અધ્યાય-૮૫-સાતમો દિવસ (ચાલુ) અર્જુનનું પરાક્રમ
॥ संजय उवाच ॥ स तायमान्स्तु शरैर्धनंजयः पदाहतो नागइव श्वसन बली I बाणेन बाणेन महारथां विच्छेद चापानिरणे प्रसह्य ॥१॥
સંજયે કહ્યું-જયારે તમારા સૈનિકોએ બાણોનો પ્રહાર કરવા મંડ્યો,ત્યારે બળવાન અર્જુને પાદપ્રહારને પામેલા સર્પની જેમ ફૂંફાડો મારીને,એકેક બાણ મૂકીને સર્વ મહારથીઓને ધનુષ્યોને એકદમ કાપી નાંખ્યાં ને તેઓનો એક સાથે જ નાશ કરી નાખવાનો નિશ્ચય કરીને તેઓને બાણો વડે વીંધવા લાગ્યો.અર્જુનથી મરાયેલા રાજાઓના મસ્તકો રણભૂમિ પર પડવા લાગ્યા.ત્યારે ત્રિગર્ત રાજ સુશર્મા,પોતાના બત્રીસ પૃષ્ઠરક્ષકોથી ઘેરાઈ ત્યાં આવી પહોંચ્યો ને તે સર્વેએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરી.
ત્યારે ક્રોધાયમાન થયેલા અર્જુને સાઠ બાણો છોડીને તે પૃષ્ઠરક્ષકોને હણી નાખ્યા.ને આગળ વધવા લાગ્યો.





