Jun 12, 2022

શિવાષ્ટકમ-Shivashtakam with gujarati meaning

प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् ।
भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे ॥ १॥


(હું,સદાશિવ,શંકર,શંભુને પ્રાર્થના કરું છું) કે જે, પ્રભુ(ભગવાન)છે,પ્રાણનાથ છે,વિશ્વના નાથ છે,જગન્નાથ(વિષ્ણુ)ના નાથ છે.જે સદા આનંદમાં જ નિવાસ કરે છે,જે દરેક વસ્તુને પ્રકાશ આપે છે,
જે જીવિત,ભૂતો અને સર્વના ભગવાન (ઈશ્વર) છે,

गले रुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालम् ।
जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे ॥ २॥


(હું,સદાશિવ,શંકર,શંભુને પ્રાર્થના કરું છું)કે જેમના ગળામાં મુંડોની માળા છે.જેમના શરીર પર સર્પોની જાળ છે,
જે વિનાશક એવા કાળના પણ કાળ (વિનાશક) છે,જે ગણોના સ્વામી છે,જેમની જટાઓમાં સાક્ષાત ગંગાજીનો વાસ છે અને સર્વના ભગવાન (ઈશ્વર) છે.

मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरं तम् ।
अनादिह्यपारं महामोहहारं शिवं शङ्करं शम्भुमीशानमीडे ॥ ३॥


(હું,સદાશિવ,શંકર,શંભુને પ્રાર્થના કરું છું) કે જે આ જગતમાં ખુશી (આનંદ)વિખેરે છે,બ્રહ્માંડ જેમની પરિક્રમા કરે છે,જે ખુદ એક વિશાલ બ્રહ્માંડ છે,જે રાખના શૃંગારના અધિકારી છે,જે અનાદિ છે,જે મહામોહને હરે છે,અને સર્વના ભગવાન (ઈશ્વર) છે.

वटाधोनिवासं महाट्टाट्टहासं महापापनाशं सदासुप्रकाशम् ।
गिरीशं गणेशं महेशं सुरेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे ॥ ४॥


(હું,સદાશિવ,શંકર,શંભુને પ્રાર્થના કરું છું) કે જે વટવૃક્ષની નીચે રહે છે,જેમની પાસે એક અપાર હાસ્ય છે,જે મહાપાપોનો નાશ કરે છે,જે સદાય દેદીપ્યમાન (પ્રકાશમય) રહે છે,જે ગિરિરાજ હિમાલયના ભગવાન છે,
જે ગણો,અસુરો અને સર્વના ભગવાન (ઈશ્વર) છે.

गिरिन्द्रात्मजासंग्रहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा सन्नगेहम् ।
परब्रह्मब्रह्मादिभिर्वन्ध्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे ॥ ५॥


(હું,સદાશિવ,શંકર,શંભુને પ્રાર્થના કરું છું) કે જેમણે પર્વત (હિમાલય)ની પુત્રી (પાર્વતી) સાથે પોતાનું (ભાગ-રૂપે)અર્ધું અંગ જોડેલું છે,જે એક પર્વત (કૈલાશ)માં સ્થિત (રહે) છે,જે હંમેશાં ઉદાસ (દુઃખી) જીવોનો સહારો છે,જે પરબ્રહ્મ છે,જે શ્રદ્ધાને યોગ્ય પૂજનીય છે અને બ્રહ્મા,બીજા દેવોના અને સર્વના ભગવાન (ઈશ્વર) છે.

कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनम्राय कामं ददानम् ।
बलीवर्दयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे ॥ ६॥


(હું,સદાશિવ,શંકર,શંભુને પ્રાર્થના કરું છું) કે જે,પોતાના હાથમાં કપાલ ને ત્રિશૂળ ધારણ કરે છે,જે પોતાના કમળ જેવા પગોને વિનમ્રતાથી જોડીને આસન ધારણ કરીને બેઠેલ છે,જેમનુ વાહન પોઠિયો (બળદ)છે,
જે સર્વ દેવી-દેવતાઓના અને સર્વના ભગવાન (ઈશ્વર) છે.

