Oct 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1289-END

અગસ્તિ (સુતીક્ષ્ણને) કહે છે કે-કારુણ્યે તે પછી વિવાહ કર્યો અને કર્માંધિકારને પ્રાપ્ત થઇ,યથોચિત કાળમાં
ન્યાયને અનુસરીને વ્યવહારનાં કર્મો કરવા લાગ્યો.હે સુતીક્ષ્ણ,જ્ઞાન થયા પછી થતા એવા કર્મના સંબંધમાં,
એ કર્મ બંધન-કારક થશે એવો સંશય રાખવો નહિ,કેમ કે સંશયને લીધે સ્વાર્થથી ભ્રષ્ટ થવાય છે.
જેના આત્મામાં સંશય હોય તે પુરુષ છેવટે વિનાશને (અનિષ્ટ પરિણામને) પ્રાપ્ત થાય છે.

Oct 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1288

વાલ્મીકિ કહે છે કે-હે ભરદ્વાજ,આ ઉત્તમ મોક્ષ-સંહિતા (યોગવાસિષ્ઠ)નો પૂર્વકાળમાં,વિધાતાએ,મુનિઓના સમાજમાં
વિચાર કરી એવું કહ્યું છે કે-વસિષ્ઠની વાણી કદી અસત્ય થશે નહિ.
આ કથાનો અંત થતાં સારી બુદ્ધિવાળા યજમાને બ્રાહ્મણોની પૂજા કરી,તેમને જમાડી પોતાની શક્તિ મુજબ તેમને
દાન-દક્ષિણા આપવી.તમારી બુદ્ધિને બોધ થવા માટે સેંકડો કથાઓના ક્રમ વડે યુક્ત,બ્રહ્મ-તત્વનો બોધ કરનારું
અને દૃષ્ટાંત-યુક્તિથી સંઘટીત એવું આ નિર્મળ મોટું શાસ્ત્ર મેં તમને સંભળાવ્યું છે.કે જેનું શ્રવણ કરીને તમે જીવતાં જ
વિમુક્ત ચિત્તવાળા બની જાઓ અને અક્ષય બ્રહ્મ-રૂપે રહો.ને નિત્ય સુખ-રૂપ મુક્તિને પામો.

Oct 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1287

વસિષ્ઠ કહે છે કે-હે મહારાજા દશરથ,હવે હું જે કહું છું તે પ્રમાણે આપ કરો.કથાને અંતે બ્રાહ્મણ વગેરેનું
પૂજન કરવું જોઈએ માટે તમે આજે સર્વ બ્રાહ્મણોની કામનાને પૂર્ણ કરો.તેમ કરવાથી,આ વેદના અર્થનું
(આ મહા રામાયણનું) શ્રવણ કરવાના અનુષ્ઠાનના શાશ્વત ફળને તમે પ્રાપ્ત થશો.
વસિષ્ઠનાં વચન સાંભળી,દશરથે વેદવાદી એવા ઉત્તમ દશ હજાર બ્રાહ્મણોને દૂત દ્વારા બોલાવી,
તેમનું યથાવિધિ પૂજન કરી,ભોજન જમાડી તે સર્વની ઈચ્છા પ્રમાણે દાન-દક્ષિણા આપ્યાં.
વળી તેમણે,પિતૃઓનું,દેવતાઓનું,રાજાઓનું,નગરવાસીઓનું,અમાત્યોનું,તથા દીન,અંધ,
કૃપણ-આદિ મનુષ્યોનું પણ તે જ પ્રમાણે પૂજન-આદિ કર્યું.ને પછી મોટો ઉત્સવ કર્યો.