Oct 27, 2012

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૧૧

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE
અધ્યાય-૨ -૧૦
જેમ રસ્તે જતાં માર્ગમાંથી ભાગ્યવશ કોઈ કિંમતી હીરો મળી જાય. કે પછી-
જેમ બગાસું ખાવ- મોઢું પહોળું થયું હોય-તે જ વખતે અકસ્માત અમૃતબિંદુ અંદર આવી પડે-
તેવી જ રીતે-
હે અર્જુન, સહજતાથી- સ્વર્ગના દ્વાર-સમું, આવું ધર્મયુદ્ધ  તને પ્રાપ્ત થયું છે.
અને આવું ધર્મયુદ્ધ તો કોઈ ભાગ્યશાળી ક્ષત્રિય ને જ પ્રાપ્ત થાય છે
જાણે તારા ગુણોની કીર્તિ સાંભળીને –તારામાં આસક્ત થઇ -પ્રત્યક્ષ કીર્તિદેવી તને વરમાળા આરોપવા આવ્યા હોય તેવું લાગે છે. (૩૨)

અને આવે વખતે જો તું ખોટે ખોટો શોક કરીને બેસી રહીશ –તો તારી જાતે જ તું તારું ખરાબ કરે છે.
તારી કીર્તિ સાથે સાથે તારા વડીલોને (ક્ષત્રિય તરીકે મળેલી) કીર્તિ ને પણ તું ખરાબ કરે છે.

તું દયાને લીધે રણ છોડીને જાય છે-તે કોઈ માનવા તૈયાર થશે નહિ.
આ બધા કૌરવો તને ઘેરી ને તારા પર બાણ ની વૃષ્ટિ કરશે. એ વખતે તારે-
તારું દયાળુ પણું છોડ્યા વગર છુટકો નહિ થાય.
ભૂલેચૂકે તું એમ ને એમ  નાસી જઈશ તો –બધા તારી નિંદા કરશે અને તને નામર્દ કહેશે.
આવું તારાથી શું સાંભળી શકાશે ?(૩૩થી ૩૬)

હવે આમ વિચાર કરીને બેસી રહ્યા વગર –ઉઠ,ઉભો થા અને તારા ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) નું પાલન કર,
અને નિષ્કામ બની યુદ્ધ કર, જેનાથી તને કોઈ પાપ લાગશે નહિ.
યુદ્ધ માં જો તું મરણ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે, અને વિજય મેળવીશ તો પૃથ્વી નું રાજ્ય પ્રાપ્ત થશે.

લડાઈ ના મેદાન માં વિજય મળશે કે પરાજય થશે-એના ભવિષ્યના વિચારો કરતા બેસી રહેવું નહિ.
પોતાના ધર્મ ને અનુસરતા જે સારું કે ખરાબ ,સુખ કે દુઃખ મળે તેને સરખું માની –
તેને શાંત ચિત્ત થી સહન કરવાથી કોઈ દોષ લાગતો નથી.
માટે હવે નિશ્ચયપૂર્વક તું યુદ્ધ નો આરંભ કર.   (૩૭-૩૮)

કોઈ એક ભણવામાં અત્યંત તેજસ્વી-બુદ્ધિશાળી વિદ્યાર્થી એ –આખું વર્ષ બોર્ડ ની પરીક્ષા માટે તૈયારી કરી છે.

અને હવે પરીક્ષાને એક કલાક વાર છે અને તે વિદ્યાર્થી –રટ લઈને બેસી ગયો છે-મારે પરીક્ષા નથી આપવા જવું. બધા લોકો સમજાવે છે-પણ તે માનતો નથી.
તેની બુદ્ધિએ કોઈ અગમ્ય કારણોસર નિર્ણય લઇ લીધો છે,કે બસ પરીક્ષા નથી આપવી.

અહીં પણ આવું જ બન્યું છે.
અર્જુન ની બુદ્ધિએ નિર્ણય લીધો છે.

અર્જુન ની આંખે (ઇન્દ્રિય) ભૂતકાળ માં સ્નેહીજનો નો (દાદા નો-ગુરુનો) પ્રેમ જોયો હતો.
અને તે જોયેલો પ્રેમ –“બુદ્ધિ “ ની અંદર “અનુભવ “ રૂપે સંગ્રહ પામ્યો હતો.

હવે અત્યારે જયારે તેની આંખ (ઇન્દ્રિય) તે જ સ્નેહીજનો ને જુએ છે, ત્યારે –
(૧) તેની “બુદ્ધિ” માં સંગ્રહેલો “અનુભવ” અને
(૨) અત્યારની હાલની પરિસ્થિતિ માં –હાલની “બુદ્ધિ” (જે આંખ વડે જોઈ રહી છે)—તે

બંને વચ્ચે સરખામણી થાય છે-

(૩) હવે તે જ બુદ્ધિ પાસે –તેની આખી જિંદગીના બીજા અસંખ્ય અનુભવો છે.
એટલે એ- બીજા જુદી જુદી જાતના અનુભવો નું -ત્રીજુ પરિમાણ -એક ત્રીજી વસ્તુ ઉમેરાય છે.
એટલે હવે તેની –બુદ્ધિ –ત્રણ વસ્તુ જોડે સરખામણી કરે છે.

આ બધી આપણી બુદ્ધિ ને મગજમારી જેવી લાગતી વાતો –એટલી બધી ઝડપથી થાય છે.
કે જેનાથી અસંખ્ય સંશયો –અસંખ્ય વિચારો –પેદા થાય છે. અસંખ્ય તરંગો પેદા થાય છે.
કે પછી અસંખ્ય વાદળો પેદા થાય છે. જેનાથી સાચું જ્ઞાન ઢંકાઈ જાય છે.

(ક્રમશઃ)


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE