May 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-810

કુંભમુનિ કહે છે કે-જ્યારથી તમને છોડીને દેવ-સભા (સ્વર્ગ) માં ગયો,ત્યારથી જ મારું ચિત્ત તમારી પાસે આવવા ખેંચાતું હતું,તેથી સ્વર્ગ ભલે રમણીય હોય,પણ હમણાં હું તમારી પાસે જ રહીશ.હે રાજા, તમારા જેવો બીજો કોઈ મારો બંધુ,શિષ્ય,ભરોસાદાર,સુહૃદ આ જગતમાં છે જ નહિ,એમ હું માનું છું.

શિખીધ્વજ કહે છે કે-અહો,આ મંદરાચળમાં અમારાં પુણ્ય-રૂપી વૃક્ષો ફલિત થયાં,કેમ કે આપ અસંગ છતાં અમારા સમાગમને ઈચ્છો છો.હું આપનો ભાવિક સેવક છું,આપની ઈચ્છા હોય તો આપ ભલે અહી મારી પાસે રહો.
હે દેવપુત્ર,આપે બોધ દ્વારા આપેલી યોગની યુક્તિ વડે,મને જેવી શાંતિ મળી છે,તેવી શાંતિ હું ધારું છું કે સ્વર્ગમાં પણ ના મળી શકે.

May 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-809

જેનો દેહ,ચિત્ત શાંત થઇ જવાથી,સત્વ-વડે,અહં-તત્વના અધ્યાસથી રહિત થઇ ગયો હોય,તે દેહને આકાશની પેઠે વૃદ્ધિ-ક્ષય આદિ ભાવ-વિકારો બાધ કરી શકતા નથી.
જેમ ચંચળતા વગરના જળમાં તરંગ વગેરે ઉત્પન્ન થતા નથી,તેમ,સમાન-પણાથી રહેલ (સંકલ્પ-રહિત) સત્વ-સમુહમાં પણ રાગ-દ્વેષ-આદિ "ચિત્ત-દોષ",અને યુવાની-ઘડપણ-આદિ "દેહ-દોષ" ઉત્પન્ન થતા જ નથી.
પ્રારબ્ધનો નાશ થયા વિના એ "સત્વ" નો અભાવ થતો નથી.
પરંતુ પ્રારબ્ધ રહે ત્યાં સુધી એ  "સત્વ" સર્વ નિર્વિકાર એક તત્વ-રૂપ જ ભાસે છે,પછી ફક્ત કાળે કરીને પ્રારબ્ધનો ક્ષય થઇ જતાં-એ "સત્વ"નો પણ ક્ષય થઇ જાય છે.