અધ્યાય-૭૯-છઠ્ઠો દિવસ સમાપ્ત
॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राज लोहितायति भास्करे I संग्राममरभसो भीमं हन्तुकामोभ्यधावत ॥१॥
સંજયે કહ્યું-તે પછી,સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હોવાથી રક્ત વર્ણનો થવા લાગ્યો ત્યારે દુર્યોધન,ભીમને મારવાની ઈચ્છાથી ઉતાવળો થઈને દોડ્યો.પોતાના કટ્ટર દુશ્મન દુર્યોધનને આવતો જોઈને ભીમ તેને ક્રોધ પૂર્વક કહેવા લાગ્યો કે-'વર્ષોથી જે સમય ઇચ્છેલો તે આજે આવી પહોંચ્યો છે.આજે હું તને મારીને માતા કુંતીના ક્લેશને ને અમારા વનવાસના ને દ્રૌપદીના દુઃખોને દૂર કરીશ.પૂર્વે કર્ણના ને શકુનિના મત પર આધાર રાખીને ને પાંડવોને હિસાબમાં નહિ ગણીને તેં તારી ઈચ્છા મુજબ વર્તન કરીને,શ્રીકૃષ્ણનું પણ અપમાન કર્યું છે.હું આજે તારા કુટુંબ સહીત તારો નાશ કરીશ ને તારાં પાપોનો બદલો વાળીશ'





