Sep 24, 2019

ભાગવત રહસ્ય-૭૩

તે જ વખતે સભામાં શુકદેવજી પધારે છે. બધાં મહાત્માઓ ઉઠીને ઉભા થાય છે. સર્વ વંદન કરે છે.વ્યાસજી પણ તે સભામાં છે.તે પણ ઉભા થઇ વંદન કરે છે. શુકદેવજીનું નામ લેતા –વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે.વ્યાસજી વિચારે છે-ભાગવતનું –રહસ્ય-શુકદેવજી જાણે છે-તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે.!!તે કથા કરશે ને હું સાંભળીશ.કોણ ઉભા થયા છે-કોણ માન આપે છે-તેનું પણ શુકદેવજીને ભાન નથી. ક્યાં બેસવું તે પણ ભાન નથી.

Sep 23, 2019

ભાગવત રહસ્ય-૭૨

શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના પિતાનું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-રાજાને શાપ આપ્યો છે.‘રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-તેના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષક નાગ કરડશે. તેનું મરણ થશે.’
આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી.મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો?

Sep 22, 2019

ભાગવત રહસ્ય-૭૧

પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું મારતો નથી –પણ મારું રાજ્ય છોડી તું ચાલ્યો જા. મારા રાજ્યમાં રહીશ નહિ.કળિ પ્રાર્થના કરે છે-પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ છો(આખી પૃથ્વી પર તમારું રાજ્ય છે). તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં ? હું આપને શરણે આવ્યો છું.મને રહેવા કોઈ સ્થાન આપો.
પરીક્ષિતે દયા કરી અને ચાર જગાએ કળિને રહેવાની જગ્યા આપી છે.
(૧)જુગાર (૨)મદિરાપાન અને માંસ ભક્ષણ (૩)ધર્મવિરુદ્ધનો સ્ત્રીસંગ-વેશ્યા (૪)હિંસા.