અધ્યાય-૮૧-સાતમો દિવસ-વ્યૂહરચના
॥ संजय उवाच ॥ अथात्मजं तव पुनरगांगेयोध्यानमास्थितम् I अब्रवीभ्दरतश्रेष्ठः संप्रहर्षकरं वचः ॥१॥
સંજયે કહ્યું-પછી,વિચારમાં પડી ગયેલા તમારા પુત્ર દુર્યોધનને,ભરતશ્રેષ્ઠ ભીષ્મપિતામહ હર્ષ ઉપજાવનારાં વચનો કહેવા લાગ્યા-'હું,દ્રોણ,શલ્ય,કૃતવર્મા,અશ્વત્થામા,વિકર્ણ,ભગદત્ત,શકુની,વીંદ-અનુવીંદ,બૃહદબલ,ચિત્રસેન,વીવિંશતિ,બાહલીક દેશનો રાજા,ત્રિગર્ત દેશનો રાજા,મગધ દેશનો રાજા અને અનેક સુંદર રથો,ઘોડાઓ,હાથીઓ,હથિયારો,પાળાઓ તારા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે.વળી,આ સર્વ રણમાં દેવોને પણ જીતી લેવા સમર્થ છે એમ હું માનું છું.હે દુર્યોધન,મારે તને હંમેશાં હિતવચન જ કહેવું જોઈએ કે દેવોથી પણ તે પાંડવો જીતી શકાય તેમ નથી કેમકે તેમને શ્રીકૃષ્ણની સહાય છે.છતાં,હું તારા કહ્યા પ્રમાણે જ કરીશ.હું મરણીયો થઈને લડીશ ને પાંડવોને રણસંગ્રામમાં જીતીશ કે કદાચ તેઓ મને જીતે' આમ કહી ભીષ્મે દુર્યોધનને ઘા રૂઝાવી દેનાર સુંદર ઔષધિ આપી,તેનાથી તે એકદમ શસ્ત્રોની પીડાથી રહિત થયો.





