Nov 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-976

પરંતુ જયારે સર્વ પદાર્થો પરમતત્વ સાથે એકરૂપતાને પામે છે,ત્યારે મન,વાસના,કર્મો અને હર્ષ-ક્રોધ-આદિ વિકારો ક્યાં જતા રહે છે-તે જાણવામાં જ આવતું નથી અને ફક્ત ધ્યાન-નિષ્ઠતા અને સ્થિરતા જ અવશેષ રહે છે.
સર્વ ભોગોને નિઃરસ સમજી,કશામાં આસક્ત નહિ થનાર,પોતાના આત્મામાં જ આનંદ માનનાર અને ક્રમે કરી ચિત્ત-વૃત્તિ આત્માની અંદર ધ્યાન દ્વારા ગળી ગયેલ હોવાથી,શાંતિને પ્રાપ્ત થયેલ તે યોગી પુરુષ,
સહજ રીતે જ સમાધિ-સિદ્ધ જ છે.

Nov 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-975

વિવેકીને આ સંસારની સ્થિતિ મનોમય (મનથી બનેલ કે સ્વપ્ન જેવી) ભાસે છે અને પરમાત્માની અંદર આરોપિત થયેલી છે એમ તેને જણાય છે.જ્ઞાનનો ઉદય થતાં તેને જગતની સ્થિતિ કે અહંકાર-એ કશું પણ દેખાતું નથી.
તેનું શરીર જો કે પ્રારબ્ધનો નાશ થતા સુધી આભાસ-રૂપે બીજાઓની નજરે આવે છે,
પરંતુ તેની અંદરની સ્થિતિ કોઈ અપૂર્વ જ હોય છે.જેમ,સાતમી ભૂમિકામાં આરૂઢ થયેલો સમાધિ-નિષ્ઠ પુરુષ,જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિના સ્વભાવને જાણતો નથી,તેમ પરિપક્વ જ્ઞાનવાળો પુરુષ પણ લોકોત્તર સ્થિતિને પહોંચી ગયેલ હોવાથી જગતની સત્તા-અસત્તાને જોતો નથી.

Nov 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-974

તૃષ્ણા વિનાનો,વિરક્ત વિવેકી-પુરુષ,પોતે બ્રહ્મ-રૂપ થયેલો હોય છે અને તેની તૃષ્ણા પણ બ્રહ્મ-રૂપ થયેલી હોય છે,આથી કોઈ વખતે ભલે તેને બાહ્ય પદાર્થોનું જ્ઞાન થતું હોય,પણ તે તેને વિક્ષેપ કરી શકતું નથી.
જેમ,સારી રીતે પ્રજળેલા અગ્નિમાં ઘીનું ટીંપુ રહી જ શકતું નથી,તેમ,શુદ્ધ-ચૈતન્યને પોતાના આત્મા-રૂપે અનુભવનારા તત્વજ્ઞ પુરુષને જ્ઞાનના પ્રભાવથી સદાકાળ સહજ-સમાધિ સિદ્ધ રહે છે,તેને સમાધિ માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી.