Sep 20, 2019

ભાગવત રહસ્ય-૬૯

અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને -ધર્મરાજાને કહી રહ્યો છે-
“મોટાભાઈ-ચાર મહિના દુર્વાસાની સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા.
દુર્વાસના રાજમહેલમાં જ ત્રાસ આપે તેવું નથી,દુર્વાસના તો વનમાં પણ ત્રાસ આપે છે.
તેનાથી શ્રીકૃષ્ણ જ બચાવી શકે. શ્રીકૃષ્ણ વિનાનું જીવન હવે મને વ્યર્થ લાગે છે.ભારરૂપ લાગે છે.”

યુધિષ્ઠિરે ભગવાનના સ્વધામ-ગમનની અને યદુવંશના વિનાશની વાત અર્જુન પાસે થી સાંભળી, સ્વર્ગારોહણ નો નિશ્ચય કર્યો.પરીક્ષિતને રાજગાદી સોંપી દીધી.અને પાંડવોએ-દ્રૌપદી સહિત હિમાલય તરફ પ્રયાણ કર્યું.
કેદારનાથની આગળ નિર્વાણપથ(રસ્તો) છે. જે પથે –શુકદેવજીએ –શંકરાચાર્યે-પ્રયાણ કર્યું છે. તે પથ લીધો છે.ચાલતાં ચાલતાં-સહુથી પહેલાં પતન દ્રૌપદીનું થયું. તે પતિવ્રતા હતાં પણ –અર્જુનમાં વિશેષ પ્રેમ-પક્ષપાત રાખતાં હતાં.

બીજું પતન સહદેવનું થયું-સહદેવને –જ્ઞાનનું અભિમાન હતું. ત્રીજું પતન નકુળનું થયું-તેને રૂપનું અભિમાન હતું.ચોથું પતન અર્જુનનું થયું.તેને પરાક્રમનું અભિમાન હતું. પાંચમું ભીમનું થયું. તેને ભોજન પ્રત્યે અતિ રાગ હતો.છેલ્લા ધર્મરાજા આગળ ગયા છે.એકલા ધર્મરાજા સદેહે –સ્વર્ગમાં ગયા.

કળિયુગ માં-તુકારામ અને મીરાંબાઈ –જેવા –ભક્તો સદેહે –વૈકુંઠમાં ગયાં છે.
તુકારામ મહારાજની ક્યાંય –સમાધિ નહિ-શ્રાદ્ધ નહિ-શરીર છોડ્યું ના હોય તો –સમાધિ ક્યાંથી ? શ્રાદ્ધ ક્યાંથી ? તુકારામ કહે છે-આમ્હી જાતો-આમુચા ગાવા-આમચા રામ રામ ધ્યાવા- તુકા જાતો-વૈકુંઠાલા-
આ પ્રમાણે બોલતાં બોલતાં તુકારામ વૈકુંઠમાં ગયા છે.
શાસ્ત્ર નો સિદ્ધાંત છે કે-આત્મા -પરમાત્મા જોડે મળે છે. શરીર પૃથ્વી પર રહી જાય છે.
પણ મીરાંબાઈ સદેહે દ્વારકાધીશમાં સમાઈ ગયાં છે.

મીરાબાઈને મેવાડમાં દુઃખ પડ્યું,તેથી તેમણે મેવાડ છોડ્યું. મીરાબાઈના ગયાં પછી મેવાડ –દેશ બહુ દુઃખી થયો. રાણાએ વિચાર્યું-કે મીરાં ફરીથી પધારે તો મેવાડ સુખી થાય. રાણા-મહાજન,મંત્રીઓને લઇ દ્વારકા આવ્યા છે.મીરાં ને કહે છે કે –અમારા અપરાધોની ક્ષમા કરો.મેવાડ પાછા પધારો.
મીરાં કહે છે કે-મારા પ્રભુને બહુ પરિશ્રમ પડ્યો છે.મારું અપમાન કરે તો હું સહી શકું-પણ મારા નાથનું અપમાન ન સહી શકું.મારા માલિક માટે તમે,ગમે તેમ બોલ્યા છો-હું મેવાડ નહિ આવું.

રાણા વિચારે છે કે-સાધુ સંતો કહે તો કદાચ મીરાં બાઈ આવે. સંતો જોડે આગ્રહ કરાવડાવ્યો. સંતો અન્ન જળનો ત્યાગ કરે છે.ત્યારે મીરાનું કોમળ હૃદય પીગળ્યું.મીરાંબાઈ કહે છે-કે-તમે સર્વ પ્રસાદ લો. હું આવતી કાલે દ્વારકાનાથને પૂછીશ. તેઓ આજ્ઞા આપે તો હું આવીશ.
બીજા દિવસે મીરાંબાઈએ દિવ્ય શૃંગાર કર્યો.પ્રાણ-પ્રિયતમ કૃષ્ણને મળવા આતુર થયા છે. મીરાંબાઈ “રાધે ગોવિંદ” કિર્તન કરતાં નાચે છે. આજે છેલ્લું કિર્તન છે. 

મીરાં શ્રીકૃષ્ણને કહે છે-વિનવણી કરે છે-નાથ,જીવનનો બહુ અનુભવ કર્યો છે,હવે મારે આ સંસારમાં રહેવું નથી. નાથ,તમારું કિર્તન કરતાં હું રડું છું-અને તમે હસો છો ?ક્યાં સુધી આમ મને રડાવશો ? મને મેવાડ મોકલશો ? તમારાં ચરણ છોડી હવે ક્યાંય જવું નથી. મને હવે તમારા ચરણ માં જ રાખજો.તમારો વિયોગ સહન થતો નથી. તમારાં પાછળ પડે તેને તમે જો આવી રીતે રડાવશો-તો પછી તમારી ભક્તિ કોણ કરશે ?
કિર્તન કરતાં-કરતાં નિજમંદિરમાં પ્રવેશ કર્યો. જ્યાં વંદન કર્યાં –કે દ્વારકાનાથે મીરાંબાઈને ઉઠાવીને છાતી સરસી ચાંપી છે.મીરાંબાઈ સદેહે દ્વારકાનાથમાં લીન થયા છે.

કૃષ્ણ-ભક્તિમાં એવી શક્તિ છે કે-પંચભૌતિક દેહ પણ દિવ્ય બને છે. જડ શરીર-ચેતન બને છે-અને-ચેતનમાં લીન થાય છે.પ્રયાણ અને મરણમાં ફેર છે.છેક છેલ્લા શ્વાસ સુધી-પ્રભુની ભક્તિ-સેવા-પૂજા-સ્મરણ-કિર્તન કરતાં કરતાં –આનંદમાં –હસતો,હસતો જાય-તે પ્રયાણ.
પણ છેલ્લા દિવસ માં સ્નાન નહિ-સંધ્યા નહિ-એવી અપવિત્ર-મલિન અવસ્થામાં જાય તે મરણ.

પાંડવોના મરણની આ કથા નથી,પ્રયાણની કથા છે. પાંડવોનું મરણ સુધર્યું. કારણ કે-તેઓનું જીવન શુદ્ધ-ધર્મમય હતું.ધર્મોન્નતિ –દેશોન્નતિ-અને આત્મોન્નતિ-એમ ત્રણ ઉન્નતિનું ત્રણ અધ્યાયમાં વર્ણન છે.
જે ધર્મોન્નતિ કરે અને દેશોન્નતિ કરે- તેની આત્મોન્નતિ થાય છે.

પરીક્ષિત રાજા –રાજ્ય કરવા લાગ્યા છે. ધર્મથી પ્રજાનું પાલન કરે છે. ત્રણ અશ્વમેધ યજ્ઞ કર્યા છે.
(અશ્વમેઘ યજ્ઞમાં ઘોડાને છોડવામાં આવે છે.વાસના –એ ઘોડો છે-વાસના કોઈ ઠેકાણે ન બંધાય)
ઇન્દ્રિય-શરીર અને -મનોગત વાસનાનો નાશ-એ ત્રણ યજ્ઞો છે. હજુ -બુધ્ધિગત વાસનાનો-ચોથો યજ્ઞ બાકી છે.શુકદેવજી જેવા કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે તો જ આ બુધ્ધિગત વાસનાનો નાશ થાય. એટલે ચોથો યજ્ઞ બાકી હતો..        
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE