Jul 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1209

વસિષ્ઠ કહે છે કે-લુહાર બહાર જેમ ધમણ ચલાવે છે તેમ અંદર રહેલી 'ચેતન-સત્તા' જ આંતરડાંમાં વીંટાઈ રહેલી
નાડીઓના સમુહને ચલાવે છે.અને તેને અનુસરીને સર્વ લોકોની બહારની ચેષ્ટાઓ (કર્મો) પણ થાય છે.
(નોંધ-વસિષ્ઠનો અતિ ટૂંકાણમાં દીધેલ આ જવાબ વિષે અતિવિચાર થી જ તેનો પૂર્ણ અર્થ સમજી શકાય તેમ છે.
અહીં આગળ જણાવ્યા મુજબ ચેતન-સત્તા એ ચિદાકાશ-કે આકાશ-સ્વરૂપ છે-તે યાદ કરવું જરૂરી છે?!!)

રામ કહે છે કે-હે મહારાજ,શરીરની અંદર રહેલો પ્રાણવાયુ-આંતરડાં-આદિ સર્વ મૂર્તિમાન(સાકાર) છે,તો નિરાકાર
'ચેતન-સત્તા' તેને કેમ ચલાવી શકે? તે નિરાકાર ચેતન-સત્તા જો સાકાર દેહાદિને જો ઈચ્છા-માત્રથી ચલાવે તેમ થતું હોય
તો પછી તરસ્યા પથિકથી ઘણે છેટે રહેલું જળ તે પથિકની ઇચ્છાથી તેની પાસે પોતાની મેળે જ ચાલ્યું આવે!
આમ,જો ઈચ્છા-માત્રથી જ સાવયવ અને નિરવયવ પદાર્થોનો સંયોગ થઇ જતો હોય તો પછી કર્મેન્દ્રિયોનું
શું પ્રયોજન રહે? એટલે હું એમ માનું છું કે-સાવયવ અને નિરવયવ પદાર્થોનો જેમ બહાર સંયોગ થતો નથી તેમ
તેમનો અંદર પણ સંયોગ થતો નથી.બાકી જો કંઈ બીજું હોય તો આપ તે વિશેનો આપનો અનુભવ મને કહો.

Jul 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1208

(૧૭૮) ઐન્દવાખ્યાન

રામ કહે છે કે-આ ત્રણે લોકની અંદર સાકાર અને નિરાકાર એવા બે પદાર્થો હોય છે.તેમાં કેટલાક સાવયવ છે તો કેટલાક
નિરવયવ પણ છે.સાવયવ પદાર્થો એક બીજા સાથે જોડાઈ જતા જોવામાં આવે છે તો નિરવયવ પદાર્થો એકબીજા સાથે
જોડાઈ જતા નથી. જીવ (ચિદાભાસ) એ (પોતે) નિરવયવ જ છે,કેમ કે ચંદ્રને દેખનારો (દેહ-રૂપ) પુરુષનો જીવ,
નેત્ર-અવયવ (કે ઇન્દ્રિય) દ્વારા અહીંના પ્રદેશથી નિરવયવ-રૂપે ચન્દ્રમંડળ-આદિ સુધી પ્રસાર કરે છે.
આ વાત સર્વના અનુભવ વડે સિદ્ધ છે.અને આ વાત હું,અર્ધ-પ્રબુદ્ધ પુરુષે,સંકલ્પ-વિકલ્પ-વાળી દ્વૈત-દૃષ્ટિ વડે
કલ્પી કાઢેલા દૃશ્યને સ્વીકારી લઈને કરું છું,બાકી તત્વ-દૃષ્ટિમાં રહી આ મારું કહેવું નથી.

Jul 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1207

જે પ્રમાણે સ્વપ્નમાં દેખાતા પદાર્થોનું,વાસ્તવ સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તેઓ અત્યંત મહામોહને
ઉત્પન્ન કરે છે,પરંતુ જાગ્રતમાં તેમનું સ્વરૂપ ઓળખાયાથી તેઓ તે મહામોહને ઉત્પન્ન કરતા નથી,
તે પ્રમાણે જ આ સૃષ્ટિનું સમજી લેવાનું છે.એટલે કે-જ્ઞાન થતાં સુધી જ તે સૃષ્ટિ મોહ કરાવે છે.
કદાચિત શુષ્ક તર્કથી કે હઠના આવેશથી,અનુભવમાં ના આવી શકે તેવું -
કોઈ (સૃષ્ટિનું)'કારણ' કલ્પી લેવામાં આવે,તો તે મૂર્ખતાનો એક ખોટો આગ્રહ જ છે.