May 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1163

મુનિ કહે છે કે-હે વ્યાધ,હું તમને આ પ્રમાણે બોધ આપ્યા કરું છું પણ તમે માની લીધેલી 'જગતના સત્યપણાની ભ્રાંતિ'માં
જ તમારી બુદ્ધિ વિશ્રાંત થઇ રહી છે.જો કે તે ક્ષણવાર પ્રબોધ (વિવેક)નો ઉદય થતાં તે પરમપદમાં વિશ્રાંત થાય છે,
પરંતુ તે બુદ્ધિ હજી દૃઢ રીતે પરમપદમાં વિશ્રાંત થતી નથી.
જેમ લાકડું એ કમંડળ-આદિનો આકાર ધારણ ના કરે ત્યાં સુધી તેમાં જળ રહી શકતું નથી,
તેમ,આ બોધ પણ 'અભ્યાસ' વડે પરમ ઉત્કૃષ્ટ પરિણામને ના પામે ત્યાં સુધી,તે ચિત્તની અંદર પ્રવેશ કરતો નથી.

May 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1162

(૧૫૪) અભ્યાસની આવશ્યકતા

મુનિ (વ્યાધને) કહે છે કે-આ દૃશ્ય (જગત) સંબંધે (આગળ કહ્યા મુજબ) નિર્ણય કરીને સંતાપ-રહિત થઇ ગયો છું.
અને હવે રાગ,આશંકા અને અહંકારથી રહિત થઇ જઈને હું નિર્વાણ દશામાં સ્થિર થઇ રહ્યો છું.
આધાર-આધેય-વગેરે ભાવોથી તથા ઉપાધિ (માયા)થી રહિત થઈને હું પોતાના સ્વ-રૂપમાં સ્થિર રહી શાંત થઇ ગયો છું
અને સૃષ્ટિના આત્મા-રૂપે પ્રકાશિત થઇ રહ્યો છું.જો કે હું યથાપ્રાપ્ત વ્યવહાર કર્યે જાઉં છું પણ વસ્તુતઃ જોતાં હું કશું પણ
કરતો નથી,કેમ કે જે પોતે આકાશના જેવો નિર્વિકાર હોય તેને કર્તા-પણું કેવું?

May 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1161

મુનિ કહે છે કે-પછી મેં આ દૃશ્ય-મંડળ (જગત અને જગતના પદાર્થો) વિષે 'વિચાર' કરવા માંડ્યો કે-
આ દૃશ્યનું શું કારણ હશે? આ જીવ તેને ચિત્ત વડે કેવી રીતેનું જાણે છે? આ પદાર્થોનો સમુદાય શું છે?
તેનું કારણ શું છે? ખરે ! આ સ્વપ્નસૃષ્ટિ એક ચિદાકાશરૂપ જ છે અને તેની અંદર સ્વર્ગ,પૃથ્વી,વાયુ,આકાશ,
નદીઓ,પર્વતો,દિશાઓ-આદિ પ્રતીતિમાં આવે છે.પણ વસ્તુતઃ (જ્ઞાનથી) જોતાં તો,પોતાના સ્વરૂપમાં રહેનાર
ચિદાકાશ જ આ સર્વના આકારે વિવર્ત (વિલાસ કે આભાસ)-રૂપે થઇ રહેલું છે.