शरच्चन्द्रगात्रं गुणानन्द पात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् ।
अपर्णाकलत्रं चरित्रं विचित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे ॥ ७॥


(હું,સદાશિવ,શંકર,શંભુને પ્રાર્થના કરું છું) કે જેમના ગાત્રો,(ઠંડક આપનાર)પૂનમના ચંદ્ર સમાન છે,
જે સર્વ ગણોને આનંદ આપનાર છે,જેમની ત્રણ આંખો છે,જે પવિત્ર (શુદ્ધ) છે,જે ધનના સ્વામી કુબેરના મિત્ર છે,
જેમની પત્ની અપર્ણા (પાર્વતી) છે,જેમનું ચરિત્ર વિચિત્ર લાગે તેવું પણ શાશ્વત છે,ને જે સર્વના ભગવાન છે.

हरं सर्पहारं चिता भूविहारं भवं वेदसारं सदा निर्विकारम् ।
श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे ॥ ८॥


(હું,સદાશિવ,શંકર,શંભુને પ્રાર્થના કરું છું) કે જેમની પાસે સર્પોની માળા છે,જે (સ્મશાનની) ચિતાઓની ચારે બાજુ જમીન પર નિર્વિકાર થઈને વિહાર કરે છે,જે વેદના સાર-રૂપ છે,જે સ્મશાનમાં રહે છે ને મનમાં પેદા થયેલ સર્વ ઈચ્છાઓને બાળી રહ્યા છે તેવા તે સર્વના ઈશ્વર છે.

स्तवं यः प्रभाते नरः शूलपाणे पठेत् सर्वदा भर्गभावानुरक्तः ।
स पुत्रं धनं धान्यमित्रं कलत्रं विचित्रं समासाद्य मोक्षं प्रयाति ॥ ९॥


જે મનુષ્ય,દરરોજ સવારે,ત્રિશૂળ ધારણ કરનાર શિવજીની ભક્તિભાવથી આ પ્રાર્થના કરે છે,
તે પુત્ર,સ્ત્રી,ધન,ધાન્ય,મિત્ર અને ફળદાયી (શુભ) થઈને,આ જીવન પૂરું કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે.


॥ इति शिवाष्टकम् ॥

બિલ્વાષ્ટક્મ-Bilvashtakam with gujarati meaning

त्रिदलं त्रिगुणाकारं त्रिनॆत्रं च त्रियायुधं ।
त्रिजन्म पापसंहारम् ऎकबिल्वं शिवार्पणं ॥१॥


ત્રણ પત્રવાળું,ત્રણ ગુણસ્વરૂપ,ત્રણ નેત્રરૂપ,ત્રણ આયુધસ્વરૂપ,અને ત્રણ જન્મનાં પાપોનો વિનાશ કરનારું,
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

त्रिशाखैः बिल्वपत्रैश्च ह्यच्छिद्रैः कोमलैस्तथा ।
शिवपूजां करिष्यामि ह्येकबिल्वं शिवार्पणम् ॥ २॥


છિદ્ર રહિત,કોમળ અને ઉત્તમ પ્રકારના ત્રણ શાખાવાળા બિલ્વપત્રોથી હું શંકરનું પૂજન કરું છું,અને તેમાં,
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

अखण्ड बिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे ।
शुद्ध्यन्ति सर्वपापेभ्यो ह्येकबिल्वं शिवार्पणम् ॥३॥


અખંડ બિલ્વપત્રથી નંદીકેશ્વર શંકરનું પૂજન કરવાથી (મનુષ્ય) સર્વ પાપોથી શુદ્ધ થાય છે માટે,
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

शालिग्राम शिलामेकां विप्राणां जातु अर्पयेत् ।
सोमयज्ञ महापुण्यं एकबिल्वं शिवार्पणम् ॥४॥


શાલિગ્રામની એક શિલા,ક્વચિત બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવે,તો તેનાથી મળતા પુણ્ય સમાન અને સોમયજ્ઞથી મળતા પુણ્ય સમાન-આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

