Apr 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1140



મુનિ કહે છે કે-હું પ્રથમની વાત ભૂલી જઈ વ્યવહારમાં પ્રવૃત્ત થઇ ગયો.'આ આ મારા માતા-પિતા ને આ મારું ઘર છે'
એવી પ્રતિભા પણ મને એકદમ ઉત્પન્ન થઇ આવી.એ ઘરમાં બંધુવર્ગ જોડે હું રહેતો હતો અને જાગ્રત-આદિ અવસ્થાનો
અનુભવ કરતો હતો.એમાં અનેક દિવસો વીત્યાં,ને તે ગામ,ઘર-વગેરે સત્ય હોય તેમ મને જણાવા લાગ્યું.આગળ વર્ણવેલા
દામ,વ્યાલ.કટ ના આખ્યાનમાં કટ પોતે વાસના રહિત હતો છતાં મત્સ્યના સહવાસથી
તે પૂર્વની વાત ભૂલી જઈ મત્સ્ય-રૂપ બની ગયો હતો,તેમ,મને પણ તે ગામના લોકોના સહવાસના અભ્યાસથી,
કાળે કરી,પ્રથમની જ્ઞાન-દ્રષ્ટિનું વિસ્મરણ થઇ ગયું હતું અને હું તે ગામડામાં રહેનાર બ્રાહ્મણ-રૂપ થઇ રહ્યો.

Apr 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1139


(૧૪૦) હૃદયની કલ્પનાનું વર્ણન
સાધુ બનેલ વ્યાધ (પારધી) મુનિને પૂછે છે કે-હે મહારાજ,આપ જેવો જ્ઞાન અને યોગ વડે સિદ્ધ થયેલ પુરુષ,
આપે વર્ણવેલી અવસ્થાને કેમ પ્રાપ્ત થયો? અને તે સમયે ધ્યાનના પ્રયોગ વડે ઉપશમને પ્રાપ્ત કેમ ના થયો?

મુનિ કહે છે કે-જગત ભ્રાંતિ-રૂપ છે,ને તે આકાશની અંદર આભાસ-રૂપે પ્રતીતિમાં આવે છે.
તે આભાસ-રૂપ પ્રલયમાં નાશ પામી જાય છે.પ્રલય વખતે તે કોઈ વખતે ક્રમમાં તો કોઈ વખતે,
અણધારી રીતે,દિશાઓમાં કોઈ તોફાન આવતાં,સાતે સમુદ્રો,એક જ વખતે ભેગા થઇ,તરત પ્રલય પામે છે.
વળી હે વ્યાધ,આ કાળ (સમય) સર્વની કસોટી કરનાર અને સર્વને ગળી જનારો છે.
જે સમયમાં જે 'અવશ્ય-ભાવિ'(લખાયેલ) હોય છે તે અવશ્ય થાય જ છે.
જયારે ક્ષય-કાળ (મૃત્યુ સમય) નજીક આવે છે,ત્યારે  મહાપુરુષોનાં પણ તેજ-બળબુદ્ધિ બદલાઈ જાય છે.
મેં જે તને ઉપર વર્ણવી બતાવ્યું,તે સ્વપ્નની અંદર જોયેલું છે.ને સ્વપ્નમાં શું સંભવતું નથી?

Apr 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1138

વસિષ્ઠ કહે છે કે-જયારે આહાર-આદિ વડે રૂંધાઇ રહેલ નાડીઓમાં,કોઈ પણ ઠેકાણે પ્રાણ પિંડીભૂત (પિંડવાળો)
થઇ જાય છે,અને મંદ સંચાર (ગતિ)વાળો થઈને શાંત રહે છે,ત્યારે સુષુપ્તિ અવસ્થા ઉદય પામે છે.
એટલે કે નાડીઓ જયારે અન્ન-આદિથી ભરાઈ જાય છે-અથવા તો-શ્રમ,કલેશ કે ખેદ વગેરેથી જયારે ક્ષીણ થઇ જાય છે,
ત્યારે પ્રાણ(વાયુ) મંદ સંચારવાળો અને માનસિક ક્રિયાથી રહિત થાય છે,ને સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે.
વળી (દેહને) ચાંપવા-ચોળવા-આદિ ક્રિયાથી નાડીઓ જયારે કોમળ થાય છે ને તે નાડીઓ રુધિર-આદિ
વડે પૂર્ણ થઇ જાય  છે,ત્યારે પ્રાણ કોઈ જગ્યાએ લીન થઇ જાય છે ને સુષુપ્તિ અવસ્થાનો આવિર્ભાવ થાય છે,
કે જે અવસ્થામાં (પ્રાણનો) કશો પણ વ્યાપાર હોતો નથી.