે જ વખતે બ્રહ્માજી બધાં ગોપબાળકોને પણ માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ જાય છે.