दन्तिकोटि सहस्राणी ह्यश्वमेध शतानि च ।
कोटिकन्या महादानं एकबिल्वं शिवार्पणम् ॥५॥


કરોડો કે હજારો હાથી,સેંકડો અશ્વમેધ યજ્ઞો કે કરોડો કન્યાઓના દાનથી જે પુણ્ય મળે,(તેવું પુણ્ય આ એક બિલ્વપત્રથી જ મળે છે) તેવું આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

लक्ष्म्या:स्तनत उत्पन्नं महादेव सदा प्रियम् ।
बिल्वपत्र प्रयच्छामि ह्येकबिल्वं शिवार्पणम् ॥६॥

આ બિલ્વપત્ર,માતા લક્ષ્મી દ્વારા ઉતપન્ન થયું છે ને તે મહાદેવને સદા પ્રિય છે,તેથી
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् ।
अघोरपापसंहारं एकबिल्वं शिवर्पणम् ॥ ७॥


બિલ્વપત્રના વૃક્ષના સ્પર્શમાત્રથી સર્વ પાપોનો નાશ થાય છે,એવા અઘોર પાપનો નાશ કરનારા
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे ।
अग्रतः शिवरूपाय ह्येकबिल्वं शिवार्पणम् ॥ ८॥


બિલ્વપત્રના મૂળ(જડ)માં બ્રહ્માનો વાસ છે,મધ્ય ભાગમાં વિષ્ણુનો વાસ છે,અને અગર ભાગમાં શિવનો વાસ છે,તેવા આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

बिल्वाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ ।
सर्वपाप विनिर्मुक्तः शिवलोकमवाप्नुयात् ॥ ९ II


બિલ્વાષ્ટકના આ શ્લોકો (પાઠ)નો જે કોઈ પાઠ કરે છે,તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને
સર્વ પાપોથી મુક્ત થઈને શિવલોક પ્રતિ ગતિ કરે છે.

લિંગાષ્ટકમ-Lingashtakam with gujarati meaning

ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् ।
जन्मजदुःखविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥ १॥


જે બ્રહ્મા,વિષ્ણુ અને સર્વ દેવોના ઇષ્ટદેવ છે,જે પરમ,પવિત્ર,નિર્મલ તથા સર્વ જીવોની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે,જે લિંગ-સ્વરૂપે ચરાચર જગતમાં સ્થાપિત થયા છે,જે સંસારને સંહારનાર છે અને જે જન્મ-મૃત્યુના દુઃખોનો વિનાશ કરે છે,એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहम् करुणाकर लिङ्गम् ।
रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ २॥


જે ભગવાન સદાશિવના લિંગ-રૂપનું ઋષિઓ અને દેવતાઓ દ્વારા પૂજન થાય છે,જે કામનો વિનાશ કરે છે,
જે દયા (કરુણા)ના સાગર છે,જેમણે રાવણના અહંકારનો વિનાશ કર્યો હતો,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् ।
सिद्धसुरासुरवन्दितलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ३॥


જેમનું લિંગ-સ્વરૂપ,સુગંધિત અત્તરોથી લેપિત છે,જે બુદ્ધિથી આત્મજ્ઞાનની વૃદ્ધિ થવાનું કારણ છે,
જે સિદ્ધ મુનિઓ,દેવતાઓ ને દાનવો એ સર્વ દ્વારા પૂજાય છે,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

कनकमहामणिभूषितलिङ्गं फनिपतिवेष्टित शोभित लिङ्गम् ।
दक्षसुयज्ञ विनाशन लिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ४॥


જે લિંગ સ્વરૂપ સોના અને રત્નજડિત આભૂષણોથી સુસજ્જ છે,જે ચારે બાજુથી સર્પથી ઘેરાયેલ છે,
અને જેમણે (માતા સતીના પિતા) દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् ।
सञ्चितपापविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ५॥


જે લિંગ સ્વરૂપ,કંકુ અને ચંદનથી લેપાયેલ છે,જે સુંદર કમળોના હારથી શોભાયમાન છે,તથા
જે સંચિત પાપકર્મોનો વિનાશક છે એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

देवगणार्चित सेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् ।
दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ६॥


જે લિંગ સ્વરૂપ,દેવગણો દ્વારા પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી પૂજાય છે,જે હજારો સૂર્ય સમાન તેજસ્વી છે,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् ।
अष्टदरिद्रविनाशितलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ७॥


જે લિંગ સ્વરૂપ,પુષ્પના અષ્ટદલના માધ્યમ વિરાજમાન છે,જે સૃષ્ટિની સર્વ ઘટનાઓના રચયિતા છે,અને
જે આઠ પ્રકારની દરિદ્રતા હરનાર છે એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

सुरगुरुसुरवरपूजित लिङ्गं सुरवनपुष्प सदार्चित लिङ्गम् ।
परात्परं परमात्मक लिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ८॥


જે લિંગ સ્વરૂપ,દેવતાઓ,ગુરુજનો દ્વારા પૂજિત છે,જેની પૂજા દેવતાઓના દિવ્ય-બગીચાઓના ફૂલોથી થાય છે,
જે પરબ્રહ્મ-રૂપ છે,જે અનાદિ (આદિ-અંત વિનાના) છે
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ ।
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॥


જે કોઈ,શિવજી કે શિવલિંગ પાસે બેસી આ લિંગાષ્ટકનો શ્રદ્ધા-સહિત પાઠ કરે છે,તેને શિવલોક પ્રાપ્ત થાય છે.
અને ભગવાન સદાશિવ (ભોલેનાથ) તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

May 7, 2022

દેવોના પૂજન (દેવાર્ચન)ની સાચી રીત

'યોગ વાસિષ્ઠ' પ્રકરણ-6 (નિર્વાણ પ્રકરણ-પૂર્વાર્ધ) ના સર્ગ-29 માં વસિષ્ઠ મુનિ શિવજીને પ્રશ્ન કરે છે-

કયા પ્રકારથી દેવ-પૂજન (દેવાર્ચન) કરવું જોઈએ?કે જેથી પાપોનો નાશ થાય ને કલ્યાણ થાય?

ત્યારે શિવજી (સદાશિવ) કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,ખરા (સાચા) દેવ કોણ છે? એ તમે જાણો છો?

હું (શિવજી),બ્રહ્મા,વિષ્ણુ,ઇન્દ્ર,વાયુ,સૂર્ય,ચંદ્ર કે અગ્નિ -એ કોઈ પણ ખરા દેવ (ઈશ્વર) નથી.

તે જ રીતે,બ્રાહ્મણ,રાજા,રુદ્ર (શિવજીનો અવતાર) કે તમે પણ ખરા દેવ નથી.


જે કોઈ દેહ રૂપે (કે ચિત્ત-રૂપે) હોય તે દેવ (ઈશ્વર) હોવાનું સંભવી શકે જ નહિ.

જે શોભતું હોય (કે શોભારૂપ દેખાતું હોય) કે બુદ્ધિ-રૂપ હોય,તે સાચો દેવ (ઈશ્વર) હોઈ શકે નહિ.

દેશ-કાળ કે વસ્તુથી જે મર્યાદામાં આવતો હોય તે સાચો દેવ (ઈશ્વર)કેવી રીતે હોઈ શકે?


એટલે,જો,સત્યથી જોવામાં આવે તો,આદિ-અંત (મર્યાદા)થી રહિત,જે નિરાકાર ચૈતન્ય-પ્રકાશ છે-અને 

આ સઘળું જગત,જે પરમાત્માની સત્તાથી સત્તા પામ્યું છે,

તે જ સાચો દેવ (ભગવાન-ઈશ્વર-પરમાત્મા કે બ્રહ્મ) છે.માટે તેનું (સાચા દેવ કે ઈશ્વર) જ પૂજન કરવું જોઈએ.


(નોંધ-આમ,વાસ્તવમાં (સત્યમાં) જે દેહ (શરીર કે મૂર્તિ) કે ચિત્ત-રૂપ હોય,તે ભગવાન (ઈશ્વર) હોવો સંભવે જ નહિ.

હા,સર્વમાં ભગવાન રહેલા છે-એ રીતે જોઈએ તો તે ભગવાન છે,ને જગતની સર્વ વસ્તુઓમાં પણ ભગવાન છે.

