અધ્યાય-૨૬૫-કોટિકાસ્યના દ્રૌપદીને પ્રશ્નો
II कोटिक उवाच II का त्वं कदम्बस्य विनाम्य शाखा मेकाश्रमे तिष्ठति शोभमाना I
देदिप्य्मानाग्निशिखेव नक्तं व्याधुयमाना पवनेन सुभ्रूः II १ II
કોટિક બોલ્યો-હે સુંદર ભ્રકૃટીવાળી,કદંબની ડાળી નમાવીને,આશ્રમમાં એકલી ઉભેલી તું કોણ છે?
રાત્રે પવનથી ડોલી રહેલી ઝગઝગતી અગ્નિજ્વાળાની જેમ તું શોભી રહી છે,તું અત્યંત સ્વરૂપવાન છે છતાં શું આ અરણ્યમાં ભય નથી પામતી ? તું દેવી,યક્ષી,દાનવી,અપ્સરા છે? કે કોઈ દૈત્યરાજની પત્ની કે નાગરાજની કન્યા છે?
અથવા તું વરુણ,યમ,સોમ,ધાતા,વિધાતા,સવિતાદેવ કે ઇન્દ્રની પત્ની છે? હે ભદ્રા,અમે તારું માન વધારીને
તારા કુળ,બંધુઓ ને પતિ વિશે પૂછીએ છીએ.ને અહીં તું શું કરે છે? તે વિષે સાચેસાચું કહે.




