Mar 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1104

(પથિક પોતાની પ્રિયાને કહે છે કે) તે મેઘને ઉદ્દેશીને મેં કહ્યું કે-"હે ભાઈ મેઘ,તું ગુણવાન છે,તો તને યોગ્ય એવા
અને પોતાના કંઠમાં ગુણને ધારણ કરી રહેલા ઇન્દ્રધનુષ્યને ગ્રહણ કરીને તું મારી પ્રિય પાસે જજે અને તારા
જલબિંદુઓ વાળા શીતળ પવનો વડે પ્રથમ તેને આશ્વાસન આપજે.મારી એ પ્રિયા,કોમલાંગી છે,એટલે તારી
ગાઢ ગર્જનાને જીરવી શકશે નહિ,તેથી મંદમંદ ગર્જના કરીને મારો વિરહનો સંદેશો પહોચાડવાની કૃપા કરજે."
મેઘને મેં આ પ્રમાણે કહ્યું ત્યારે તારા (પ્રિયાના) વિયોગની ચિંતાથી મારી બુદ્ધિ પરવશ થઇ ગઈ.સ્મૃતિનો લોપ
થઇ જવાને લીધે મારું શરીર પરવશ બની ગયું ને મારા અંગો લાકડા જેવાં જડ થઇ ગયાં.

Mar 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1103

અનુચરો કહે છે કે-હે મહારાજ,જેમ,સર્વ શાસ્ત્રના સારરૂપ પરબ્રહ્મમાં-વૃત્તિ-રૂપે પરિણામ પામવાથી,
મહાત્માઓના ચિત્ત નિર્મળ જણાય છે,તેમ આ તળાવ પણ પોતામાં પ્રતિબિમ્બિત થઇ રહેલા શરદઋતુના
આકાશ વડે નિર્મળ જણાય છે.સુંદર હંસો,સારસ-આદિ પક્ષીઓ વડે રમણીય આ તળાવ શોભે છે.
પોતાના ગુણ અને સુંદરતા વડે સુશોભિત તથા પોતાની સુગંધ વડે પોતાના કુળને પ્રસિદ્ધિમાં લાવનારા,
મહાત્માઓના અને આ તળાવમાં રહેલાં કમળોના પ્રભાવને વર્ણવવા વાસુકિ પણ સમર્થ નથી.

Mar 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1102

(૧૧૬) આકાશ અને ગામડાં વગેરેનું વર્ણન
અનુચરો વિપશ્ચિત રાજાને કહે છે કે-હે મહારાજ,આ આકાશ મહાબળવાન મેઘરૂપી સાગરો વડે પરિપૂર્ણ છે.
તે જુઓ.વળી આ આકાશ એ ચપળ તારાઓ-રૂપી સ્થૂળ મુક્તાહારો વડે સુશોભિત છે,ને સારી રીતે ઘટ્ટ થઇ
ગયેલા અંધકાર સાથે એકરૂપ પણ થઇ ગયેલું છે.તે પણ આપ જુઓ.આ આકાશ સ્વચ્છ નિર્મળ ચંદ્રકિરણો વડે
અતિસુંદર દેખાય છે.મેઘોના આડંબરો છતાં,પ્રલયકાળના અગ્નિઓ છતાં,પર્વતોની પાંખોના પછાડવા છતાં,
તારાઓના સમૂહો  છતાં અને અસંખ્ય દેવ-દાનવોના સંગ્રામોના સમૂહો છતાં,
આજ દિવસ સુધી પણ પોતાની મૂળ પ્રકૃતિમાંથી આ આકાશ જરા પણ વિકારને પ્રાપ્ત થયું નથી.