દેવ-દેવી કે દેવ-દેવીની મૂર્તિ -એ-ભગવાન (ઈશ્વર કે પરમાત્મા) નથી પણ મૂર્તિમાં ભગવાન છે.

સત્યમાં,આ ભગવાન,'ખોળવા'થી મળતો નથી,પણ,તેને 'ઓળખવા'ની જરૂર છે?

ગીતામાં (અધ્યાય-7-24)માં શ્રીકૃષ્ણ કહે છે કે-મારા ઉત્કૃષ્ટ,અવિનાશી,નિરાકાર ભાવને ન જાણનાર અજ્ઞાની લોકો,

'હું (બ્રહ્મ તરીકે) અવ્યક્ત (કે નિરાકાર) હોવા છતાં મને સાકાર (દેવ) માને છે (ને મારી અવગણના કરે છે!!)


જેમ,ચાર માઈલ ચાલવા જેટલી જેની શક્તિ હોય નહિ-

તેને તેના ગજા પ્રમાણે એક ગાઉ (માઈલ) ચાલવાનું કહેવામાં આવે છે-

તેમ,જેઓને "ચૈતન્ય-પ્રકાશ-રૂપ-સાચા-પરમાત્મા" (સાચા દેવ) નું જ્ઞાન નથી-

તેઓને માટે શાસ્ત્ર-કારોએ તેમના જ્ઞાનની મર્યાદા પ્રમાણે,સાકાર (દેવો કે મૂર્તિ) વગેરેનું પૂજન કહેલું છે.


(રુદ્ર-આદિ) સાકારોનું પૂજન કરવાથી અમુક જ (કૃત્રિમ) ફળ મળે છે,પણ,

ચૈતન્ય-પ્રકાશ-રૂપ-આત્મા (પરમાત્મા) નું પૂજન કરવાથી તો-આદિ-અંતથી રહિત-સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે.

કે જે સ્વરૂપાનંદ અકૃત્રિમ છે, જે પુરુષ આવા અકૃત્રિમ ફળને ત્યજી દઈને કૃત્રિમ ફળ લેવા દોડે છે-

તે પુરુષ,કલ્પવૃક્ષના વનને ત્યજીને કાંટાવાળા વનમાં જાય છે તેમ જ સમજવું.


એટલે,નિર્મળ,નિરતિશય,આનંદ-રૂપ જે ચૈતન્ય માત્ર આત્મા છે,તે જ પૂજ્ય (પૂજવાલાયક) છે-

એમ તત્વજ્ઞાનીઓએ સિદ્ધાંત કરેલો છે.


ઉપશમ,બોધ,સમતા-આદિ-પુષ્પો-રૂપીથી આત્મા-રૂપ દેવનું અર્ચન કરવું એ જ સાચું પરમાત્માનું પૂજન છે,

પણ આકારનું (મૂર્તિ-કે મનુષ્ય-વગેરે-રૂપી આકાર નું) પૂજન કરવું તે સાચું પરમાત્માનું પૂજન નથી.

એટલે,જે લોકો આત્મા-રૂપ-પરમાત્માનું પૂજન ત્યજીને કૃત્રિમ પૂજનોમાં લાગ્યા રહે છે,

તેઓ લાંબા કાળ સુધી કલેશને પ્રાપ્ત થયા કરે છે.


જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય છે-એવા મહાત્માઓ કદાચિત,આત્મ-ધ્યાન ત્યજી દઈને,

સાકાર દેવ (મૂર્તિ-વગેરે) નું પૂજન કરતા જોવામાં આવતા હોય-તો

તેઓ બાળકોની જેમ લીલા કરે છે-તેમ સમજવું.


જે સર્વના કારણભૂત અને પરમ શિવ-આત્મ-સ્વ-રૂપ-પરમાત્મ-દેવ છે-

તેનું જ સર્વદા અખંડિત રીતે,પૂજન કરવું જોઈએ.

આમ,આત્મા જ પૂજ્ય છે-અનાત્મા પૂજ્ય નથી-કેમ કે બોધ-રૂપ આત્મ-પૂજન-તે જ મુખ્ય પૂજન છે.