અધ્યાય-૮૦-દુર્યોધન અને ભીષ્મનો સંવાદ
॥ संजय उवाच ॥ अथ शूरा महाराज परस्पर कृतागस: I जग्मुः स्वशिबिराण्येव रुधिरेण समुक्षिताः ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,એકબીજા પર વૈર રાખતા અને લોહીથી છંટાયેલા એ શૂરા યોદ્ધાઓ પોતપોતાની છાવણી તરફ ગયા.આખી રાત્રિ વિશ્રાંતિ લઇ,પરસ્પર સન્માન કરી અને યુદ્ધ કરવાની ઈચ્છાથી સજ્જ થયેલા તેઓ દેખાયા.ત્યાર પછી,ચિંતાથી યુક્ત થયેલો તમારો પુત્ર દુર્યોધન ભીષ્મપિતામહ પાસે જઈને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,રૌદ્ર અને ભયંકર એવાં આપણાં સૈન્યો દૃઢ વ્યૂહમાં રચેલાં અને મોટી ધ્વજાવાળાં છે છતાં પાંડવોના સાહસી યોદ્ધાઓ,વ્યૂહરચનાને તોડીને આપણને મારી જાય છે.વળી તેઓએ આપણને મોહિત કરીને વજ્રસમાન મકરવ્યૂહ પણ ભેદી નાખ્યો ને ભીમસેને આપણા સૈન્યમાં પ્રવેશ કરીને કાળદંડ સમાન ઘોર બાણોથી મને માર્યો છે,તેના ક્રોધથી હું ભયભીત થયો છું,ને મને શાંતિ મળતી નથી.માટે હે પિતામહ,તમારા પ્રસાદથી જ હું જય મેળવવાની ને પાંડવોના નાશની ઈચ્છા રાખું છું'





