અધ્યાય-૨૮૧-રાવણ અને સીતાનો સંવાદ
II मार्कण्डेय उवाच II ततस्तां भर्तृशोकार्ता दीनां मलिनवाससां I मणिशेषाभ्यलंकारां रुदतीं च पतिव्रतां II १ II
માર્કંડેય બોલ્યા-કામબાણથી પીડાયેલા રાવણે,શોકથી વ્યાકુળ,દીન બનેલી,મલિન વસ્ત્ર ધારણ કરી રહેલી,એકમાત્ર મણિના અલંકારવાળી,ને રાક્ષસીઓથી ઘેરાયેલી ને રોતી પતિવ્રતાને જોઈ તેની પાસે ગયો,
ને તે સીતાને કહેવા લાગ્યો કે-'હે સીતા,હવે બહુ થયું.તું મારા પર પ્રસન્ન થા.આ મહામૂલવાન વસ્ત્રો ને અલંકારો સજીને તું મારો સ્વીકાર કર,ને મારી સર્વે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ થઈને રહે.મારી સ્ત્રીઓમાં દેવકન્યાઓ છે,ગંધર્વનારીઓ છે,દાનવકન્યાઓ છે અને દૈત્યયુવતિઓ પણ છે.ચૌદ કરોડ પિશાચો મારી આણમાં ઉભા રહે છે.તેનાથી યે અધિક રાક્ષસો ને યક્ષો મારી આજ્ઞાને આધીન રહે છે.ગંધર્વો ને અપ્સરાઓ મારી સદૈવ સેવા કરે છે,હું વિશ્રવા મુનિનો પુત્ર ને પાંચમા લોકપાલ તરીકે મારી કીર્તિ ફેલાયેલી છે.મારી પાસે ઇન્દ્ર સમાન ઐશ્વર્ય છે,તું મારી ભાર્યા થઈને રહે'



