Sep 2, 2019

ભાગવત રહસ્ય-૫૧

નારદજી કહે છે-ભગવાનને કિર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા- લઇ હું જગતમાં ફરું છું. નાદ સાથે કિર્તન કરું છુ.હું જગતમાં ફરું છું-અને અધિકારી જીવો- અને-કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામમાં લઇ જઉં છું.સમુદ્રમાં એક ડૂબકીએ રત્ન મળતા નથી. પણ વારંવાર ડુબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે.મને રસ્તામાં ધ્રુવ મળ્યો-પ્રહલાદ મળ્યા. આવા જીવોને –આવા ભક્તોને હું પ્રભુ પાસે લઇ ગયો. અને લઇ જાઉં છું.

સત્સંગમાં મેં ભગવત કથા સાંભળી-કૃષ્ણ કિર્તન કર્યું-અને કૃષ્ણ-પ્રેમને પુષ્ટ કર્યો. હવે હું જયારે –ઈચ્છું ત્યારે કનૈયો-મને ઝાંખી આપે છે.મારી સાથે કનૈયો નાચે છે. હું કનૈયાનું કામ કરું છું –તેથી-તેને વહાલો લાગુ છું.

નામદેવ મહારાજ કિર્તન કરતા તે વખતે –વિઠ્ઠલનાથ નાચતા હતા.
કિર્તનમાં સંસારનું ભાન ભુલાય-તો આનંદ આવે. કિર્તનમાં તન્મય થયો-એ સંસારને ભૂલે છે. કિર્તનમાં સંસાર સાથેનો સંબંધ તૂટે છે.અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે.સંસારનું ધ્યાન છોડવાનો પ્રયત્ન કરી જુઓ.
કિર્તનમાં આનંદ ક્યારે આવે છે ? જયારે જીભથી પ્રભુ નુ કિર્તન-મનથી તેનું ચિંતન-અને દ્રષ્ટિથી –તેમના સ્વરૂપને જોશો-તોજ આનંદ આવશે.

કળિયુગમાં નામ-સંકીર્તન એ જ ઉગારવાનો ઉપાય છે.કિર્તન કરવાથી પાપ બળે છે.હૃદય વિશુદ્ધ થાય છે.
પરમાત્મા હૃદયમાં આવે છે. અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે.એટલે કથામાં કિર્તન થવું જ જોઈએ. કિર્તન વગર કથા પૂર્ણ થતી નથી.કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્મરણ સેવા-નામ-સેવા તરત જ ફળે છે.

“વ્યાસજી, આ સર્વ નુ મૂળ છે-સત્સંગ. સત્સંગનો મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે-તે સંત બને છે. કૃષ્ણકથા થી મારું જીવન સુધર્યું છે-સાચું જીવન મળ્યું છે-આપ જે મને માન આપો છો –તે સત્સંગને માન છે. સત્સંગથી –ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો.”

માનવ દેવ થવા સર્જાયો છે.માનવને દેવ થવા ચાર ગુણોની જરૂર છે. સંયમ-સદાચાર-સ્નેહ અને સેવા. આ ગુણો સત્સંગ વગર આવતા નથી.નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ અને સેવાનું ફળ બતાવવાનો-આ ચરિત્રનો ઉદ્દેશ છે-એટલે વિસ્તાર કર્યો છે.આપણે એ પણ જોયું –કે જપ વિના જીવન સુધરતું નથી.દાનથી ધનની શુદ્ધિ થાય છે. જપ-ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે-સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે.

જપ કરનારની સ્થિતિ કેવી હોવી જોઈએ ? 
શ્રી બ્રહ્મચૈતન્યસ્વામીએ કહ્યું છે-કે-સહજ સુમિરન હોત હય,રોમ રોમ મેં રામ-
વ્યવહારનું કામ કરતાં પણ અંદર- જો મંત્રની ધારા ચાલુ રહે તો-માનજો-હવે મંત્ર સિદ્ધ થયો છે.
વ્યવહારનું કામ-છોડ્યા પછી-જ મંત્રની ધારા ચાલુ રહે તો –સમજજો કે મંત્ર હજુ સિદ્ધ થયો નથી.
જપ ના વખાણ ગીતામાં પણ થયેલા છે-ભગવાન કહે છે કે-
યજ્ઞાનાજપયજ્ઞોસ્મી---યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. (ગીતા-૧૦ -૨૫)
રામદાસ સ્વામીએ-દાસ-બોધમાં –લખ્યું છે કે-જપ કરવાથી જન્મ-કુંડલીના ગ્રહો પણ સુધરે છે.

નારદજી-વ્યાસજીને કહે છે-તમે જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી-હવે પ્રેમ પ્રધાન કથા કરો. કૃષ્ણ પ્રેમમાં તરબોળ થઇ –કથા કરશો-તો તમારુ અને સર્વનું કલ્યાણ થશે-આપની ચિંતા ટળશે.
વ્યાસજી કહે છે-કે તમે જ મને એવી કથા સંભળાવો-તમે કથા કરો ને હું લખી લઉં.
નારદજી કહે છે-તમે જ્ઞાની છો-તમારુ સ્વરૂપ તો તમે ભૂલ્યા નથી ને ? તમે સમાધિમાં બેસો-અને સમાધિમાં જે દેખાય તે લખજો. સમાધિમાં હંમેશા –સત્ય જ દેખાય છે. કોઈવાર પ્રત્યક્ષ દેખાય એ પણ ખોટું હોય છે.

બહિર્મુખ ઈન્દ્રિયોને અંતર્મુખ કરવાથી-સમાધિ સમીપ પહોચાય છે. ઈશ્વર સાથે એક થવું –લીન થવું-તે સમાધિ.નારદ ના મળે ત્યાં સુધી-નારાયણનાં દર્શન થતાં નથી.
સંસારમાં આવ્યા પછી જીવ પોતાનું સ્વરૂપ ભૂલે છે.
જામ્બવાને –હનુમાનજીને તેમની શક્તિનું ભાન કરાવ્યું-ત્યારે તેઓ દરિયો ઓળંગી ગયા.


કોઈ સંત કૃપા કરે(સત્સંગ થાય)-ત્યારે –તે-જીવને તેના સ્વરૂપનું ભાન કરાવે છે .
જ્ઞાની હોવાં છતાં-વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી. નારદે-તેમને સ્વરૂપનું ભાન કરાવ્યું.
નારદજી તે પછી બ્રહ્મ લોકમાં પધાર્યા છે.

વ્યાસજીએ-પ્રાણાયામથી અંતર્મુખ દ્રષ્ટિ કરી-ત્યાં-હૃદય ગોકુલમાં-બાલકૃષ્ણ દેખાયા-સર્વ લીલાઓના દર્શન થયા છે.વ્યાસજીને જે સમાધિમાં દેખાણું-તે બોલ્યા છે.
તેથી જેની બહિર્મુખી પ્રકૃત્તિ છે-એ ભાગવતનું રહસ્ય બરોબર સમજી શકશે નહિ.
ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે-પણ તેનો પ્રધાન વિષય છે-પ્રેમ.
બીજા પુરાણોમાં-જ્ઞાન-કર્મ-આચાર-ધર્મ-વગેરે પ્રધાન છે. પરંતુ ભાગવત પુરાણ એ પ્રેમપ્રધાન છે.ભક્તિપ્રધાન છે.જે ભગવાન સાથે-પ્રેમ કરી શકે છે-એ જ ભાગવતનો અધિકારી થઇ શકે છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE